Site icon Revoi.in

ગુજરાતમાં વાવાઝોડાને પગલે અષાઢી માહોલઃ 188 તાલુકામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ

Social Share

અમદાવાદઃ અરબી સમુદ્રમાં સર્જાયેલુ વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠે ટકરાયું હતું. વાવાઝોડાને પગલે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો હતો. તેમજ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. રાજ્યના અનેક શહેરોમાં રાખી રાત ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. તેમજ રાજકોટ સહિત અનેક નગરોમાં વીજપુરવઠો ખોરવાયો હતો. દરમિયાન આજે સવારથી જ અમદાવાદમાં આકાશ વાદળછાયુ રહ્યું હતું. વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. રાજ્યમાં ભારે પવન ફુંકાતા અનેક સ્થળો ઉપર વૃક્ષો તુટી પડ્યાં હતા. તેમજ ગ્રામીણ વિસ્તારમાં છાપરાના પતરા પણ ઉડી ગયા હતા.

રાજ્યમાં વાવાઝોડાને પગલે 188 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધારે અમરેલી અને ગીર સોમનાથમાં વરસાદ ખાબક્યો હતો. અમરેલીના બગસરામાં 8 ઈંચ, ગીર ગઢડામાં 7.5 ઈંચ, ઉમરગામમાં 7.5 ઈંચ, ઉનામાં 7 ઈંચ સાવરકુંડલામાં 6.5 ઈંચ, પાતીલાણામાં 6 ઈંચ, અમરેલીમાં 5, મહુવા, રાજુલા, ખાંભા અને બાબરામાં 5-5 ઈંચ પાણી પડ્યું હતું. મહુવામાં 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો હતો.

વાવાઝોડાને પગલે દરિયો તોફાની બન્યો હતો અને વેરાવળ બંદર પર લાંગરેલી બોટો રાતે ફંગોળાઈ હતી. જ્યારે અનેક બોટો બંદરમાંથી ફરી દરિયામાં પહોંચી ગઈ હતી. રાજુલામાં 175 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. ઉના અને ગીરમાં અનેક ગામો સંપરવિહોણા બન્યા છે. સોમનાથ, વેરાવળ, ઉનામાં 130 કિલોમીટર સુધીની પવનની ઝડપ જોવા મળી હતી. અમદાવાદમાં ભારે વરસાદના કારણે અનેક નિચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. રાજ્યમાં ભારે વરસાદને કારણે અને વૃક્ષો ધરાશાયી થવાને કારણે વાહન-વ્યવહારને પણ અસર થઈ હતી.