Site icon Revoi.in

માઉન્ટ આબુમાં પવન સાથે ભારે વરસાદ, અનેક વૃક્ષો ધરાશાયીઃ પ્રવાસીઓને તંત્રએ આપી સુચના

Social Share

પાલનપુરઃ રાજસ્થાનના માઉન્ટ આબુમાં પ્રવાસીઓનો ઘણા સમયથી ધસારો જોવા મળી રહ્યો છે. ઉપરથી છેલ્લા એક અઠવાડિયાથી વરસી રહેલા વરસાદ અને પવનના કારણે ત્યાંનું વાતાવરણ એકદમ આહલાદક બન્યું છે. માઉન્ટ આબુમાં કુદરતે જાણે લીલી ચાદર ઓઢી લીધી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. જો કે, વરસાદ અને પવને કેટલીક જગ્યાએ તારાજી પણ સર્જી છે. ભારે વરસાદના કારણે હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ઘણા વૃક્ષો ધરાશાયી થયા છે. વરસાદ અને પવનના કારણે વૃક્ષ નીચે ઉભી રાખેલી ગુજરાતીઓની પાંચ જેટલી ગાડીઓને પણ નુકસાન પહોંચ્યું હતું. આ વાતની જાણ થતાં જ વહીવટી તંત્રના અધિકારીઓ તરત જ ત્યાં આવી પહોંચ્યા હતા અને વૃક્ષ હટાવવાની કામગીરી શરુ કરવામાં આવી હતી. વૃક્ષ નીચે પાર્ક કરેલી પાંચમાંથી બે કારમાં તો ડ્રાઈવર પર બેઠા હતા. જો કે, નસીબજોગે કોઈ જાનહાનિ થઈ નહોતી.

અવિરત વરસાદ અને પવનના કારણે વહીવટી તંત્રએ ફરવા ગયેલા પ્રવાસીઓને જર્જરિત મકાનો તેમજ વૃક્ષોથી દૂર રહેવાની સલાહ પણ આપી હતી. ઉલ્લેખનીય છે કે, માત્ર માઉન્ટ આબુ જ નહીં પરંતુ ગુજરાતભરમાં પણ છેલ્લા કેટલાક દિવસથી ધીમે-ધીમે વરસાદ પડી રહ્યો છે. અમદાવાદમાં પણ વરસાદી ઝાપટા પડી રહ્યા છે અને આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહે છે. જેના કારણે ઠંડક પણ પ્રસરી ગઈ છે. અમદાવાદમાં આજે (31 જુલાઈ) વહેલી સવારથી ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે. આગામી બે દિવસ પણ અમદાવાદ સહિત ગુજરાતભરમાં ધીમા વરસાદની હવામાન વિભાગની આગાહી છે. 2 અને 3 ઓગસ્ટે ભારતીય હવામાન વિભાગે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને મહેસાણા જેવી જગ્યાએ ધોધમાર વરસાદની આગાહી કરી છે.