સ્કિનકેયર રૂટીનમાં મધનો ઉપયોગ કરવો એ ખૂબ જ સામાન્ય બાબત છે, પરંતુ શું તમે જાણો છો કે તે તમારા વાળ માટે પણ એટલું જ ગુણકારી છે? મોટાભાગના લોકો વાળની સંભાળમાં મધના ફાયદાઓથી અજાણ હોય છે. મધ ત્વચાને હેલ્ધી અને ગ્લોઇંગ બનાવવાની સાથે-સાથે વાળના સ્વાસ્થ્યને પણ અદભુત રીતે સુધારે છે. વિજ્ઞાન પણ વાળ માટે મધના ફાયદાઓને સ્વીકારે છે. આવો જાણીએ કે મધ તમારા વાળને કેવી રીતે મજબૂત અને ચમકદાર બનાવી શકે છે.
વાળને ઊંડાણપૂર્વક પોષણ આપે છે
મધ વાળ પર એક કુદરતી પ્રોટેક્ટિવ લેયર (બેરિયર) બનાવવાનું કામ કરે છે, જે બહારની શુષ્ક હવા સામે વાળનું રક્ષણ કરે છે. જો તમારા વાળ બહુ ડ્રાય (સૂકા) થઈ ગયા હોય અથવા તમે જ્યાં રહો છો ત્યાંનું વાતાવરણ સૂકું હોય, તો મધનો ઉપયોગ વાળમાં ભેજ જાળવી રાખવા માટે ઉત્તમ ઉપાય છે.
સ્કેલ્પ માટે એન્ટી-સેપ્ટિકનું કામ કરે છે
વાળને ખરી મજબૂતી તેના મૂળમાંથી મળે છે. જો સ્કેલ્પ (માથાની ત્વચા) હેલ્ધી ન હોય, તો વાળનો ગ્રોથ અટકી જાય છે. મધમાં કુદરતી એન્ટી-સેપ્ટિક ગુણો હોય છે, જે સ્કેલ્પને કોઈપણ પ્રકારના ઇન્ફેક્શનથી બચાવે છે. આ સાથે જ તે બંધ થયેલા હેર ફોલિકલ્સ (વાળના છિદ્રો) ને ખોલવામાં પણ મદદરૂપ થાય છે.
હેર ગ્રોથ વધારે છે અને ખરતા વાળ અટકાવે છે
મધમાં ભરપૂર માત્રામાં એન્ટીઑકિસડન્ટ્સ હોય છે, જે વાળના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે. સ્કેલ્પ પર મધનો ઉપયોગ કરવાથી ડેન્ડ્રફ (ખોડો) ની સમસ્યા દૂર થાય છે, જેનાથી હેર ફોલિકલ્સ યોગ્ય રીતે શ્વાસ લઈ શકે છે. પરિણામે, વાળ ખરવાનું ઓછું થાય છે અને હેર ગ્રોથને પ્રોત્સાહન મળે છે.
વાળને આપે છે નેચરલ શાઇન (કુદરતી ચમક)
આજકાલ વાળની ચમક વધારવા માટે બજારમાં કેમિકલયુક્ત પ્રોડક્ટ્સનો મારો ચાલી રહ્યો છે, પરંતુ જો તમે કુદરતી વિકલ્પ શોધી રહ્યા હોવ તો મધ શ્રેષ્ઠ છે. મધમાં ‘ગ્લુકોઝ ઓક્સિડેઝ’ નામનું એન્ઝાઇમ હોય છે, જે વાળને કુદરતી રીતે કન્ડિશન કરીને તેમાં અદભુત ચમક લાવે છે.
બે મોંઢાવાળા વાળની સમસ્યાથી છુટકારો
મધ વાળને મૂળમાંથી મજબૂતી આપવાની સાથે-સાથે બે મોંઢાવાળા વાળની સમસ્યાને પણ રોકે છે. તે વાળને તેના કુદરતી સ્વરૂપમાં લાવવામાં મદદ કરે છે, જેથી વાળના ક્યુટિકલ્સ ડેમેજ થતા નથી અને વાળને પૂરતો ભેજ મળી રહે છે.
વાળમાં મધનો ઉપયોગ કેવી રીતે કરશો?
વાળની સંભાળ માટે તમે મધનો ઉપયોગ આ 4 સરળ રીતો દ્વારા કરી શકો છો:
મધ અને નવશેકું પાણી: મધને સહેજ નવશેકા પાણીમાં મિક્સ કરીને માથામાં હળવા હાથે માલિશ કરો.
મધ અને નાળિયેર તેલ: નાળિયેર તેલમાં મધ ભેળવીને વાળમાં લગાવવાથી વાળ સિલ્કી બને છે.
કન્ડિશનર સાથે: તમારા રેગ્યુલર હેર કન્ડિશનરમાં થોડું મધ ઉમેરીને પણ તેનો ઉપયોગ કરી શકાય છે.
દહીં અને મધનો હેર માસ્ક: વાળને એક્સ્ટ્રા પોષણ આપવા માટે દહીંમાં મધ મિક્સ કરીને બેસ્ટ હેર માસ્ક તૈયાર કરી શકો છો.
(નોંધ: આ લેખ સામાન્ય માહિતી પર આધારિત છે. કોઈપણ પ્રયોગ કરતા પહેલા પેચ ટેસ્ટ જરૂર કરવો અથવા નિષ્ણાતની સલાહ લેવી.)

