નવી દિલ્હી, 22 મે 2026: High BP in pregnancy ગર્ભાવસ્થા એ દરેક સ્ત્રીના જીવનનો સૌથી સુંદર અને યાદગાર ગાળો હોય છે, પરંતુ આ સમયગાળા દરમિયાન કેટલીક તબીબી જટિલતાઓ માતા અને બાળક બંનેના સ્વાસ્થ્ય સામે મોટો પડકાર ઊભો કરી શકે છે. આવી જ એક ગંભીર અને ચિંતાજનક સ્થિતિ છે ‘પ્રી-એક્લેમ્પસિયા’ (Preeclampsia). સમગ્ર વિશ્વમાં દર વર્ષે ૨૨ મેના દિવસને ‘વિશ્વ પ્રી-એક્લેમ્પસિયા જાગૃતિ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે, જેથી સગર્ભા સ્ત્રીઓમાં આ ‘સાયલન્ટ કિલર’ બીમારી પ્રત્યે જાગૃતિ કેળવી શકાય.
શું છે પ્રી-એક્લેમ્પસિયા? (What is Preeclampsia)
તબીબી વિજ્ઞાન અનુસાર, પ્રી-એક્લેમ્પસિયા એ સગર્ભાવસ્થા દરમિયાન ઉદ્ભવતી બ્લડ પ્રેશરની એક જટિલ સમસ્યા છે. સામાન્ય રીતે ગર્ભાવસ્થાના ૨૦ અઠવાડિયા પછી સગર્ભા સ્ત્રીના બ્લડ પ્રેશરમાં અચાનક ભારે વધારો જોવા મળે છે. જ્યારે સ્ત્રીના શરીરમાં રહેલી રક્તવાહિનીઓ અને હૃદય, ગર્ભમાં વિકાસશીલ બાળકની વધતી જતી લોહી અને ઓક્સિજનની માંગને પહોંચી વળવામાં અસમર્થ રહે છે, ત્યારે આ ગંભીર સ્થિતિ સર્જાય છે.
પ્લેસેન્ટા (મેલી)ની ખામી અને માતાના અંગો પર થતી જીવલેણ અસરો
ગર્ભાશયમાં બાળકને પોષણ અને ઓક્સિજન પૂરું પાડવાનું મુખ્ય કામ ‘મેલી’ એટલે કે પ્લેસેન્ટા કરે છે. પ્રી-એક્લેમ્પસિયાની સ્થિતિમાં આ પ્લેસેન્ટાનો વિકાસ યોગ્ય રીતે થતો નથી, જેના કારણે માતાના લોહીમાં કેટલાક હાનિકારક રસાયણો (Toxic Chemicals) મુક્ત થાય છે જે નીચે મુજબના અંગોને નુકસાન પહોંચાડે છે:
લીવર અને કિડની: આ ઝેરી રસાયણોના લીધે માતાનું લીવર અને કિડની ફેલ થવાનું જોખમ અનેકગણું વધી જાય છે.
મગજ અને આંખો: મગજ પર સોજો આવવો, દ્રષ્ટિ ધૂંધળી થવી કે અચાનક ‘ખેંચ’ કે વાઈ (Aclampsia) આવવાની સંભાવના રહે છે.
રક્ત પરિભ્રમણ: લોહી ગંઠાઈ જવાની કુદરતી પદ્ધતિ ખોરવાઈ જાય છે, જેનાથી શરીરની અંદર જ આંતરિક રક્તસ્ત્રાવ (Bleeding) જેવી જીવલેણ સ્થિતિ ઊભી થઈ શકે છે.
નવજાત શિશુ પર થતી અસરો
પ્લેસેન્ટાના ખામીયુક્ત વિકાસના કારણે ગર્ભમાં રહેલા બાળકને પૂરતું પોષણ મળતું નથી, જેના લીધે બાળકના શારીરિક વિકાસમાં ઘટાડો (IUGR) થાય છે. પ્રી-એક્લેમ્પસિયાના ગંભીર લક્ષણોનો એકમાત્ર કાયમી ઈલાજ ‘સમયસર પ્રસુતિ’ (Delivery) છે. જો સ્થિતિ વધુ બગડે તો અધૂરા મહિને (Pre-mature) ડિલિવરી કરાવવી પડે છે. આવા પ્રીમેચ્યોર બાળકો ભવિષ્યમાં સ્વાસ્થ્યની અનેક જટિલતાઓનો સામનો કરે છે અને કેટલીકવાર આ સ્થિતિ શિશુના મૃત્યુનું કારણ પણ બની શકે છે.
ચોંકાવનારા આંકડા
તબીબી અભ્યાસો અનુસાર, ભારત સહિત દક્ષિણ એશિયાની મહિલાઓમાં દર ૧૦૦ માંથી ૮ થી ૧૦ ગર્ભાવસ્થામાં આ સમસ્યા જોવા મળે છે. એટલું જ નહીં, આ સ્થિતિમાંથી પસાર થયેલી માતાઓ અને બાળકોને ભવિષ્યમાં હૃદય રોગ, બ્રેઈન સ્ટ્રોક, ડાયાબિટીસ અને કિડની ફેલ્યોર થવાનું જોખમ સામાન્ય લોકો કરતા ઘણું વધારે રહે છે.
બચાવ અને સાવધાની: 11થી 14 અઠવાડિયાનું સ્ક્રીનીંગ છે રામબાણ ઈલાજ, જો વહેલી ખબર પડે તો ૮૦% સુધી બચાવ શક્ય છે. પ્રી-એક્લેમ્પસિયાથી બચવાનો સૌથી શ્રેષ્ઠ ઉપાય તેનું વહેલું નિદાન છે. ગર્ભાવસ્થાના ૧૧ થી ૧૪ અઠવાડિયા દરમિયાન (પ્રથમ ત્રિમાસિક ગાળામાં) નીચે મુજબના ટેસ્ટ અચૂક કરાવવા જોઈએ:
NTNB અલ્ટ્રાસાઉન્ડ તપાસ: જે સામાન્ય રીતે પ્રથમ ત્રિમાસિકમાં થાય છે.
કલર ડોપ્લર (યુટ્રાઇન આર્ટરી) ટેસ્ટ: આ ટેસ્ટ કરાવવો અત્યંત આવશ્યક છે. આ ટેસ્ટથી ભવિષ્યમાં પ્રી-એક્લેમ્પસિયા થવાની સંભાવના છે કે નહીં તેની અગાઉથી ખબર પડી જાય છે અને આ માટે કોઈ વધારાનો મોટો ખર્ચ પણ થતો નથી.
રિપોર્ટ પોઝિટિવ આવે તો શું કરવું?
જો સ્ક્રીનીંગ રિપોર્ટ પોઝિટિવ આવે, તો ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર દ્વારા શરૂઆતથી જ ચોક્કસ દવાઓ (જેમ કે લો-ડોઝ એસ્પિરિન) શરૂ કરવામાં આવે છે, જે આ બીમારીને રોકવામાં ૭૦ થી ૧૦૦ માંથી ૮૦ ટકા સુધી અસરકારક સાબિત થઈ છે. ગર્ભાવસ્થા દરમિયાન નિયમિત બ્લડ પ્રેશર ચેક કરાવવું અને ડોક્ટરની સલાહ મુજબ સ્ક્રીનીંગ કરાવવું એ જ સુરક્ષિત માતૃત્વની સાચી ચાવી છે.

