Site icon Revoi.in

કાળઝાળ ગરમીનો પ્રકોપ: ભારતમાં માત્ર 5 દિવસની લૂથી 30 હજાર લોકોના મોતની આશંકા

Social Share

નવી દિલ્હી, 2 જૂન 2026: દેશના અનેક હિસ્સાઓમાં આ વર્ષે કાળઝાળ ગરમી પડી રહી છે અને તાપમાનનો પારો 45 ડિગ્રી સેલ્સિયસને વટાવી ગયો છે. આ આકરી ગરમી માત્ર અસહ્ય નથી, પરંતુ દેશ માટે ખૂબ જ ગંભીર ચિંતાનો વિષય બની ગઈ છે. યુસી બર્કલેના સંશોધકો પીયૂષ નારંગ અને અશોક ગાડગિલ દ્વારા કરવામાં આવેલા એક તાજેતરના સંશોધનમાં આ અંગે ચોંકાવનારો ખુલાસો થયો છે. આ સ્ટડી અનુસાર, ભારતમાં માત્ર એક જ દિવસની ભીષણ ગરમીના કારણે દેશભરમાં અંદાજે 3400 લોકોના મોત થઈ શકે છે, જ્યારે સતત 5 દિવસ સુધી લૂનું મોજું ચાલુ રહે તો દેશમાં આશરે 30 હજાર લોકો પોતાના જીવ ગુમાવી શકે છે તેવી ભયજનક આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

સંશોધકોની ટીમે દેશના 10 મુખ્ય શહેરોના અગાઉના ડેટાના આધારે દેશવ્યાપી સ્તરે તમામ જિલ્લાઓનો ઊંડો અભ્યાસ કરીને આ અહેવાલ તૈયાર કર્યો છે. જો કે ભારતમાં ઉનાળામાં આકરી ગરમી પડવી કોઈ નવી વાત નથી, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી લૂનો સમયગાળો અને તેની તીવ્રતા સતત વધી રહી છે. વર્ષ 2024માં રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં તાપમાન 50.5 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું, જ્યારે દિલ્હી જેવા મેટ્રો શહેરોમાં છેલ્લા ઘણા વર્ષોની સૌથી ગરમ રાતો નોંધાઈ હતી.

ચાલુ વર્ષે 2026માં પણ ઉત્તર, મધ્ય અને પશ્ચિમ ભારતના રાજ્યોમાં આવી જ ચરમસીમાની સ્થિતિ જોવા મળી રહી છે. દિલ્હી-એનસીઆર, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના અનેક વિસ્તારોમાં ભારે લૂની કડક ચેતવણી જારી કરાઈ છે. આ વર્ષે દિવસની ગરમી ઉપરાંત સૌથી મોટી સમસ્યા ‘ગરમ રાતો’ની છે, જેના કારણે રાત્રે મળતી થોડી ઘણી રાહત પણ છીનવાઈ ગઈ છે. શહેરી વિસ્તારોમાં કોંક્રિટના બનેલા મકાનો સૂર્યાસ્ત પછી પણ ગરમ રહે છે અને વધુ તપે છે. આ સ્થિતિને લીધે રોજગાર માટે મોટા શહેરોમાં આવીને વસેલા શ્રમિકો અને વડીલો સૌથી વધુ પ્રભાવિત થાય છે, કારણ કે તેઓ વધતા તાપમાન સામે સૌથી વધુ સંવેદનશીલ અને અસુરક્ષિત હોય છે.

આ રિપોર્ટમાં એક મોટો અને આંચકાજનક મુદ્દો એ પણ સામે આવ્યો છે કે ગરમીના કારણે થતા મોતના સત્તાવાર આંકડા વાસ્તવિકતા કરતાં ખૂબ ઓછા દર્શાવવામાં આવે છે. હીટસ્ટ્રોક (લૂ લાગવા) ના કારણે થતા મોતો ઘણીવાર સત્તાવાર ચોપડે નોંધાતા જ નથી. અસહ્ય હવામાનના કારણે થતા મૃત્યુને ઘણીવાર હાર્ટ એટેક, શ્વાસ લેવામાં તકલીફ અથવા અન્ય શારીરિક રોગો ગણીને સામાન્ય મોતમાં ખપાવી દેવામાં આવે છે. સચોટ આંકડાના અભાવે વહીવટીતંત્ર અને સામાન્ય જનતા આ સમસ્યાની ગંભીરતાને પૂરી રીતે સમજી શકતા નથી.

સંશોધન મુજબ મોતોનો અસલી આંકડો અંદાજ કરતાં પણ વધુ હોઈ શકે છે. માત્ર ઉત્તર પ્રદેશમાં જ 5 દિવસની લૂ દરમિયાન 8 હજાર થી વધુ વધારાના મોત થઈ શકે છે. જ્યારે ગુજરાતના અમદાવાદ અને સુરત તેમજ રાજસ્થાનના જયપુર જેવા મોટા શહેરોના જિલ્લાઓમાં માત્ર એક જ દિવસની અતિશય ગરમીમાં 250 થી વધુ લોકો ગરમીના કારણે જીવ ગુમાવી શકે છે તેવો દાવો આ સ્ટડીમાં કરાયો છે.

Exit mobile version