વડોદરા, 4 જુલાઈ 2026: દાહોદ જિલ્લાના લીમખેડામાંથી એક અત્યંત હૃદયદ્રાવક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે, જેમાં ત્રણ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. લીમખેડા વિસ્તારમાં આવેલી વિજય હોટેલ નજીકથી એક બાઈક પર સવાર થઈને પસાર થઈ રહેલા ત્રણ લોકોને કોઈ અજાણ્યા વાહનના ચાલકે પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે આવીને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, બાઈક સવાર ત્રણેય વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર, ગમખ્વાર અકસ્માત સર્જ્યા બાદ અજાણ્યો વાહન ચાલક માનવતા નેવે મૂકીને પોતાના વાહન સાથે ઘટનાસ્થળેથી તાકીદે ફરાર થઈ ગયો હતો. અકસ્માતને પગલે આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને આ અંગે પોલીસને જાણ કરી હતી.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ત્રણેય મૃતકોના મૃતદેહને કબજે કરી, જરૂરી પંચનામું કર્યા બાદ પોસ્ટમોર્ટમ અર્થે નજીકની સરકારી હોસ્પિટલ ખસેડ્યા છે. હાલમાં પોલીસે ફરાર થઈ ગયેલા અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી, હાઈવે પર આસપાસની હોટેલો અને દુકાનોમાં લાગેલા સીસીટીવી ફૂટેજ તેમજ ટેકનિકલ સોર્સની મદદથી આરોપીને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. એક જ અકસ્માતમાં 3 આશાસ્પદ યુવકોના મોતને પગલે પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

