Site icon Revoi.in

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો જન્મદિવસ, સીએમએ પાઠવી શુભકામના

Social Share

અમદાવાદઃ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો આજે 64મો જન્મદિવસ હતો. જેથી ગુજરાતના મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ તેમને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી. રાજ્યપાલના જન્મદિવસ નિમિત્તે સેવાકાર્ય હેતુ રાજભવન પરિવાર દ્વારા રાજભવનમાં રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું. આ શિબિર દરમિયાન 903 યુનિટ રક્ત એકત્ર કરાયું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને બુધવારે તેમના 64 માં જન્મદિવસ અવસરે રાજભવન ખાતે પ્રત્યક્ષ મળીને જન્મદિવસ શુભેચ્છાઓ પાઠવી હતી. મુખ્યમંત્રીએ રાજ્યપાલના સ્વસ્થ-તંદુરસ્ત જીવન અને દીર્ઘાયુની મંગલ કામનાઓ આ પ્રસંગે વ્યક્ત કરી હતી. ભારતના રાષ્ટ્રપતિ શ્રી દ્રોપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે પણ પત્ર પાઠવીને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને જન્મદિવસની શુભકામનાઓ આપી છે.

રાજભવન પરિવાર દ્વારા આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના જન્મદિવસ નિમિત્તે સેવાકાર્ય હેતુ રાજભવનમાં રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું રાજ્યપાલના સુપુત્ર આર્યનો પણ આજે જન્મદિવસ હતો. પુત્ર ગૌરવ આર્ય અને પુત્રવધુકવિતાજીએ પણ આ શિબિર દરમિયાન રક્તદાન કર્યું હતું.

ગાંધીનગર અને અમદાવાદની સિવિલ હોસ્પિટલ તથા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સહયોગથી યોજાયેલી આ રક્તદાન શિબિરમાં અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ, સેના-પોલીસના જવાનો, કોલેજના વિદ્યાર્થીઓ, ધાર્મિક-સેવાભાવી સંગઠનો, યુનિવર્સિટીઓના છાત્રો સહિત વિવિધ 78 જેટલી સંસ્થાઓના પ્રતિનિધિઓએ રક્તદાન કર્યું હતું. રાજ્યપાલશ્રીના ચીફ મેડિકલ ઓફિસર ડૉ. શશાંક સિમ્પીના સંકલનથી આયોજિત આ રક્તદાન શિબિરમાં 903 યુનિટ રક્ત એકત્ર કરાયું હતું. આટલા રક્તથી 20709 જેટલા લોકોના જીવ બચાવી શકાય છે.