Site icon Revoi.in

અમદાવાદમાં જાહેર રસ્તાઓ પર પાન-મસાલાની પિચકારી મારનારા પાસેથી આકરો દંડ વસુલાશે

Social Share

અમદાવાદઃ શહેરના મ્યુનિ. કમિશનર સ્વચ્છતાના આગ્રહી છે. મ્યુનિ. કમિશનર અવાર-નવાર શહેરના રોડ-રસ્તાઓ પર રાઉન્ડમાં નિકળીને અધિકારીઓને જરૂરી સુચના આપતા હોય છે. શહેરમાં પાન મસાલાના શોખીનો  દરેક સોસાયટીઓ અને ગલીએ ગલીએ છે. પાન મસાલા  ખાઈને જાહેરમાં પીચકારી મારતા હોય છે. જેથી રોડ પર ગંદકી થતી હોય છે. આથી મ્યુનિ.કમિશનરની સુચનાથી મ્યુનિ.કોર્પોરેશને પાન-મસાલાના વ્યસનીઓ પર લાલ આંખ કરી છે.  જાહેરમાં પાન મસાલાની પીચકારી મારીને ગંદકી પાસેથી દંડ વસૂલવામાં આવશે. મ્યુનિ.ના અધિકારીઓએ આવા લોકો પાસેથી દંડ વસૂલવાનું શરૂ કર્યું છે. ગંદકી કરતા વ્યસનીઓને ઈ-મેમો  પણ ફટકારવામાં આવશે.

અમદાવાદ શહેરના રોડ-રસ્તાઓને સ્વચ્છ રાખવા માટે મ્યુનિ.કમિશનરના આદેશ બાદ હવે સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. AMCના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પરથી જાહેરમાં થૂંકનારાઓ પર નજર રાખવામાં આવશે. જેના દ્વારા જાહેરમાં થૂંકનારાઓની માહિતી પોલીસને મોકલવામા આવશે. પોલીસ દ્વારા આવા લોકોને દંડ ફટકારવામા આવશે. જાહેરમાં પીચકારી મારતા પકડાયા તો સીધો મેમો ઘરે જ આવશે. હવે મ્યુનિના અધિકારીઓ પણ પોલીસની જેમ સીસીટીવી પર નજર રાખી રહ્યા છે. બાઈક, સ્કુટર કે કારમાં બેસીને પાન-મસાલાની પિચકારી મારનારાને નોટિસ મોકલીને દંડ ફટકારવામાં આવશે. જો કે આ ઝૂંબેશમાં મ્યુનિ.ને કેટલી સફળતા મળે છે. તે એક મોટો પ્રશ્ન છે. કારણ કે અમદાવાદીઓ ટ્રાફિક ભંગના ગુનાઓમાં મેમો મળ્યો હોવા છતાંયે દંડ ભરતા નથી તો મ્યુનિ.નો દંડ ક્યાથી ભરશે. જો કે શહેરમાં પાન-મસાલાની પિચકારી મારનારાઓથી ગંદકી ફેલાઈ રહી છે. માત્ર અમદાવાદ જ નહિ, સુરતમાં પણ આ પ્રકારનો પ્રોજેક્ટ અમલમાં મૂકાયો છે. એક રિપોર્ટ મુજબ, સુરતમાં જાહેર રસ્તા પર થૂંકનારા 18,000 લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.  સ્વચ્છતા જાળવવા માટે ગુજરાતના શહેરોએ કમર કસી છે. આવામાં પાન-મસાલાનું દૂષણ મોટું વ્યસન બનીને ઉભરી રહ્યું છે. તેના પર લગામ લાવવા માટે આ પ્રકારની દંડાત્મક કાર્યવાહી કરાશે.