ચંદીગઢ, 17 જાન્યુઆરી 2026: સોશિયલ મીડિયા પર વધતી જતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને ઉશ્કેરણીજનક પોસ્ટ્સ સામે હરિયાણા પોલીસે લાલ આંખ કરી છે. ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયના સહયોગથી શરૂ કરાયેલા એક વિશેષ ડિજિટલ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 1,018 જેટલી આપત્તિજનક લિંક્સ અને પ્રોફાઈલની ઓળખ કરી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાંથી 583 લિંક્સને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી કાયમી ધોરણે હટાવી દેવામાં આવી છે.
સાયબર હરિયાણા ટીમ છેલ્લા એક મહિનાથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર સતત મોનિટરિંગ કરી રહી છે. ખાસ કરીને રાષ્ટ્રવિરોધી, ધર્મવિરોધી અને જાહેર શાંતિ ભંગ કરે તેવા કન્ટેન્ટ સામે આઈટી એક્ટની હેઠળ નોટિસ ફટકારીને ત્વરિત કાર્યવાહી કરવામાં આવી રહી છે. બાકી રહેલી 435 પ્રોફાઈલ્સ હાલ રિવ્યુ હેઠળ છે અને ટૂંક સમયમાં તેને પણ બ્લોક કરી દેવાશે.
- રોકાણના નામે છેતરતી 28 એપ્સ રડારમાં
હરિયાણાના ડીજીપી અજય સિંઘલે જણાવ્યું હતું કે, ડિજિટલ છેતરપિંડી રોકવા માટે 12 જાન્યુઆરીથી એક સુવ્યવસ્થિત અભિયાન શરૂ કરાયું છે. આ અંતર્ગત શંકાસ્પદ ટ્રેડિંગ અને ઇન્વેસ્ટમેન્ટ સોફ્ટવેર તેમજ એપ્સની તપાસ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં આવી 28 નકલી એપ્સ અને ચેનલોની ઓળખ થઈ છે, જેમાંથી 14ને સફળતાપૂર્વક ડિજિટલ પ્લેટફોર્મ પરથી હટાવી દેવાઈ છે.
ડીજીપી સિંઘલે વધુમાં જણાવ્યું કે, સાયબર અપરાધીઓ ઓછા સમયમાં વધુ વળતરની લાલચ આપીને લોકોની મહેનતની કમાણી હડપી લેતા હોય છે. તેમણે નાગરિકોને અનુરોધ કર્યો છે કે, કોઈપણ અજાણી કે શંકાસ્પદ લિંક પર ક્લિક ન કરવું. રોકાણ કરતા પહેલા એપ કે પ્લેટફોર્મની વિશ્વસનીયતા ચકાસવી.જો કોઈ છેતરપિંડીનો ભોગ બને તો તુરંત જ સાયબર હેલ્પલાઈન નંબર 1930 પર કોલ કરવો અથવા સત્તાવાર વેબસાઈટ પર ફરિયાદ નોંધાવવી.
એડીજીપી સાયબર શિબાશ કબીરાજે જણાવ્યું હતું કે, આ અભિયાનનો મુખ્ય હેતુ એક સુરક્ષિત અને વિશ્વાસપાત્ર ડિજિટલ વાતાવરણ ઉભું કરવાનો છે. જનતાના સહયોગથી સોશિયલ મીડિયા પર ફેલાતી નફરત અને ઓનલાઈન ફ્રોડને નાબૂદ કરવામાં આવશે.
આ પણ વાંચોઃ દેશની પ્રથમ સ્લીપર વંદે ભારત ટ્રેનનો પ્રારંભઃ જાણો શું હશે વિશેષતાઓ?

