Site icon Revoi.in

ઈજનેરી અને ફાર્મસીમાં પ્રવેશ માટે ગુજકેટની પરીક્ષાના ફોર્મ 23મી જુનથી ઓનલાઈન ભરી શકાશે

Social Share

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના ધો. 12ના પરિણામ જાહેર થતા પહેલા જ ગુજકેટની પરીક્ષાના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ડીગ્રી એન્જિનિયરિંગ, ડીગ્રી/ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા A અને B  તથા AB ગ્રુપના વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારો માટે ગુજકેટ 2021ની પરીક્ષાની માહિતી પુસ્તિકા અને ઓનલાઈન ફોર્મ ભરવાની સૂચનાઓ www.gseb.org પર મૂકવામાં આવી છે. આવતી કાલથી તા. 23 જુનથી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરાશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ ગુજકેટ-2021ની પરીક્ષાનું ફોર્મ બોર્ડની વેબસાઈટ www.gseb.org તથા gujcet.gseb.org પરથી 23 જૂનથી 30 જૂન 2021 સુધીમાં ઓનલાઈન ભરી શકાશે. આ માટે ઉમેદવારે 300 રૂપિયા પરીક્ષા ફી ભરવાની રહેશે. જેને ઓનલાઈન અથવા દેશની કોઇપણ SBI બ્રાન્ચમાં જઈને ભરી શકાશે.ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં A ગૃપના વિદ્યાર્થીઓ પાસે 850 અને B ગ્રુપના વિદ્યાર્થીઓ પાસે રૂપિયા 950 પરીક્ષા ફી લેવામાં આવી છે. જેમાં વિદ્યાર્થીનીઓ પાસે ફી લેવામાં આવેલ નથી. વાલીઓની માંગ છે કે બોર્ડ દ્વારા પરીક્ષા ફી લેવામાં આવી છે પરંતુ પરીક્ષા લેવામાં આવી નથી તો હવે ગુજકેટ પરીક્ષા માટે નક્કી કરેલ રૂપિયા 300 ફી રેગ્યુલર વિદ્યાર્થીઓને માફ આપવામાં આવે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ રીલિઝ કરેલી અખબારી યાદીમાં જણાવ્યું કે, ધોરણ 12ના તમામ પ્રવાહના નિયમિત ઉમેદવાર માટે સરકાર દ્વારા ગુણાંકન પદ્ધતિ અનુસાર પરિણામ તૈયાર કરવામાં આવશે. આ પરિણામ પ્રસિદ્ધ થયા બાદ કોઈ વિદ્યાર્થીને પરિણામથી અંસતોષ હોય તો તેવા વિદ્યાર્થી પરિણામ પ્રસિદ્ધ થયાના 15 દિવસમાં પોતાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની કચેરીમાં જમા કરાવવાનું રહેશે. આવા વિદ્યાર્થીઓ માટે શિક્ષણ બોર્ડ દ્વારા અલગથી પરીક્ષા યોજવામાં આવશે. આ અંગેનો કાર્યક્રમ હવે પછી જાહેર કરવામાં આવશે.

Exit mobile version