Site icon Revoi.in

હિમંતા બિશ્વા સરમાનો ધડાકો: આસામમાં 40 ટકા વસ્તી બાંગ્લાદેશી મુસ્લિમોની

Social Share

ગુવાહાટી, 27 ડિસેમ્બર 2025: આસામના મુખ્યમંત્રી હિમંતા બિશ્વા સરમાએ રાજ્યની વસ્તીવિષયક સ્થિતિ અંગે એક અત્યંત ચોંકાવનારો દાવો કર્યો છે. ગુવાહાટીમાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, આસામની કુલ વસ્તીમાં હવે બાંગ્લાદેશી મૂળના મુસ્લિમોનો હિસ્સો 40 ટકા સુધી પહોંચી ગયો છે. મુખ્યમંત્રીએ ચેતવણી આપી હતી કે આ સ્થિતિ માત્ર આસામ જ નહીં પરંતુ સમગ્ર દેશની સુરક્ષા માટે ચિંતાનો વિષય છે.

સીએમ સરમાએ આંકડાકીય વિશ્લેષણ રજૂ કરતા કહ્યું કે, “2011ની વસ્તીગણતરી મુજબ રાજ્યમાં મુસ્લિમ વસ્તી 34 ટકા હતી. જો તેમાંથી 3 ટકા મૂળ આસામી મુસ્લિમોને બાદ કરીએ તો બાંગ્લાદેશી મૂળના મુસ્લિમો 31 ટકા હતા. 2021માં વસ્તીગણતરી થઈ શકી નથી, પરંતુ 2027માં જ્યારે નવી ગણતરી થશે, ત્યારે આ આંકડો વધીને 40 ટકાની આસપાસ જોવા મળશે.”

આ પણ વાંચોઃ રાજસ્થાનના ચુરુ જિલ્લામાં માર્ગ અકસ્માતમાં પાંચ લોકોના મોત

મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું કે આસામ અત્યારે એક દારૂગોળાના ઢગલા પર બેઠું છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે આ લોકોએ ભારતમાં હવે કાયદેસરતા મેળવી લીધી છે, જેના કારણે રાજ્યની મૂળ ઓળખ જોખમમાં મુકાઈ છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ગેરકાયદેસર ઘૂસણખોરો સામે તેમની સરકાર હવે કોઈ પણ જાતના કરાર વિના સીધી કાર્યવાહી કરશે.

આસામ સરકારે રાજ્યમાં ગેરકાયદેસર વસવાટ કરતા લોકો વિરુદ્ધ કડક નીતિ અપનાવી છે. બધા જ ડેપ્યુટી કમિશનરોને આદેશ અપાયા છે કે ફોરેન ટ્રિબ્યુનલ દ્વારા જેમને ‘વિદેશી’ જાહેર કરાયા છે, તેમની ઓળખ કરી તત્કાલ નિષ્કાસિત કરવામાં આવે. પોલીસ અને BSF (સીમા સુરક્ષા દળ) બાંગ્લાદેશી ઘૂસણખોરોને પરત મોકલવા માટે સંયુક્ત કાર્યવાહી કરશે.

 ‘ઈમિગ્રન્ટ્સ (આસામમાંથી હાંકી કાઢવા) અધિનિયમ, 1950’ હેઠળ રાજ્ય સરકાર પાસે એવા લોકોને બહાર કાઢવાની સત્તા છે જેમના રહેવાથી સામાન્ય જનતાના હિતોને નુકસાન થતું હોય. સીએમ સરમાના આ નિવેદનથી રાજકીય ગરમાવો વધી ગયો છે. એક તરફ સરકાર કડક કાર્યવાહીની વાત કરી રહી છે, ત્યારે બીજી તરફ વિપક્ષી દળો આ નિવેદનને રાજકીય ધ્રુવીકરણના પ્રયાસ તરીકે જોઈ રહ્યા છે.

આ પણ વાંચોઃ બિહારના છપરા શહેરમાં સઘડીના ધુમાડાને કારણે 4 લોકોના મોત

Exit mobile version