30 સપ્ટેમ્બરની વહેલી સવાર હતી. ફ્લાયદુબઈની ફ્લાઇટ FZ1073 દુબઈથી તેલ અવીવ તરફ જવા માટે ટેકઓફ કરી રહી હતી. Boeing 737 MAX વિમાનમાં મુસાફરો સવાર હતા અને કોકપિટમાં કેપ્ટન સ્મિત મચ્છર અને કો-પાયલોટ હમામ અલ-હમામી પોતાની ફરજ સંભાળી રહ્યા હતા. વિમાન આકાશમાં ઊંચે પહોંચ્યું અને હવામાન સ્થિર થતાં કોકપિટમાં રાબેતા મુજબની પ્રક્રિયાઓ શરૂ થઈ ગઈ. બહારથી જોતા બધું જ સામાન્ય હતું, પરંતુ કેપ્ટન સ્મિતને પોતાના કો-પાયલોટની બોડી લેંગ્વેજમાં શરૂઆતથી જ કંઈક જુદી દેખાતી હતી. તે જાણે કોઈ વિચિત્ર મૂડમાં હોય એવું લાગતું હતું. સ્મિતના મનમાં વિચાર આવ્યો કે આવું તો ન થવું જોઈએ. દિવસની આ પહેલી જ ફ્લાઇટ હતી. અગાઉની કોઈ ફ્લાઇટ કરીને પાયલોટ કે કો-પાયલોટ આવ્યો હોય તો કદાચ થાકેલો હોય, ઊંઘ પૂરી ન થઈ હોય કે મૂડમાં ન હોય એવું બની શકે, પરંતુ આ તો દિવસની પહેલી ફ્લાઇટ હતી. પછી તેના મનમાં એક બીજો વિચાર પણ આવ્યો કે વહેલી સવારે ઊઠીને તેણે ફજરની નમાજ પઢી હોય તો તન અને મનમાં કેવી સ્ફૂર્તિ હોય? પણ આવું કંઈ હતું નહીં. આ માત્ર એક વિચાર હતો, પરંતુ શંકાનો એક નાનો કીડો સ્મિતના મનમાં સળવળી ગયો હતો.

વિમાન નિયમિત ઝડપે તેલ અવીવ તરફ આગળ વધી રહ્યું હતું. લગભગ સવારે આઠ વાગ્યાની આસપાસ કો-પાયલોટ પોતાની સીટ પરથી ઊભો થયો અને નમાજ પઢવાની વાત કરી. સ્મિતના ચબરાક મનમાં તરત જ ઘંટી વાગી. તેને લાગ્યું કે સવારની નમાજનો સમય તો ઘણો પહેલાં પસાર થઈ ગયો છે. હવે તો બપોરની નમાજનો સમય નજીક આવી રહ્યો હતો, તો અત્યારે નમાજ પઢવાની વાત કેમ? છતાં સ્મિતે કોઈ સવાલ કર્યો નહીં. તેણે કોઈ શંકા વ્યક્ત ન થાય એ રીતે સામે જોતો રહ્યો. કો-પાયલોટ પ્રાર્થના કરવા લાગ્યો. સ્મિતે પણ માન-સન્માનની ભાવનાથી પાછળ ફરીને જોવાનું ટાળ્યું. પરંતુ તેની અંદરની સાવચેતી જાગી ચૂકી હતી.
