Site icon Revoi.in

હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટ : ગુજરાતમાં 98 ટકા જમીન સંપાદન કાર્ય પૂર્ણ

Social Share

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોડીના ડ્રીમ પ્રોજેક્ટ મનાતા અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનની તડામાત તૈયારી શરૂ કરવામાં આવી છે. દરમિયાન ગુજરાતમાં આ પ્રોજેક્ટ અન્વયે કુલ 352 કિલોમીટર એટલે કે 98 ટકા જમીન સંપાદન કાર્ય પૂરું થયું છે. આવી સંપાદિત જમીન પર 343 કિલોમીટરમાં સિવિલ વર્ક શરૂ કરી દેવામાં આવ્યું છે. અમદાવાદમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલએ નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશનના મેનેજીંગ ડિરેક્ટર અગ્નિહોત્રી અને વરિષ્ઠ અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી.

મુખ્યમંત્રી સમક્ષ આ પ્રોજેક્ટની વિવિધ પ્રગતિ હેઠળની કામગીરીનું વિસ્તૃત પ્રેઝન્ટેશન પણ કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં આ પ્રોજેક્ટ અન્વયે કુલ 352 કિલોમીટર એટલે કે 98 % જમીન સંપાદન કાર્ય પૂરું થયું છે. આવી સંપાદિત જમીન પર 343 કિલોમીટરમાં સિવિલ વર્ક શરૂ કરી દેવામાં આવ્યું છે.

નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશનના મેનેજીંગ ડિરેક્ટર અગ્નિહોત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતના અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ એમ 8 જિલ્લાઓમાં સબ-સ્ટ્રક્ચર અને સુપર-સ્ટ્રક્ચરના કામો પ્રગતિમાં છે. એટલું જ નહીં, નર્મદા, તાપી, મહી જેવી મહત્વની નદીઓ જે આ ટ્રેનના રૂટમાં આવે છે તેના ઉપર પણ કાર્યવાહી ચાલુ છે. આ પ્રોજેક્ટની કામગીરીમાં વધુ વેગ લાવવાના હેતુસર સ્ટ્રેડલ કેરિયર અને બ્રિજ ગેન્ટ્રી જેવી ભારી સાધન-સામગ્રીના ઉપયોગથી ફુલ સ્પાન બોક્સ ગ્રાઈડર ઉભા કરવામાં આવે છે.

પ્રથમ ગ્રાઈડર નવસારીમાં નવેમ્બર 2021માં સફળતાપૂર્વક ઊભું થઈ ગયું છે. જિયોટેકનિકલ ઇન્વેસ્ટિગેશન માટે સુરતમાં એશિયાની સૌથી મોટી જિયોટેકનિકલ લેબ પણ શરૂ કરવામાં આવી છે. ગુજરાતમાં આ પ્રોજેક્ટના પરિણામે પ્રત્યક્ષ-પરોક્ષ એટલે કે ડાયરેક્ટ-ઇનડાયરેક્ટ મળી 60 હજાર જેટલા લોકોને રોજગાર અવસર મળશે. ગુજરાતમાં જમીન અને બાંધકામ બેય મળીને 72 હજાર કરોડનું રોકાણ આ પ્રોજેક્ટ માટે થવાનું છે, તે પૈકી 14,200 કરોડનો ખર્ચ વિવિધ કામો માટે અત્યાર સુધીમાં થયો છે.