શું તમે ક્યારેય Swiggy અથવા Zomato પરથી બપોરે કે સાંજે જમવાનું ઓર્ડર કર્યું છે? અને શું ક્યારેય એવું બન્યું છે કે તમને દર્શાવેલા સમય કરતાં વધુ મોડું ફૂડ મળ્યું હોય? આવી પરિસ્થિતિ આપણા જીવનમાં ક્યારેક તો બની જ હોય છે. જ્યારે ઓર્ડર મોડો થાય છે, ત્યારે આપણે તરત જ ડિલિવરી પાર્ટનરને સંપર્ક કરીને પૂછીએ છીએ કે “હજુ કેટલો સમય લાગશે?” સામેથી જવાબ મળે કે “સર/મેડમ, રસ્તામાં ભારે ટ્રાફિક છે, થોડી વધુ વાર લાગશે.” આ સાંભળતાં જ આપણામાં અકળામણ, બેચેની અને ચીડિયાપણાની લાગણી ઊભી થવા લાગે છે. મનમાં સતત એક જ વિચાર ચાલતો રહે છે કે “ક્યારે ફૂડ આવશે અને ક્યારે આ ભૂખ શાંત થશે?”
આ ઉદાહરણ માત્ર ફૂડ ડિલિવરી સુધી મર્યાદિત નથી. જીવનમાં પણ ઘણી એવી પરિસ્થિતિઓ આવે છે જ્યાં આપણે કોઈ પરિણામની આતુરતાથી રાહ જોતા હોઈએ છીએ. પરંતુ દરેક પરિણામ તરત જ મળી જાય એવું જરૂરી નથી. ઘણી વખત પરિસ્થિતિઓ આપણા નિયંત્રણની બહાર હોય છે અને ઈચ્છિત પરિણામ મેળવવામાં સમય લાગતો હોય છે.
ટેકનોલોજી આધારિત યુગ
આજથી લગભગ ૮૦ વર્ષ પહેલાંના સમયને યાદ કરીએ તો, વ્યક્તિ પોતાની સામાજિક અને વ્યવસાયિક જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે લાંબા અંતર સુધી ચાલતો હતો અથવા તો કોઈ વ્યક્તિ જરૂરી વસ્તુ સાવચેતીથી પહોંચાડે તેની માટે મહિનાઓ સુધી ધીરજપૂર્વક રાહ જોતો હતો. તે સમયમાં જીવનની ગતિ ધીમી હતી, પરંતુ લોકોમાં રાહ જોવાની ક્ષમતા અને પરિસ્થિતિને સ્વીકારવાની માનસિકતા વધુ મજબૂત હતી. પરંતુ આજના આધુનિક અને ટેકનોલોજી આધારિત યુગમાં પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. હવે માત્ર આંગળીના ટેરવે મોબાઇલમાં થોડા ક્લિક્સ કરીને આપણે કોઈપણ વસ્તુનો ઓર્ડર કરી શકીએ છીએ, અને તે વસ્તુ ઘણીવાર ૧૦ મિનિટથી લઈને થોડા દિવસોમાં આપણા ઘરે પહોંચી જાય છે.
આ પણ વાંચોઃ વ્યક્તિ ઘડતરઃ સામાજિક કૃતિ ઘડવા માટે પેરેન્ટિંગની કળા મહત્ત્વની આવડત છે
માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ
એ વાતનો ચોક્કસ સ્વીકાર કરવો જોઈએ કે આપણી ભૌતિક સુવિધાઓમાં અભૂતપૂર્વ વધારો થયો છે. ટેકનોલોજીએ માનવજીવનને વધુ સરળ, ઝડપી અને સુવિધાસભર બનાવ્યું છે. વ્યક્તિ પોતાની ઘણી જરૂરિયાતો ઘર બેઠાં પૂર્ણ કરી શકે છે, જેના કારણે સમય અને શ્રમ બંનેની બચત થાય છે. જે રીતે ભૌતિક સુવિધાઓ વધી રહી છે તે જ રીતે બીજી તરફ માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ ઝડપથી વધી રહી છે. માણસ હવે ‘ઝડપ’ શબ્દનો એટલો આદતી બની ગયો છે કે તેને દરેક વસ્તુ તરત જ જોઈએ છે પછી તે વસ્તુ હોય, સંબંધ હોય કે સફળતા.
