ગાંધીનગર/વડોદરા, 3 ઑક્ટોબર, 2026: Tarang Shakti 2026: ભારતીય વાયુસેના દ્વારા આયોજિત બહુરાષ્ટ્રીય હવાઈ સરાવ ‘એક્સરસાઇઝ તરંગ શક્તિ 2026‘ (#ExTarangShakti26) ના ભાગરૂપે, સહભાગી 32 મિત્ર દેશોના પ્રતિનિધિઓ અને નિરીક્ષકોએ ગુજરાતની વિશેષ મુલાકાત લીધી હતી. આ ઔદ્યોગિક અને સાંસ્કૃતિક પ્રવાસ દરમિયાન પ્રતિનિધિમંડળે એકતાનગર ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’, ‘આરોગ્ય વન’ તેમજ વડોદરા સ્થિત ‘ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ’ (C-295 વિમાન ઉત્પાદન સુવિધા) નો પ્રત્યક્ષ અનુભવ મેળવ્યો હતો.
અખંડ ભારતના દ્રઢ સંકલ્પ અને ભાવનાના પ્રતીક સમાન સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત દ્વારા વિદેશી પ્રતિનિધિઓએ ભારતની એકતાના સામર્થ્યને નિહાળ્યું હતું. આ સાથે જ આરોગ્ય વનની મુલાકાતથી તેમણે સ્વાસ્થ્ય અને વેલનેસ પ્રત્યેના ભારતના પરંપરાગત તથા સર્વગ્રાહી દૃષ્ટિકોણની જાણકારી મેળવી હતી.
Unity Beyond Borders
As part of #ExTarangShakti26, observers from 32 countries visited the Statue of Unity, Arogya Van and Tata Advanced Systems Limited (C-295 facility) in Gujarat.
From the enduring spirit of a united India, to India’s holistic approach to wellness, and its… pic.twitter.com/noOtsDwVbM
— Indian Air Force (@IAF_MCC) October 3, 2026
ઉપરાંત, ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડની C-295 એરોસ્પેસ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી ખાતે વિદેશી ડેલિગેશને ભારતની સ્થાનિક સંરક્ષણ ઉત્પાદન ક્ષમતા અને એરોસ્પેસ ક્ષેત્રે થઈ રહેલી આત્મનિર્ભર પ્રગતિને નજીકથી મૂલવી હતી.
આ મુલાકાતે વિવિધ દેશોના નિરીક્ષકોને એક જ મંચ પર લાવીને ભારતની વિવિધતા, સમૃદ્ધ વારસો અને ઉભરતી સંરક્ષણ ક્ષમતાઓથી માહિતગાર કર્યા હતા. આ આયોજનથી સહભાગી દેશો વચ્ચે પરસ્પર વિનિમય, દ્વિપક્ષીય સંબંધોની ગાઢતા અને ભવિષ્યની મજબૂત ભાગીદારી માટે એક સશક્ત પ્લેટફોર્મ પૂરું પડ્યું છે.


