Site icon Revoi.in

ગુજરાતમાં અડધો ડઝન ખાનગી ઈજનેરી કોલેજો નો-એડમિશન ઝોનમાં મુકાતા 1800 બેઠકો ઘટી

Social Share

અમદાવાદઃ રાજ્યમાં સમયાંતરે ખાનગી એન્જિનિયરિંગ કોલેજોને માન્યતા આપવામાં આવતા હોય છે. જોકે ઘણી ખાનગી કોલેજો નિયત ધારાધોરણનું પાલન કરતી નથી. એઆઈસીટીઈના નિયમ મુજબ કોલેજોમાં ક્વોલીફાઈ સ્ટાફ અને માળકાકિય જરૂરી સુવિધા હોવી જોઈએ, જેના માટે અવાર-નવાર ઈન્સપેક્શન પણ કરવામાં આવતું હોય છે. જેમાં કોલેજોને તાકીદ કર્યા બાદ પણ ક્ષતિ પૂર્ણ કરવામાં ન આવે તો કોલેજની માન્યતા રદ કરીને નો-એડમિશન ઝોનમાં મુકી દેવામાં આવતા હોય છે. તાજેતરમાં ગુજરાતની 6 ઈજનેરી કોલેજોને નો-એડમિશન ઝોનમાં મુકવામાં આવતા 1800 જેટલી બેઠકોનો ઘટાડો થયો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ માટે હાલમાં ફાઇનલ સીટમેટ્રિક્સ જાહેર કરી દેવામાં આવી છે. ચાલુ વર્ષે સ્ટાફ સહિતની અનિયમિતતાના કારણે 6 કોલેજોને નો એડમીશન ઝોનમાં મુકવામાં આવી છે. આજ રીતે બાકીની 6 કોલેજોને હજુ યુનિવર્સિટીનું જોડાણ મેળવ્યું ન હોવાથી તેની બેઠકો પણ ગણતરીમાં લેવામાં આવી નથી. આમ, હાલની સ્થિતિમાં અંદાજે 64 હજાર બેઠકો માટે પ્રવેશ પ્રક્રિયા કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ડિગ્રી ઇજનેરીમાં પ્રવેશ માટે હાલ મોક રાઉન્ડ માટે ચોઇસ ફિલિંગની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. આ સાથે જ પ્રવેશ સમિતિ દ્વારા ફાઇનલ સીટ મેટ્રિક્સ જાહેર કરી દેવામાં આવી છે. હાલની સ્થિતિમાં છ કોલેજો એવી છે કે જેને પ્રવેશ સમિતિ દ્વારા નો એડમીશન ઝોનમાં મુકી દેવામાં આવી છે. આ છ કોલેજોમાં અમરેલીની બે પોરબંદર, જામનગર, મોડાસા અને હિંમતનગરની એક કોલેજનો સમાવેશ થાય છે. આ તમામ સ્વનિર્ભર કોલેજોમાં આચાર્ય, પ્રફેસર સહિતના સ્ટાફની અછત સહિતની અનેક ક્ષતિઓ બહાર આવતા ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની સૂચના બાદ પ્રવેશ સમિતિ દ્વારા આ કોલેજોને નો એડમીશન ઝોનમાં મુકી દેવામાં આવી છે. આ કોલેજોની અંદાજે 1800 બેઠકો પર વિદ્યાર્થીઓને ચાલુ વર્ષે પ્રવેશ ફાળવવામાં નહી આવે.  કોલેજોને વિદ્યાર્થીઓને ચોઇસ ફિલિંગ માટે પણ દર્શાવવામાં આવશે નહી. આ સિવાયની અન્ય છ કોલેજો એવી છે કે, જેણે હજુ સુધી યુનિવર્સિટીનું જોડાણ લીધું નથી. નિયમ પ્રમાણે દરેક કોલેજોએ યુનિવર્સિટીનું દરવર્ષે જોડાણ લેવું પડે છે. આ કોલેજોમાં સાબરકાંઠા, નવસારી, સુરતની બે, જૂનાગઢની એક અને પંચમહાલની એક કોલેજનો સમાવેશ થાય છે. આ કોલેજોની બેઠકો પણ હાલમાં વિદ્યાર્થીઓને ચોઇસ માટે દર્શાવવામાં નહી આવે, જોકે, આ કોલેજો દ્વારા યુનિવર્સિટીનું જોડાણ લેવામાં આવ્યા બાદ આ કોલેજોની બેઠકો વિદ્યાર્થીઓ દર્શાવવામાં આવશે. આ કોલેજો બેઠકો હાલ રદ કરવામાં આવી નથી. આમ, હાલની સ્થિતિમાં ડિગ્રી ઇજનેરીની છ કોલેજો નો એડમીશન ઝોનમાં મુકતાં તેની 1800 બેઠકો પર વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં નહી આવે. આગામી 24મીએ મોક રાઉન્ડનું પરિણામ જાહેર કરવામાં આવશે તેની સાથે જ ફાઇનલ સીટ મેટ્રિક્સ પણ જાહેર કરવામાં આવશે. આગામી 24મીથી 28મી સુધી પહેલા રાઉન્ડ માટે ચોઇસ ફિલિંગ કરવાની રહેશે.

Exit mobile version