Site icon Revoi.in

ઉત્તર ભારતના કેટલાક વિસ્તારમાં ગરમીનો પારો 50 ડીગ્રી પહોંચવાની આગાહીઃ એડવાઈઝરી જાહેર કરાઈ

Social Share

નવી દિલ્‍હીઃ દેશમાં ઉનાળાના આરંભ સાથે જ ઉત્તરભારતના રાજ્યોમાં કાળઝાળ ગરમી પડી રહી છે. મોટાભાગના શહેરો અને નગરોમાં તાપમાનનો પારો 45 ડિગ્રીની આસપાસ પહોંચ્યો છે. લોકો કાળઝાળ ગરમીથી ત્રાહીમામ પોકારી ઉઠ્યાં છે. દરમિયાન આ વર્ષે ઉત્તર ભારતના કેટલાક નગરોમાં તાપમાનનો પારો 50 ડીગ્રી ઉપર પહોંચવાનો અંદાજ છે. દેશના વિવિધ રાજ્યોમાં વધી રહેલી ગરમીને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. તેમજ લોકોને ગરમીથી કેવી રીતે બચવું તે અંગેની સુચના પણ આપવામાં આવી છે. જયારે ઉત્તર ભારતમાં આકરી ગરમીએ ૧૨૨ વર્ષનો રેકોર્ડ તોડી નાખ્‍યો છે.

એડવાઈઝરીમાં રાજય સરકારોને હીટ સ્‍ટ્રોકના દર્દીઓની સારવાર માટે પૂરતી આરોગ્‍ય સુવિધાઓ અને અન્‍ય વ્‍યવસ્‍થા સુનિશ્ચિત કરવા માટે કહેવામાં આવ્‍યું છે. હવામાન વિભાગનું કહેવું છે કે આગામી કેટલાક દિવસો સુધી કાળઝાળ ગરમીમાંથી રાહત મળશે, પરંતુ તે પછી ફરી ગરમીનો પારો ઉંચકાશે. ઉત્તર ભારતમાં આકરી ગરમીએ 122 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્‍યો છે. કેન્દ્ર સરકાર દ્વારા લોકોને બપોરના 12થી 3 કલાક સુધી બહાર ન નીકળવા માટે અપીલ કરવામાં આવી છે. તેમજ જો જરૂરી હોય તો, છત્રી સાથે રાખો અથવા સીધા સૂર્યપ્રકાશથી બચવા માટે તેને ટોપી, ટુવાલ, સ્‍કાર્ફ વગેરેથી સારી રીતે ઢાંકીને રાખો. ખુલ્લા પગે તડકામાં બહાર ન જાવું અને તરસ ન લાગી હોય તો પણ પાણી પીતા રહેવુ જરૂરી છે.

ભારતીય હવામાન વિભાગના જણાવ્‍યા અનુસાર, એપ્રિલમાં ઉત્તર-પશ્ચિમ વિસ્‍તારોમાં સરેરાશ મહત્તમ તાપમાન 35.90 ડિગ્રી સેલ્‍સિયસ નોંધાયું હતું, જયારે મધ્‍ય ભારતમાં તે 37.78 ડિગ્રી સેલ્‍સિયસ હતું. જે છેલ્લા ૧૨૦ વર્ષમાં સૌથી વધુ છે. એપ્રિલ મહિનામાં જ ઘણી જગ્‍યાએ તાપમાનનો પારો ૪૭ ડિગ્રીને આંબી ગયો હતો. દિલ્‍હીમાં ગરમીએ 72 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે.