Site icon Revoi.in

જહાંગીરપુરી હિંસામાં પોલીસને કડક કાર્યવાહી કરવા માટે ગૃહમંત્રી અમિત શાહે આપી સૂચના

Social Share

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં સાંપ્રદાયિક હિંસા કેસમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોલીસને કડક કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે. દિલ્હી પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ જણાવ્યું હતું કે, હિંસક અથડામણમાં સામેલ લોકોને બક્ષવામાં આવશે નહીં, ભલે તે વર્ગ, સંપ્રદાય અથવા ધર્મના હોય. પોલીસે સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. તેમજ આરોપીઓને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરાઈ છે.

હનુમાન જયંતિ પર નીકળેલી શોભાયાત્રા દરમિયાન દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં સાંપ્રદાયિક હિંસા ફાટી નીકળી હતી. હવે આ મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોલીસને કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે. પોલીસે સોનુ નામના વ્યક્તિની પણ ધરપકડ કરી હતી જેણે પોલીસ પર કથિત રીતે ગોળીબાર કર્યો હતો. હિંસાની ઘટનામાં આઠ પોલીસકર્મીઓ અને એક નાગરિક સહિત નવ લોકો ઘાયલ થયા હતા. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 25 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં બે કિશોરો પણ છે.

રાજધાની દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં થયેલી હિંસા પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોલીસ અધિકારીઓને કડક સૂચના આપી હતી અને કહ્યું હતું કે આ મામલે એવી કાર્યવાહી થવી જોઈએ, જે દરેક માટે ઉદાહરણ બની રહે. કેન્દ્રીય ગૃહમંત્રીએ દિલ્હી પોલીસ કમિશનરને કડક સૂચના આપી છે અને કહ્યું છે કે આવી ઘટના ફરીથી ન બને તે માટે જરૂરી પગલાં લેવામાં આવે. દરમિયાન પોલીસ દ્વારા જહાંગીરપુરી હિંસા કેસમાં એક રિપોર્ટ પણ કેન્દ્ર સરકારને સોંપવામાં આવ્યો છે.