નવી દિલ્હી, 15 જાન્યુઆરી 2026: પશ્ચિમ બંગાળમાં પોલિટિકલ કન્સલ્ટન્સી ફર્મ I-PAC ના ઓફિસ અને પ્રતીક જૈનના નિવાસસ્થાને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા કરવામાં આવેલી સર્ચ બાદ શરૂ થયેલો વિવાદ હવે સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે. ગુરુવારે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ પી.કે. મિશ્રા અને જસ્ટિસ વિપુલ પંચોલીની બેન્ચે આ મામલે સુનાવણી કરતા કેન્દ્ર સરકાર અને સંબંધિત પક્ષોને નોટિસ ફટકારી છે.
સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે અત્યંત કડક વલણ અપનાવતા કહ્યું હતું કે, “આ એક ગંભીર મામલો છે અને અમે તેની વિગતવાર સુનાવણી કરીશું.” કોર્ટે વધુમાં ઉમેર્યું કે, કલકત્તા હાઈકોર્ટને આ કેસમાં સુનાવણી કરતા રોકવામાં આવી તે બાબતથી અમે ખૂબ જ વ્યથિત છીએ. ઉલ્લેખનીય છે કે, અગાઉ હાઈકોર્ટમાં ચાલી રહેલી પ્રક્રિયામાં અવરોધ ઊભો થયો હોવાના આક્ષેપો થયા હતા.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સુપ્રીમ કોર્ટમાં એક નવી અરજી દાખલ કરીને પશ્ચિમ બંગાળના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) રાજીવ કુમારને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માંગ કરી છે. EDનો આરોપ છે કે તપાસ દરમિયાન પોલીસના ઉચ્ચ અધિકારીઓએ એજન્સી સાથે ગેરવર્તણૂક કરી છે અને તપાસમાં કોઈ સહકાર આપ્યો નથી. કેન્દ્રીય એજન્સીએ ‘ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ’ (DoPT) અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયને આ અધિકારીઓ વિરુદ્ધ શિસ્તભંગના પગલાં લેવા આદેશ આપવા વિનંતી કરી છે.
ED એ માત્ર પોલીસ જ નહીં, પરંતુ રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જી, DGP રાજીવ કુમાર, કોલકાતા પોલીસ કમિશનર મનોજ કુમાર વર્મા અને દક્ષિણ કોલકાતાના ડેપ્યુટી કમિશનર પ્રિયબત્રા રોય વિરુદ્ધ CBI તપાસની માંગ કરતી અરજી પણ કરી છે. બુધવારે કલકત્તા હાઈકોર્ટે TMC ની અરજી ફગાવી દીધી હતી અને ED ની અરજી પેન્ડિંગ રાખી હતી, જેના કારણે હવે સમગ્ર દેશની નજર સુપ્રીમ કોર્ટના આગામી આદેશો પર ટકી છે.
આ સમગ્ર વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે ED એ કોલકાતામાં I-PAC ના ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતા. રાજ્ય પોલીસ અને કેન્દ્રીય એજન્સી વચ્ચેના આ ઘર્ષણે હવે રાજકીય અને કાયદાકીય જંગનું સ્વરૂપ ધારણ કરી લીધું છે. પશ્ચિમ બંગાળ સરકાર અને કેન્દ્રીય તપાસ એજન્સીઓ વચ્ચેનો આ ટકરાવ ફેડરલ સ્ટ્રક્ચર માટે નવા પડકારો ઊભા કરી રહ્યો છે.

