શાળાએ જતા બાળકોના ટિફિનમાં દરરોજ શું નવું અને પૌષ્ટિક આપવું, તે દરેક માતા-પિતા માટે એક મોટી મૂંઝવણ હોય છે. બાળકોને એવો નાસ્તો જોઈએ છે જે સ્વાદિષ્ટ હોય, જ્યારે વાલીઓને ચિંતા હોય છે કે તે હેલ્ધી હોવો જોઈએ. આજે અમે તમારા માટે લાવ્યા છીએ એક એવી રેસીપી જે માત્ર 5-10 મિનિટમાં તૈયાર થઈ જશે અને પોષક તત્વોથી ભરપૂર છે – ‘એવોકાડો ટોસ્ટ’.
- સામગ્રી
બ્રેડ: 2 સ્લાઈસ (બ્રાઉન બ્રેડ અથવા મલ્ટીગ્રેન બ્રેડ વધુ હિતાવહ છે)
એવોકાડો: 1 નંગ (સારી રીતે પાકેલું)
લીંબુનો રસ: 1 ચમચી
મસાલા: સ્વાદ મુજબ મીઠું અને કાળા મરીનો પાવડર
તેલ/માખણ: 1 ચમચી ઓલિવ ઓઈલ અથવા માખણ
વૈકલ્પિક (ટોપિંગ્સ): ટામેટા, કાકડી, પનીર, ચીઝ
- બનાવવાની સરળ રીત
સૌ પ્રથમ, બ્રેડના ટુકડાને એક પેન અથવા ટોસ્ટરમાં હળવા સોનેરી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકો. એવોકાડોને વચ્ચેથી કાપી, તેનો પલ્પ કાઢીને એક બાઉલમાં લો. તેને કાંટા ચમચી વડે સારી રીતે મેશ કરો. મેશ કરેલા એવોકાડોમાં લીંબુનો રસ, મીઠું અને કાળા મરી ઉમેરીને બરાબર મિક્સ કરો. આ તૈયાર મિશ્રણને શેકેલી બ્રેડ પર સરખી રીતે ફેલાવો. જો બાળકને શાકભાજી ભાવતા હોય તો ઉપરથી ટામેટા, કાકડી કે પનીરના ટુકડા મૂકી શકાય. છેલ્લે થોડું ઓલિવ તેલ છાંટીને ટિફિનમાં પેક કરો.
- કેમ એવોકાડો બાળકો માટે છે ‘સુપરફૂડ’?
એવોકાડો માત્ર સ્વાદિષ્ટ જ નથી, પણ તેના સ્વાસ્થ્યલક્ષી ફાયદાઓ પણ અગણિત છે.
હૃદય અને વજન: તે હૃદયના સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે અને વધતા વજનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
ત્વચાની સંભાળ: વિટામિન્સથી ભરપૂર હોવાથી તે શુષ્ક ત્વચાને મુલાયમ બનાવે છે.
મગજનો વિકાસ: તેમાં રહેલા હેલ્ધી ફેટ્સ બાળકોના મગજના વિકાસ માટે જરૂરી છે.
કુદરતી પોષણ: પોષક તત્વોની હાજરીને કારણે જ હાલમાં કોસ્મેટિક્સ ઉત્પાદનોમાં પણ તેનો ઉપયોગ વધ્યો છે.
આ હેલ્ધી લંચ આઈડિયા બાળકોના એનર્જી લેવલને આખો દિવસ જાળવી રાખવામાં મદદ કરશે. તો આજે જ ટ્રાય કરો આ ક્વિક અને હેલ્ધી રેસીપી!
આ પણ વાંચોઃ ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનને મળી ઝેડ કેટેગરીની સુરક્ષા