થોડી મિનિટો પસાર થઈ. સ્મિતે પાછળ જોવાને બદલે માત્ર આંખના ખૂણેથી કો-પાયલોટ તરફ જોવાનો પ્રયત્ન કર્યો. તેને મોઢું પૂરેપૂરું ફેરવ્યું નહોતું, કારણ કે એવું કરવાથી સામેવાળાને શંકા જાય. સ્મિત મચ્છર તો અન્ય પાઇલોટોને ટ્રેનિંગ પણ આપતો હતો. સંકટના સમયે કેવી રીતે એક્ટ અને રિએક્ટ કરવું એ પણ વારંવાર પોતાના વિદ્યાર્થીઓને શીખવતો હતો. એટલે એનો ડાબો હાથ ધીરેથી ટ્રાન્સપોન્ડર પેનલ પર લઈ ગયો અને જનરલ ઈમરજન્સી કોડ 7700 પર માત્ર સેટ કરી દીધો ટ્રાન્સમિટ કર્યો ન હતો. હવે આગળ શું થવાનું છે એ સ્મિત ને ખબર નથી પરંતુ જે કંઈ થાય તો તેનો પ્રતિકાર કઈ રીતે કરવો એ બધા વિચારો પણ મનમાં ચાલતા જ હતા. અને ત્યારે તેને જે દેખાયું તે સામાન્ય પ્રાર્થનાથી કંઈક અલગ હતું. કો-પાયલોટ ધાર્મિક નારા લગાવી રહ્યો હતો અને કોકપિટમાં રાખવામાં આવેલી ઇમર્જન્સી કુહાડી તરફ આગળ વધી રહ્યો હતો. સ્મિતને તરત સમજાયું કે પરિસ્થિતિ ગંભીર છે. તેણે કો-પાયલોટને કહ્યું, “અરે યાર, અત્યારે આ શું કરે છે? તારી સીટ ઉપર બેસ.” તેણે તેને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ એ પહેલાં જ કુહાડીનો જોરદાર ઘા સ્મિતના માથા પર પડ્યો. એક જ ક્ષણમાં કોકપિટનું વાતાવરણ બદલાઈ ગયું. પાયલોટ સીટ પર સ્મિત ફસડાઈ પડ્યો. માથામાંથી લોહી વહેવા લાગ્યું. આંખો સામે અંધારું અને ધુમ્મસ છવાઈ ગયું.

વિમાનમાં કટોકટી માટે રાખવામાં આવતી આ કુહાડીનો હેતુ કોઈ માણસ પર હુમલો કરવાનો નથી. કાચ કે પતરું તોડવું પડે, કોઈ અવરોધ દૂર કરવો પડે અથવા ઇમર્જન્સીમાં બહાર નીકળવાનો રસ્તો બનાવવો પડે ત્યારે તે ઉપયોગી થાય છે. જીવન બચાવવા માટે રાખવામાં આવેલી વસ્તુ કોઈના હાથમાં જીવન લેવા માટેનું સાધન બની જાય એ જ આ ઘટનાની સૌથી ભયાનક વિસંગતિ હતી. જે વસ્તુનો હેતુ આપત્તિમાં મદદ કરવાનો હતો, એ જ વસ્તુ હવે કોકપિટમાં એક પાયલોટ સામે વપરાઈ રહી હતી.
પરંતુ કેપ્ટન સ્મિત હજુ સંપૂર્ણપણે તૂટી ગયા નહોતા. માથામાં ઘા લાગ્યો હતો, લોહી વહેતું હતું, દૃષ્ટિ ધૂંધળી થઈ ગઈ હતી, છતાં તેમનું મગજ કામ કરી રહ્યું હતું. સંકટની ક્ષણે પાયલોટ માટે સૌથી મહત્વની વસ્તુ વિમાન પરનું નિયંત્રણ અને જમીન પરની મદદ વચ્ચેનો સંપર્ક છે. સ્મિતે પરિસ્થિતિની ગંભીરતા સમજીને ઇમર્જન્સી ટ્રાન્સપોન્ડર કોડ 7700 ટ્રાન્સમીટ કરી દીધો. આ નાનો કોડ બહારની દુનિયાને કહી શકે કે વિમાનમાં ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ છે.
હવે હુમલાખોર અને પાયલોટ વચ્ચેની ઝપાઝપી શરૂ થઈ ગઈ હતી. સામાન્ય રીતે જ્યારે કોઈ માણસને માથા પર એવો જીવલેણ ઘા લાગે ત્યારે શરીર સ્વાભાવિક રીતે દુખાવામાં જકડાઈ જાય છે. સ્મિત જાણતો હતો કે જો તે માત્ર પોતાના દુઃખાવા વિશે વિચારશે તો આગળનું પરિણામ ભયાનક બની શકે છે. તેથી તેણે દુઃખાવાને એક બાજુ મૂકીને વળતો જવાબ આપવાનો નિર્ણય કર્યો. અનુભવી માણસની જેમ તેણે હુમલાખોર પર જોરદાર પ્રતિકાર કર્યો. એક ક્ષણ માટે હુમલાખોરને પણ સમજાયું હશે કે જે માણસને તેણે એક ઘામાં નિષ્ક્રિય કરી દીધો હોવાનું માન્યું હતું તે હજી લડી રહ્યો છે.
