Site icon Revoi.in

કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈને આરોગ્ય પ્રધાન રૂષિકેશ પટેલે વ્યક્ત કરી ચિંતા

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર કોરોનાના કેસમાં ધીમે-ધીમે વધારો થઈ રહ્યો છે. એટલું જ નહીં દિવાળીના તહેવારો બાદ ત્રીજી લહેર આવે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. દરમિયાન એક કાર્યક્રમમાં ઉપસ્થિત આરોગ્ય પ્રધાન રૂષિકેશ પટેલે કહ્યું હતું કે, કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે. પરંતુ જો રસી લીધી હશે તો કોરોનાને હરાવી શકાશે.

અમદાવાદ ખાતે GTU દ્વારા 8 કરોડના ખર્ચે અત્યાંધુનિક લેબોરેટરીનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનું રાજ્યના આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે ઉદ્દઘાટન કર્યું હતું. આ લેબમાં તમામ પ્રકારના ટેસ્ટિંગ અને સેમ્પલિંગ કરવામાં આવશે. ખાસ કરીને ફર્ટિલાઇઝર, ડ્રગ્સ, હર્બલના સેમ્પલિંગ અને ટેસ્ટિંગ અહીં કરાશે.દરમિયાન આરોગ્ય પ્રધાને કહ્યું હતું કે, કોરોનાને માત્ર રસીથી જ હરાવી શકાય છે. કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે પરંતુ રસી લીધી હશે તો હરાવી શકીશું. આ ઉપરાંત આરોગ્ય પ્રધાને રાજ્યની જનતાને અપીલ કરી હતી કે, જે લોકોએ રસી નથી લીધી તેઓ રસી લે.

અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસમાં ઘટાડો થયો હતો પરંતુ હવે ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. બીજી તરફ સરકારે કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને આગોતરુ આયોજન કર્યું છે.