Site icon Revoi.in

સુપ્રીમ કોર્ટમાંથી હેમંત સોરેનને ના મળી રાહત, હાઈકોર્ટમાં અરજી કરવા નિર્દેશ કર્યો

Social Share

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનની અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો હતો. સુપ્રીમ કોર્ટે સોરેનને પૂછ્યું કે તમે હાઈકોર્ટમાં કેમ નથી જતા? સોરેન તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે, આ મામલો એવા મુખ્યમંત્રીનો છે જેની ધરપકડ કરવામાં આવી છે. તેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે, કોર્ટ બધા માટે ખુલ્લી છે અને હાઈકોર્ટ બંધારણીય કોર્ટ છે. તમારે હાઈકોર્ટમાં જવું જોઈએ.

હેમંત સોરેને પોતાની અરજીમાં ED પર આરોપ લગાવ્યો છે કે, લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકાર દ્વારા સુનિયોજિત કાવતરાના ભાગરૂપે તેમની ધરપકડ કરવામાં આવી હતી. અરજીમાં સોરેને સુપ્રીમ કોર્ટને વિનંતી કરી છે કે ED દ્વારા તેમની ધરપકડને અન્યાયી, મનસ્વી અને તેમના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન ગણાવવામાં આવે.

અરજીમાં જણાવાયું હતું કે, ED અધિકારીઓએ કેન્દ્ર સરકારની સૂચનાઓ પર તેમની સત્તાનો દુરુપયોગ કર્યો છે, કારણ કે અરજદાર હેમંત સોરેનની પાર્ટી જેએમએમ વિપક્ષી એલાયન્સનો સક્રિય ઘટક છે. સોરેનની ધરપકડ એક સુયોજિત કાવતરાનો ભાગ છે, આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી કરવામાં આવી છે.

48 વર્ષીય સોરેને કહ્યું હતું કે, તેણે 31 જાન્યુઆરીના રોજ ED દ્વારા તેમની ધરપકડના ડરથી સર્વોચ્ચ અદાલત સમક્ષ અરજી કરી હતી. EDને સુપ્રીમ કોર્ટના નિર્ણય સુધી રાહ જોવાની વિનંતી કરવામાં આવી હતી. આમ છતાં EDએ તેને ગેરકાયદેસર રીતે અટકાયતમાં લીધો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે, કેન્દ્ર સરકારના ઈશારે EDની કાર્યવાહીનો હેતુ તેમની પાસે પૂરતી સત્તા હોવા છતાં તેમની ચૂંટાયેલી સરકારને તોડી પાડવાનો હતો.