મનોવિજ્ઞાનીઓ પાસે આજકાલ બાળકો અને કિશોરોને લગતા અનેક કિસ્સા આવી રહ્યા છે. જો માતાપિતા કોઈ વસ્તુ અપાવવામાં સામાજિક અથવા આર્થિક કારણોસર થોડો વધુ સમય લઈ લે, તો કેટલાક બાળકો વધુ ગુસ્સો કરે છે, માતાપિતાની સામે વિરોધ વ્યક્ત કરે છે અથવા તો તેમની જાણ બહાર ઓનલાઈન વસ્તુઓ ઓર્ડર કરી દે છે.
આજની પેઢીમાં રાહ જોવાની ક્ષમતા ઘટી રહી છે
ફક્ત બાળકો જ નહીં, પરંતુ ઘણા યુવાનો અને વયસ્કો પણ જીવનમાં ખૂબ જ ઓછા સમયમાં મોટી સફળતા મેળવવાની અપેક્ષા રાખે છે. તેઓ ઈચ્છે છે કે મહેનતનું પરિણામ તરત જ મળી જાય, કારકિર્દીમાં ઝડપથી પ્રગતિ થાય અને જીવનમાં દરેક લક્ષ્ય ઓછા સમયમાં પૂર્ણ થઈ જાય. પરંતુ જ્યારે તેમની અપેક્ષા મુજબ ચોક્કસ સમયમાં પરિણામ મળતું નથી, ત્યારે તેઓ સરળતાથી હતાશા, નિરાશા અને માનસિક તણાવનો ભોગ બની જાય છે. આ પરિસ્થિતિ દર્શાવે છે કે આજની પેઢીમાં રાહ જોવાની ક્ષમતા ધીમે ધીમે ઘટી રહી છે.
Patience – Patience
માનવસ્વભાવ માટે સૌથી મહત્વપૂર્ણ બાબત છે કે ધીરજ(Patience) અને સ્વીકાર(Acceptance). પરિસ્થિતિને સમજવાની અને તેને સ્વીકારવાની ક્ષમતા માણસને માનસિક રીતે વધુ સક્ષમ બનાવતી હોય છે. જો આપણે દરેક વિલંબ સામે ગુસ્સો કે હતાશા વ્યક્ત કરીએ, તો તે માત્ર આપણા મનની શાંતિને ખલેલ પહોંચાડતો હોય છે. વધુ અકળામણ થવાથી સ્ટ્રેસ વધે છે, ભાવનાત્મક અસંતુલન સર્જાય છે અને ઘણી વખત નાની બાબતો પણ મોટા પહાડ સમોવડી જેવી લાગવા લાગતી હોય છે.
ધીરજ રાખવી એ માત્ર રાહ જોવાની પ્રક્રિયા નથી, પરંતુ તે આપણા મનને કંટ્રોલ રાખવાની એવી કળા છે કે જ્યારે આપણે શાંતિપૂર્વક પરિસ્થિતિને સ્વીકારીને આગળ વધીએ છીએ, ત્યારે મન વધુ સ્થિર બને છે અને વિચારોમાં સ્પષ્ટતા આવે છે. જીવનમાં સફળતા, સંતોષ અને માનસિક શાંતિ મેળવવા માટે ધીરજ ખૂબ જ મહત્વપૂર્ણ ગુણ છે. ટ્રાફિકના કારણે ફૂડ ડિલિવરી મોડું થઈ શકે છે, તેમ જીવનમાં પણ ઘણી પરિસ્થિતિઓ સમય લઈને જ પૂર્ણ થતી હોય છે.
મન:મર્મ – “धैर्यं सर्वस्य साधनम्” દરેક બાબતમાં ઉતાવળ કરવાની જગ્યાએ, ધીરજ અને સમજદારીથી પરિસ્થિતિને સ્વીકારવી એ જ સાચી સામાજીક , આવેગીય પરિપક્વતા છે. અને તેનાથી જ દરેક સમસ્યાનું સમાધાન શક્ય બને છે.

