Site icon Revoi.in

હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિએ ગેટ નં.5 પર સરપ્રાઈઝ ચેકિંગ, સુરક્ષા કર્મચારીઓ સાથે ચર્ચા કરી

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. જેથી અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારમાં મનપા દ્વારા કોરોના ટેસ્ટીંગ શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન હાઈકોર્ટના ચીફજસ્ટિસ અરવિંદ કુમારે હાઈકોર્ટના ગેટ નં. પાંચ પર અચાનક જ સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરેલું. આ સમયે, હાજર સિક્યુરિટી સ્ટાફ સાથે તેમણે ચર્ચા કરેલી અને હાઈકોર્ટમાં આવતા લોકોની કંઈ રીતે તપાસ કરાય છે, તેની માહિતી મેળવી હતી.

કોરોનાના કેસો વધતાની સાથે ઘીકાંટા મેટ્રોપોલીટન કોર્ટોમાં ચીફ મેટેપોલીટન મેજિસ્ટ્રેટે કેન્ટિન સહિત કોર્ટ કપાઉન્ડમાં ફરીને સોશિયલ ડીસ્ટન્સીંગનું અને એસઓપીનું પાલન થાય છે કે કેમ તેની ચકાસણી કરી હતી. અમદાવાદ ક્રિમિનલ કોર્ટ બાર એસો.ના હોદ્દેદારો પણ કોરોના કેસો વધતા સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પણે પાલન કરવા માટે વકીલોને તાકીદ કરી છે. જયારે અમદાવાદની સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ દ્વારા વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લેતાં તકેદારી રાખવા માટે કેટલાંક મહત્વપૂર્ણ સૂચનો કરવામાં આવ્યાં છે. દરમિયાન કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટમાં ફિઝીકલ હિયરિંગ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. સોમવારથી હાઈકોર્ટમાં વર્ચ્યુલ સુનાવણી હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત હાઈકોર્ટ સંકુલને સેનેટાઈઝ કરવામાં આવશે. એટલું જ નહીં હાઈકોર્ટ દ્વારા નવી એસઓપી પણ જાહેર કરવામાં આવશે.