એ જ સમયે કોકપિટની પાછળ બેઠેલા મુસાફરોમાં એક છ વર્ષની નાની બાળકી મીના પોતાની માતા સાથે હતી. તેને આગળના વોશરૂમમાં જવું હતું. મીના આગળ જતી હતી ત્યારે તેને કોકપિટ તરફથી ધડાકા, ઝપાઝપી અને ચીસોના અવાજો સંભળાયા. કોકપિટ અને પેસેન્જર કેબિન વચ્ચેની દીવાલ એક જ હતી. ખરેખર, દીવાલોને પણ કાન હોય છે. મીનાએ પોતાની માતાને કહ્યું કે અંદર કંઈક અજુગતું થઈ રહ્યું છે. માતા તેને લઈને આગળ આવી. કોકપિટના દરવાજા નજીક પહોંચતાં તેને લોહી દેખાયું અને અંદરથી ઝપાઝપીના અવાજો સંભળાયા. તેણે તરત જ કેબિનમાં હાજર લોકોને ચેતવણી આપી કે કેપ્ટન પર અંદર હુમલો થઈ રહ્યો છે.
પરંતુ મુસાફરો સામે સૌથી મોટો પ્રશ્ન હતો કે તેઓ અંદર જાય કેવી રીતે? કોકપિટનો દરવાજો બંધ હતો.બીજી તરફ કોકપિટની અંદર સ્મિત અને હુમલાખોર બંને ઘાયલ થઈ ચૂક્યા હતા, પરંતુ સ્મિત વધુ ગંભીર રીતે ઘાયલ હતા.છતાં તેમનું ચેતાતંત્ર હજી તેમને વિચારવાની અને શરીરને એ વિચાર પ્રમાણે ચલાવવાની શક્તિ આપી રહ્યું હતું.
સ્મિતને હવે સમજાયું કે જમીન પર બેઠેલા લોકોને સ્પષ્ટ સંકેત મળવો જોઈએ કે આ તો વિમાન પર કબજો મેળવવાનો પ્રયાસ છે. તેથી 7700ને બદલે 7500 કોડ સેટ કરવો જરૂરી હતો. પરંતુ પ્રશ્ન એ હતો કે આ બધું હુમલાખોર સાથેની ઝપાઝપી વચ્ચે કેવી રીતે કરવું? ,(ઘણા લોકોના મનમાં પણ આ પ્રશ્નો ઉભો થયો છે). કોકપિટમાં ટ્રાન્સપોન્ડરનું નિયંત્રણ પાયલોટની પહોંચમાં જ હોય છે. એટલે એરક્રાફ્ટનું સંપૂર્ણ નિયંત્રણ છોડ્યા વગર પણ કોઈ ક્ષણે હાથ ત્યાં પહોંચાડીને કોડ બદલવાની તક મળી શકે છે. સ્મિતે એ તક શોધી અને 7700ને બદલે 7500 સેટ કરવાનો પ્રયાસ કર્યો.એવીએશન એક્સપર્ટ ના જણાવ્યા પ્રમાણે કેપ્ટન સ્મિત્તે ટ્રાન્સપોર્ટરના squawk કોડ બદલ્યા હોઈ શકે.અહીં આપેલા કોકપિટના કંટ્રોલ પેનલ પર જોવાથી આપણને ખ્યાલ આવશે કે તે કામ ખૂબ જ ઝડપથી થઈ શકે છે.
હવે હુમલાખોરે કદાચ સમજી લીધું કે જ્યાં સુધી સ્મિતના હાથ કામ કરતા રહેશે ત્યાં સુધી તે સંપૂર્ણપણે વિમાનનું નિયંત્રણ પોતાના હાથમાં લઈ શકશે નહીં. એટલે તેનું નવું નિશાન સ્મિતના હાથ અને આંગળીઓ બન્યાં. તેણે સ્મિતના હાથ પર અને આંગળીઓ પર હુમલો કરવાનું શરૂ કર્યું. એક પાયલોટ માટે તો તેની નિયંત્રણ ક્ષમતા પર સીધો હુમલો હતો. જો આંગળીઓ કામ ન કરે તો કંટ્રોલ પેનલનો ઉપયોગ કરવો મુશ્કેલ બની શકે. પરંતુ ત્યાં સુધીમાં સ્મિત પોતાનું સૌથી મહત્વનું કામ કરી ચૂક્યા હતા. તેમણે કોડ બદલવાનો પ્રયાસ કરી લીધો હતો. જાણે યુદ્ધમાં એક મહત્વનો મોરચો જીતી લીધો હોય.
