અમદાવાદ, 26 ડિસેમ્બર 2025 : ઉત્તરાયણ પર્વ નજીક આવતા જ જીવલેણ ચાઈનીઝ દોરી અને પ્રતિબંધિત તુક્કલના વેચાણ પર અંકુશ મેળવવા ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને અત્યંત કડક નિર્દેશો આપ્યા છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, નિર્દોષ નાગરિકો અને પક્ષીઓના જીવ જોખમમાં મૂકનારી આ વસ્તુઓનું વેચાણ, સંગ્રહ કે વપરાશ કરનારા તત્વો સામે કોઈપણ જાતની રહેમ રાખ્યા વગર કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે.
- ડે-ટુ-ડે રિપોર્ટ રજૂ કરવા આદેશ
હાઈકોર્ટે આ મામલે તમામ જિલ્લા પોલીસ વડાઓને આદેશ આપ્યો છે કે તેઓએ પોતાના વિસ્તારમાં પ્રતિબંધિત વસ્તુઓના વેચાણ અંગે કરવામાં આવેલી કાર્યવાહીનો ‘રોજિંદો રિપોર્ટ’ રજૂ કરવો પડશે. માત્ર દરોડા જ નહીં, પરંતુ મોટા પાયે સંગ્રહ કરનારાઓ સામે પણ ‘સર્જિકલ સ્ટ્રાઈક’ જેવી કામગીરી કરવા કોર્ટે ભારપૂર્વક જણાવ્યું છે.
રાજ્ય સરકાર દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવેલા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, રાજ્યભરમાં અત્યાર સુધી ચાઈનીઝ દોરીના મામલે 59 ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસ દ્વારા કુલ રૂ. 36.80 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ઓનલાઈન વેચાણ અને છૂપી રીતે વેચાતા સ્ટોક પર બાજ નજર રાખવામાં આવી રહી છે.
હાઈકોર્ટે પોલીસ તંત્રને સૂચના આપી છે કે ઉત્તરાયણ સંબંધિત વસ્તુઓના વેચાણ માટે વિશેષ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવે અને તેનું ચુસ્તપણે પાલન થાય. જો કોઈ વિસ્તારમાં જીવલેણ દોરીથી અકસ્માત સર્જાશે તો સ્થાનિક પોલીસની જવાબદારી પણ નક્કી થઈ શકે છે. કોર્ટની આ કડકાઈને પગલે હવે ઉત્તરાયણ પહેલા રાજ્યનું પોલીસ તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે.

