- 11 ઓગસ્ટે યોજાનારી વિશાળ તિરંગા યાત્રામાં 11 સ્વાગત સ્ટેજ, લાઇવ પ્રસારણ અને વ્યાપક આયોજન સાથે દેશપ્રેમનો મહોત્સવ
અમદાવાદ, 7 ઓગસ્ટ, 2026: વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે અમદાવાદમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી 11 ઓગસ્ટ, 2026ના રોજ નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે વિશાળ તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવશે. સમગ્ર યાત્રા દરમિયાન તિરંગાના રંગોથી સજ્જ માર્ગો, દેશભક્તિના ગીતો, સાંસ્કૃતિક કાર્યક્રમો અને વિવિધ આકર્ષણો સાથે અમદાવાદમાં દેશપ્રેમનો અનોખો માહોલ સર્જાશે.
ક્યારે યોજાશે અને ક્યાંથી પસાર થશે તિરંગા યાત્રા?
11 ઓગસ્ટે સાંજે 5:00 કલાકે રાયપુર સ્થિત બિગ બજાર પાસેથી તિરંગા યાત્રાનો પ્રારંભ થશે. આ યાત્રા રાયપુર ચાર રસ્તા અને ખાડિયા ગેટ થઈ સારંગપુર ચાર રસ્તા ખાતે આવેલી ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સુધી પહોંચશે, જ્યાં પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ કાર્યક્રમનું સમાપન થશે.
યાત્રાના સમગ્ર રૂટ પર વિવિધ સ્થળોએ વિશેષ શણગાર તથા દેશભક્તિના માહોલને અનુરૂપ સજાવટ કરવામાં આવશે. યાત્રાને વધુ ભવ્ય બનાવવા માટે રૂટ પર કુલ 11 સ્વાગત સ્ટેજ ઊભા કરવામાં આવશે. આ ઉપરાંત વિવિધ સ્થળોએ દેશભક્તિના ગીતો સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ થીમ આધારિત ટેબ્લો, સેલ્ફી કોર્નર તેમજ રીલ સ્પર્ધા પણ નાગરિકો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે.
મોટાપાયે આયોજન
તિરંગા યાત્રામાં જોડાનાર નાગરિકોની સુવિધા માટે મેડિકલ મોબાઇલ ટીમની વ્યવસ્થા કરવામાં આવશે. આ યાત્રામાં હોમગાર્ડ, પોલીસ બેન્ડ, ફાયર વિભાગના જવાનો, સ્કાઉટ બેન્ડ સાથેના વિદ્યાર્થીઓ અને શિક્ષકો, રમતવીરો, વિવિધ સમાજો અને સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપરાંત મોટી સંખ્યામાં શહેરીજનો જોડાશે.
યાત્રાનું ડિજિટલ માધ્યમથી પણ વ્યાપક પ્રસારણ કરવામાં આવશે, જેથી શહેરના વિવિધ વિસ્તારોમાં રહેલા નાગરિકો પણ આ દેશભક્તિના મહોત્સવ સાથે જોડાઈ શકે.
વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થવાના આ ઐતિહાસિક અવસરને યાદગાર બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તિરંગા યાત્રાને માત્ર એક કાર્યક્રમ તરીકે નહીં, પરંતુ દેશપ્રેમ, રાષ્ટ્રીય એકતા અને જનભાગીદારીના વિશાળ ઉત્સવ તરીકે ઉજવવાની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. 11 ઓગસ્ટે અમદાવાદની ધરતી પર તિરંગાની આન, બાન અને શાન સાથે યોજાનારી આ યાત્રા શહેરમાં દેશભક્તિની નવી ઊર્જાનો સંચાર કરશે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત આગામી 11 ઓગસ્ટે યોજાનારી તિરંગા યાત્રાના આયોજન અંગે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દાણાપીઠ મુખ્ય કચેરી ખાતે મેયરશ્રી હિતેશભાઈ બારોટની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનરશ્રી બંછાનિધિ પાની, શહેર પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ ગેહલોત, શહેર ભાજપ પ્રમુખશ્રી પ્રેરકભાઈ શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી કમલેશભાઈ પટેલ, ડેપ્યુટી મેયર શ્રીમતી અંજુબેન શાહ, શાસક પક્ષના નેતાશ્રી જશુભાઈ ઠાકોર, દંડકશ્રી અતુલ મિશ્રા, સ્થાનિક કોર્પોરેટરશ્રીઓ, વિવિધ કમિટીઓના ચેરમેનશ્રીઓ, ડેપ્યુટી ચેરમેનશ્રીઓ, ભાજપના નેતાશ્રીઓ તેમજ કોર્પોરેશનના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