હવે સ્મિતનું અંતિમ લક્ષ્ય હતું—કોકપિટનો દરવાજો ખોલવો. બહારથી લોકો દરવાજો ખોલવાની બૂમો પાડી રહ્યા હતા. અંદર હુમલાખોર જાણતો હતો કે દરવાજો ખૂલી ગયો તો બહારના લોકો અંદર આવી જશે. એટલે દરવાજો હવે આ સમગ્ર લડાઈનું કેન્દ્ર બની ગયો હતો. હુમલાખોર ઉપર અને સ્મિત નીચે. એક તરફ માથા, હાથ અને શરીર પર હુમલા થઈ રહ્યા હતા અને બીજી તરફ સ્મિત પોતાના શરીરની બધી શક્તિ ભેગી કરીને ઊભા થવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ ક્ષણે જો કોઈ માણસને શરીરના દુખાવાની ચિંતા હોત તો કદાચ તે ફરી ઊભો થઈ શક્યો ન હોત. પરંતુ સ્મિત માટે હવે એક જ પ્રશ્ન હતો—દરવાજા સુધી પહોંચવું. આતંકવાદી ઉપર અને સ્મિત નીચે. આતંકવાદી સ્મિતના માથા પર હાથ પર અને છાતી પર હુમલો કરતો હતો જ્યારે સ્મિતે સમજી લીધું કે હવે મારે એના શરીરના એવા અંગ ઉપર એટેક કરવો જોઈએ કે જેને કારણે બે ત્રણ ઘડી બેવડો વળી જાય. મીતે બજરંગ બલી કી જય ની એક્શનમાં કમરથી નીચેના ભાગમાં એવી જગ્યાએ મુકો માર્યો હશે કે જેના કારણે આતંકવાદી કુહાડી છોડીને હાથ પકડીને બેસી ગયો હશે અને એ દરમિયાન ત્વરિત ઝડપથી સ્મિત પોતાની જગ્યાએથી ઊભો થઈને દરવાજા તરફ ઘસી ગયો હશે. બંને વચ્ચે ખેંચતાણ પણ થઈ હશે પરંતુ છેલ્લે દરવાજો ખોલવામાં સફળ થઈ ગયો હશે.
સ્મિતે દરવાજા તરફ ધક્કો માર્યો. દરવાજો એક વખત ખુલ્યો હતો પરંતુ હુમલાખોરે તેને ફરી બંધ કરી દીધો હતો. હવે બીજી તક હતી. ઘાયલ શરીર ફ્લોર પરથી આગળ વધ્યું. હાથ દરવાજાના નોબ સુધી પહોંચ્યો. બહારના લોકો પણ રાહ જોઈ રહ્યા હતા. અંદરથી નોબ ફેરવવાનો હતો. કોઈ મોટી જટિલ પ્રક્રિયા નહોતી, પરંતુ ત્યાં સુધી પહોંચવું જ સૌથી મોટું કામ હતું. અંતે તેમનો હાથ નોબ સુધી પહોંચ્યો. તેમણે નોબ ફેરવ્યો અને દરવાજો ખૂલી ગયો.
અને આ વખતે બહાર લોકો રાહ જોઈ રહ્યા હતા. આ ઘટનાથી આપણે એ સમજવાનું રહ્યું કે સંકટના સમયે મિલેટ્રી ટ્રેનિંગ કેટલી કામ આવે છે. સંયમ સમયે ધૈર્ય જાળવી રાખવું. કોઈ અનુભવી વ્યક્તિ કહે તે સૂચનાનું પાલન કરવું તે ખૂબ જ જરૂરી છે. જો આ ટ્રેનિંગ ન હોય તો વિમાનમાં અંધાધુંધી ફેલાઈ ગઈ હોત અને કદાચ અમુક સેકન્ડમાં જે ઘટનાથી વિમાન બચી ગયું તે થયું ન હોય. આમ તો એટલું જ કહીશ કે સરકાર કહે કે ન કહે પણ આપણે દરેક જણએ એક વર્ષની મિલેટ્રી ટ્રેનિંગ અને એક વર્ષની ટેકનીકલ ટ્રેનિંગ લેવી જોઈએ.
સેલ્યુટ અને આભાર, કેપ્ટન સ્મિત મચ્છર. તમારા શૌર્યને સલામ. તમારી નિખાલસતાને સલામ.અને તમારી એ છેલ્લી લડાઈને સલામ.જેમાં તમે પોતાના માટે લડ્યા અને સાથે અનેક લોકો માટે નવજીવનનો રસ્તો ખોલી આપ્યો.



