1. Home
  2. ગુજરાતી
  3. REVOઈમેગેઝિન
  4. વ્યક્તિ ઘડતરઃ સામાજિક કૃતિ ઘડવા માટે પેરેન્ટિંગની કળા મહત્ત્વની આવડત છે
વ્યક્તિ ઘડતરઃ સામાજિક કૃતિ ઘડવા માટે પેરેન્ટિંગની કળા મહત્ત્વની આવડત છે

વ્યક્તિ ઘડતરઃ સામાજિક કૃતિ ઘડવા માટે પેરેન્ટિંગની કળા મહત્ત્વની આવડત છે

0
Social Share

કુદરતે જ્યારે દુનિયાનું સર્જન કરતી વેળા એ તેના દરેક રંગોને ખૂબ જ બારીકાઈથી દરેક સજીવ-નિર્જીવ વસ્તુઓનું સર્જન કર્યું છે. કઈ રીતે બે ઉદ્દીપકમાંથી એક નવો અવશેષ બનવો અને તેનું યોગ્ય વાતાવરણ મળી રહે જેથી તેનામાં ઘડતર અને વિકાસ થાય. દરેક સજીવ તેના બાયોલોજીકલ બંધારણીય આવરણ અનુસાર એક નવા સજીવનું સર્જન કરે છે અને તેના વિકાસ માટે જરૂરી વાતાવરણ અનુસાર તેને સહકાર આપે છે.

આપણા ઘરની આસપાસ જ્યારે થોડુંક નિરીક્ષણ કરીએ તો પશુ-પક્ષીઓ જીવજંતુઓ પોતાના સંતાનોને ઉછેર કરવાની ક્રિયાઓ ખૂબ જ આવા ક્રમસર અનુસારની હોય છે. દરેક સજીવ પોતાની વાતાવરણ અનુસાર તેમને મદદ કરતા હોય છે.  માનવના વિકાસાત્મક ઉછેરમાં પેરેન્ટિંગ એ ખૂબ જ અસરકારક ભાગ ભજવે છે. એક સારા વાતાવરણમાં કરવામાં આવેલું પેરેન્ટિંગ એ બાળકની અંદર આત્મવિશ્વાસ, ઈમોશન્સ ને રિસ્પોન્સ કરવાની સમજ, સેલ્ફ આઇડેન્ટિટી જેવા ગુણોનું ઘડતર કરવા માટે ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે.

દરેક માતા-પિતા તેમના બાળકના ઉછેર માટે પૂરતું ધ્યાન આપતા હોય છે જે મુખ્યત્વે રીતે તેમના બાળકના સર્વાંગી વિકાસ માટે અસરકારક પરિબળ હોય છે. દરેક માતા-પિતા તેમના બાળકને તમામ જરૂરિયાત સંતોષવા માટેના પ્રયત્નો કરે છે. બાળકના ઘડતરમાં કોઈ વસ્તુઓની ખામી ન રહે તેનું ધ્યાન અચૂક રાખતા હોય છે, બાળકને ભણવામાં કોઈ તકલીફ ના પડે ભણવામાં, સામાજિક વ્યવહારમાં, વાહન વ્યવહાર જેવી અનેક વસ્તુઓનું ધ્યાન રાખતા હોય છે. આ તમામ સગવડતાની સાથોસાથ અગવડતા પણ થોડીક જરૂરી રહેતી હોય છે જે બાળકમાં ‘ઈમોશનલ મેચ્યુરીટી’ ડેવલોપ કરવા માટે મદદરૂપ રહે છે.

આ પણ વાંચોઃ ઝડપી જીવનની સાથે સ્ટ્રેસ(તણાવ) એ આધુનિક જીવનનો પડકાર છે

એક પ્રસંગ ઘણી મોટી સમજ આપે છે. કહેવાય છે કે એક વખત સ્ટીવ જોબ્સના મિત્રએ તેમને પૂછ્યું કે “તમારા બાળકો ક્યાં છે? તેઓ અહીં દેખાતા કેમ નથી?” ત્યારે સ્ટીવ જોબ્સે જવાબ આપ્યો કે “તેઓ પોતાના રૂમમાં પુસ્તક વાંચી રહ્યા છે.” તેમના મિત્રને આ વાત સાંભળીને નવાઈ લાગી, કારણ કે દુનિયાને આધુનિક ટેક્નોલોજી આપનાર વ્યક્તિ પોતાના બાળકોને ડિજિટલ પ્લેટફોર્મથી દૂર રાખે છે, તે એક વિચિત્ર વાત લાગી. ત્યારબાદ મિત્રએ પૂછ્યું કે “તમે તેમને મોબાઇલ કે ડિજિટલ ડિવાઇસનો ઉપયોગ કેમ કરવા નથી દેતા?” ત્યારે સ્ટીવ જોબ્સે ખૂબ જ મહત્ત્વપૂર્ણ જવાબ આપ્યો. તેમણે કહ્યું કે “બાળકોના સર્વાંગી વિકાસ માટે પુસ્તકોનું વાંચન, સર્જનાત્મક પ્રવૃત્તિઓ અને કલ્પનાશક્તિનો વિકાસ વધુ જરૂરી છે. જ્યારે માત્ર ડિજિટલ સાધનોનો વધારે ઉપયોગ બાળકના માનસિક અને સામાજિક વિકાસને મર્યાદિત બનાવી શકે છે.”

