Site icon Revoi.in

દક્ષિણ ભારતમાં ધોધમાર વરસાદઃ તિરુપતિમાં અનેક ગુજરાતી શ્રદ્ધાળુઓ ફસાયાં

Social Share

અમદાવાદઃ દક્ષિણ ભારતના તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં ભારે વરસાદને પગલે જનજીવન ખોરવાયું છે. ચિત્તુર જિલ્લાના તિરૂપતિમાં ભારે વરસાદના કારણે રેલ વ્યવહાર બંધ કરવામાં આવતા અનેક શ્રદ્ધાળુઓ ફસાયાં છે. ગુજરાતના પ્રવાસીઓ પણ તિરૂપતિમાં ફસાયાં હોવાનું જાણવા મળે છે. સૌરાષ્ટ્રના 50 લોકો ફસાયાં હોવાનું જાણવા મળે છે. હાલ પ્રવાસીઓ રસ્તા ઉપર રહેવા મજબુર મન્યાં છે. હવે ટ્રેન એક સપ્તાહ બાદ મળે તેવી શક્યતા છે. તેથી આ પ્રવાસીઓ ગુજરાત આવવા માટે વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરી છે.

બંગાળની ખાડીમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે વાતાવરણમાં પલડો આવ્યો છે અને તમિલનાડુ અને આંધ્રપ્રદેશના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના પગલે તિરૂપતિ મંદિરના રસ્તાઓ પર પાણી ભરાયા છે. તેમજ ભગવાન વેંકટેશ્વરના નિવાસ સ્થાન તીરુંમાલામાં પણ પૂરની સ્થિતિ સર્જાઇ છે. તિરૂપતિ મંદિરના રસ્તા પર પાણી ભરાવાના પગલે યાત્રિકો રોડ પર ફસાયેલા જોવા મળ્યા હતા. તીરુમાલા તિરૂપતિ દેવસ્થાનમ સત્તાવાળાઓએ આ ટેકરી પર ફસાયેલા લોકોના ભોજનની અને રહેવાની વ્યવસ્થા કરી છે. જયારે ભારે વરસાદથી તીરૂમાલા પહાડી પર ભૂસ્ખલન પણ થયું છે તેથી ઘાટી તરફ જતાં બે માર્ગ બંધ કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત રેનીગુટામાં એરપોર્ટ પણ વરસાદી પાણીમાં ડૂબી ગયું છે. જેના લીધે વિમાનનું લેન્ડિંગ અટકાવવાની ફરજ પડી છે. ગુજરાતમાંથી તિરુપતિ દર્શન કરવા ગયેલા અનેક શ્રદ્ધાળુઓ ફસાયાં હોવાનું જાણવા મળે છે. હાલ ગુજરાતી પ્રવાસીઓ રસ્તા ઉપર રહેવા માટે મજબુર બન્યાં હોવાનું જાણવા મળે છે.