Site icon Revoi.in

કાશ્મીરમાં ભારે હિમવર્ષા: ફ્લાઈટ્સ રદ અને હાઈવે બંધ થતા મુસાફરો અટવાયા

Social Share

શ્રીનગર, 23 જાન્યુઆરી 2026: કાશ્મીર ઘાટીમાં થયેલી બરફવર્ષાને કારણે સમગ્ર વિસ્તાર સફેદ ચાદરમાં ઢંકાઈ ગયો છે. સતત થઈ રહેલા હિમપાત અને ખરાબ હવામાનની સૌથી વધુ અસર હવાઈ અને માર્ગ વ્યવહાર પર પડી છે. હિમ વર્ષાને કારણે જનજીવનને પણ વ્યાપક અસર પડી છે. હવાઈસેવા અને વાહન વ્યવહાર ખોરવાતા અનેક મુસાફરો અટવાયા છે.

સુત્રોના જણાવ્યા અનુસાર સતત હિમવર્ષા, ખરાબ વિઝિબિલિટી અને રનવે પર બરફ જામી જવાને કારણે શ્રીનગર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ફ્લાઈટ ઓપરેશન્સ ખરાબ રીતે પ્રભાવિત થયા છે. અનેક વિમાનોનું લેન્ડિંગ અને ટેકઓફ અટકાવાયું છે. જોકે, લેટેસ્ટ રિપોર્ટ મુજબ સીમા સડક સંગઠન દ્વારા રનવે પરથી બરફ હટાવવાની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે અને ઓપરેશન્સ માટે લીલી ઝંડી આપી દેવામાં આવી છે, જેથી આગામી સમયમાં ફ્લાઈટ્સ ધીમે ધીમે પુનઃસ્થાપિત થવાની આશા છે.

બીજી તરફ જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગને નવયુગ ટનલ પાસે સાવચેતીના ભાગરૂપે બંધ કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત મુગલ રોડ અને સિંથન રોડ પર પણ ભારે બરફ જામી જતાં વાહનોની અવરજવર અશક્ય બની છે. ટ્રાફિક પોલીસે લપસણા રોડને કારણે મુસાફરોની સુરક્ષા માટે વાહનોને સુરક્ષિત સ્થળોએ રોકી દીધા છે.

મુસાફરોએ આક્ષેપ કર્યો છે કે ફ્લાઈટ્સ રદ થવાનો ફાયદો ઉઠાવી એરલાઈન્સ કંપનીઓએ ટિકિટના ભાવમાં તોતિંગ વધારો કરી દીધો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હજુ પણ શ્રીનગર અને આસપાસના વિસ્તારોમાં હિમવર્ષા ચાલુ રહી શકે છે, જેના કારણે સ્થિતિ સામાન્ય થવામાં સમય લાગી શકે છે. તંત્ર દ્વારા લોકોને બિનજરૂરી પ્રવાસ ટાળવા અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતી: PM મોદીએ આપી શ્રદ્ધાંજલિ

Exit mobile version