1. Home
  2. revoinews
  3. પાટનગર બન્યું તિરંગામયઃ વિદ્યાર્થી અને યુવાનો સહિત હજારો નાગરિકો જોડાયા
પાટનગર બન્યું તિરંગામયઃ વિદ્યાર્થી અને યુવાનો સહિત હજારો નાગરિકો જોડાયા

પાટનગર બન્યું તિરંગામયઃ વિદ્યાર્થી અને યુવાનો સહિત હજારો નાગરિકો જોડાયા

0
Social Share
  • દેશના 80મા સ્વતંત્રતા પર્વ પૂર્વે ગાંધીનગરમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ
  • તિરંગા યાત્રાના ૨.૪ કિલોમીટરના સમગ્ર રૂટ પર પોલીસ વિભાગના જવાનો દ્વારા રજૂ કરવામાં આવેલો અદભૂત કરતબ સાથેનો ‘ડેરડેવિલ્સ શો’ સૌ નાગરિકો માટે અને વિશેષ કરીને બાળકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો

ગાંધીનગર, 10 ઓગસ્ટ, 2026 – દેશના 80 માં સ્વતંત્રતા પર્વ પૂર્વે આજે રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં રાષ્ટ્રભક્તિમય વાતાવરણમાં ૨.૪ કિલોમીટર ની ભવ્યતમ તિરંગા યાત્રા યોજાઈ હતી. આ સાથે જ રાજ્યમાં ‘હર ઘર તિરંગા‘ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો

The capital became tricolor: Thousands of citizens, including students and youth, joined in
The capital became tricolor: Thousands of citizens, including students and youth, joined in

મોટીસંખ્યામાં લોકો જોડાયા

તિરંગા યાત્રાની શરૂઆત પાટનગરના ગ-૬ સર્કલથી થઈ હતી જેનું ઘ-૬, ચ-૬, નમસ્તે સર્કલ થઈ અક્ષરધામ મંદિર પાસે સમાપન થયું હતું. હજારોની સંખ્યામાં નાગરિકો, વિદ્યાર્થીઓ, યુવાઓ, સામાજિક અને સેવાકીય સંસ્થાના અગ્રણીઓ ગર્વભેર તિરંગા યાત્રામાં જોડાયા હતા. ધાર્મિક સંતો મહંતોએ પણ ઉપસ્થિત રહી તિરાંગાયાત્રાને ગર્વભેર વધાવી હતી. તિરંગા યાત્રાના ૨.૪ કિલોમીટરના સમગ્ર રૂટ પર પોલીસ વિભાગના જવાનો દ્વારા રજૂ કરવામાં આવેલ અદભૂત કરતબ સાથેનો ‘ડેરડેવિલ્સ શો’ સૌ માટે અને વિશેષ કરીને પરિવાર સાથે આવેલા બાળકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. પોલિસ બેન્ડ, નાસિક ઢોલ, દેશભકિતના ગીતો અને સાંસ્કૃતિક કાર્યક્રમો થકી સમગ્ર વાતાવરણ દેશભક્તિની ગુંજ સાથે ઝૂમી ઉઠ્યું હતું. સૌના હાથમાં રહેલા તિરંગાથી સમગ્ર વાતાવરણ તિરંગામય બન્યું હતું.

હર ઘર તિરંગા અભિયાન’ની પ્રેરણા

રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ પ્રસંગે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, વિશ્વનેતા અને યશસ્વી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશને મળેલી બહુમુલી આઝાદીના ગૌરવગાન સાથે સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનને ચિરંજીવી રાખવા ‘હર ઘર તિરંગા અભિયાન’ની પ્રેરણા આપી છે. તિરંગા યાત્રા ભારતની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રભક્તિની યાત્રા છે. હાથમાં તિરંગો અને હૃદયમાં ભારત ભક્તિ સાથે ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ્’ના નાદથી આપણું મસ્તક ગૌરવથી ઊંચું થાય છે ત્યારે “એક ભારત-શ્રેષ્ઠ ભારત”નો વિચાર સાકાર થાય છે.

The capital became tricolor: Thousands of citizens, including students and youth, joined in
The capital became tricolor: Thousands of citizens, including students and youth, joined in

ભારતને પરમ વૈભવના શિખરે પહોંચાડવા…

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આહ્વાન કરતાં જણાવ્યું હતું કે, ભારતને પરમ વૈભવના શિખરે પહોંચાડવા આપણે સૌ એક બનીને, નેક બનીને ‘હર ઘર તિરંગા’નો સંકલ્પ સાકાર કરીએ. પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં વિકાસની રાજનીતિ સાથે ભારત વિકસિત ભારત અને વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક સત્તા બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. ‘હર ઘર તિરંગા’ અભિયાનને ‘હર દિલ તિરંગા’ના વિશાળ જનઆંદોલનમાં પરિવર્તિત કરીને દરેક વ્યક્તિમાં ‘રાષ્ટ્ર પ્રથમ’ની ભાવના વધુ પ્રબળ બનાવીએ.

ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ આ અવસરે મીડિયા સાથે સંવાદ કરતાં જણાવ્યું હતું કે, દેશભરમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અને તિરંગા યાત્રાને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને નાગરિકો પોતાના ઘર, ઓફિસ સહિતના સ્થળોએ ગૌરવભેર રાષ્ટ્રધ્વજ ફરકાવી રહ્યા છે. તિરંગો દેશના ૧૪૦ કરોડ નાગરિકોનું સ્વાભિમાન, આન, બાન અને શાન છે. તિરંગો માત્ર રાષ્ટ્રધ્વજ નથી, પરંતુ દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રગૌરવનું પ્રતીક છે.

The capital became tricolor: Thousands of citizens, including students and youth, joined in
The capital became tricolor: Thousands of citizens, including students and youth, joined in

શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતભરમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત રાજ્યભરમાં વિવિધ સ્થાનોએ તિરંગા યાત્રાઓ યોજાવાની છે, જેનો પ્રારંભ આજે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગાંધીનગર ખાતેથી કરવામાં આવ્યો છે. સૌ ગુજરાતીઓ પોતાના ઘરે તિરંગો ફરકાવીને દેશની આઝાદી માટે બલિદાન આપનાર વીર શહીદોને યાદ કરશે અને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય નવી પેઢીને તિરંગાનું મહત્વ સમજાવવાનો તથા તેમના હૃદયમાં રાષ્ટ્રભક્તિ અને દેશપ્રેમની ભાવનાને વધુ પ્રબળ બનાવવાનો છે.

આ તિરંગા યાત્રામાં રાજ્ય સરકારના મંત્રીશ્રી પ્રદ્યુમનભાઈ વાઝા, પ્રદેશ ભાજપા મહામંત્રી શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ, પ્રદેશ મંત્રી અને ગાંધીનગર મહાનગરના પ્રભારી શ્રી નીરવભાઈ અમીન, ગાંધીનગર મહાનગર ભાજપાના અધ્યક્ષશ્રી ડૉ. આશિષકુમાર દવે, ધારાસભ્યશ્રીઓ શ્રીમતી રીટાબેન પટેલ, શ્રી અલ્પેશજી ઠાકોર, ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી રાજેશભાઈ પટેલ, સબંધિત અધિકારીગણ, મહાનગરપાલિકા અને સંગઠનના ભાજપાના પદાધિકારીઓ, કાર્યકરો સહિત વિશાળ સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code