આ ઘટનામાંથી આપણને ખૂબ જ મહત્ત્વપૂર્ણ શીખ મળે છે. બાળકના જીવનમાં કઈ જરૂરિયાત કેટલી અને કેવી રીતે પૂરી કરવી તે બાબતે માતા-પિતાનો નિર્ણય અત્યંત અગત્યનો છે. આજકાલ ઘણા માતા-પિતા પોતાના બાળકોને ખુશ રાખવા માટે તેઓ માંગે તે દરેક વસ્તુ તરત જ આપી દે છે. બાળક રડે કે જીદ કરે તો મોબાઇલ હાથમાં આપી દેવામાં આવે છે. શરૂઆતમાં આ સહેલું અને અનુકૂળ લાગે છે, પરંતુ લાંબા ગાળે તેનો બાળકોના સ્વભાવ અને વર્તન ઉપર નકારાત્મક પ્રભાવ પડી શકે છે. ઘણા માતા પિતા ક્યારેક બાળકના વગર કીધે તેને ઘણી વસ્તુઓ હાથમાં અપાવી દેતા હોય છે આ વલણ ક્યારેક બાળકમાં આગળ જતા જીદ ગુસ્સો આક્રમકતાનું  કારણ બની જતું હોય છે તો કેટલાક બાળકોમાં પરિસ્થિતિની સામે સહન કરવાની ક્ષમતા ધીરજ ઘટતી જતી જોવા મળતી હોય છે.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં આતંકી મોડ્યુલનો પર્દાફાશ: ઓનલાઇન ગેમિંગની આડમાં કરાતી હતી ભરતી

ઘણા સંશોધનો દર્શાવે છે કે વધુ પડતો સ્ક્રીન ટાઇમ બાળકોમાં ચીડિયાપણું, ગુસ્સો, આક્રમકતા અને ધ્યાન લગાવવા માટેની ખામી જેવી અનેક સમસ્યાઓ ઉભી કરી શકે છે. કેટલાક બાળકોમાં પરિસ્થિતિ સામે લડવાની શક્તિ અને ધીરજ ઓછી થતી જોવા મળે છે. તેઓ નાની મુશ્કેલીઓમાં પણ તૂટી પડે છે અથવા ઝડપથી ગુસ્સે થઈ જાય છે, કારણ કે તેઓ દરેક વસ્તુ તરત જ મેળવવાની આદત પાડી દે છે. જ્યારે બાળકને સતત ડિજિટલ મનોરંજન મળે છે, ત્યારે તેના માટે પુસ્તકો વાંચવા, સર્જનાત્મક રીતે વિચારવા અથવા બહાર રમવા જેવી પ્રવૃત્તિઓમાં રસ ઓછો થવા લાગે છે.

બાળકોનો સાચો વિકાસ માત્ર ભૌતિક સુવિધાઓ આપવાથી થતો નથી. ખરેખર વિકાસ ત્યારે થાય છે જ્યારે બાળકને યોગ્ય મૂલ્યો, શિસ્ત, સંવેદના, સહનશક્તિ અને જવાબદારીની સમજ આપવામાં આવે. માતા-પિતાએ બાળકો સાથે સમય પસાર કરવો જોઈએ, તેમની વાતોને ધ્યાનથી સાંભળવી જોઈએ અને તેમની લાગણીઓને સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. ઘણી વખત બાળકો માત્ર એટલું જ ઇચ્છતા હોય છે કે તેમના માતા-પિતા તેમને મહત્ત્વ આપે, તેમની સાથે વાત કરે અને તેમની લાગણીઓને સમજે.

આ પણ વાંચોઃ આપણી સભ્યતા બે લાખ વર્ષ કરતાં વધુ જૂનીઃ રુપાબેન ભાટીનું પુસ્તક અનેક રહસ્ય ખોલે છે

બાળકોને જીવનમાં પ્રાથમિકતા આપવી પણ એટલું જ જરૂરી છે. તેમને એવું અનુભવ થવું જોઈએ કે તેઓ પરિવાર માટે મહત્ત્વપૂર્ણ છે. જ્યારે બાળકને પ્રેમ, માર્ગદર્શન અને યોગ્ય સમય મળે છે, ત્યારે તે જીવનમાં વધુ જવાબદાર અને સંવેદનશીલ વ્યક્તિ તરીકે વિકસે છે. માતા-પિતાએ બાળકોને માત્ર અભ્યાસમાં આગળ વધારવા પર નહીં, પરંતુ તેમના વ્યક્તિત્વ વિકાસ ઉપર પણ ધ્યાન આપવું જોઈએ.

મન:મર્મ: બાળકોનો ઉછેર માત્ર સુવિધાઓ આપવા સાથે સુસંગત ના રહેવો જોઈએ, પરંતુ તેમને સારા મૂલ્યો, યોગ્ય માર્ગદર્શન અને પ્રેમ આપવાનો વિષય છે. માતા-પિતાએ સમજવું જોઈએ કે બાળકના જીવનમાં સાચી ખુશી માત્ર મોબાઇલ કે ગેમ્સમાં નથી, પરંતુ પરિવારનો પ્રેમ, પુસ્તકોનું જ્ઞાન, સર્જનાત્મકતા અને જીવનના સાચા અનુભવોમાં છે. જો આપણે બાળકોના સર્વાંગી વિકાસ ઉપર ધ્યાન આપીશું, તો તેઓ ભવિષ્યમાં માત્ર સફળ જ નહીં, પરંતુ સંવેદનશીલ, જવાબદાર અને સારા માણસ તરીકે પણ વિકસશે.

ડૉ. ચિન્મય દેસાઈ, મનોવિજ્ઞાની
ડૉ. ચિન્મય દેસાઈ, મનોવિજ્ઞાની

આ લેખ વિશે તમારા અભિપ્રાય જણાવોઃ editor@revoi.in

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code