નવી દિલ્હી, 05 ઓક્ટોબર 2026: ‘રેસ્ટ ઓફ ઈન્ડિયા’એ 2026ની ઈરાની કપની ટ્રોફી જીતી લીધી છે. ફાઈનલમાં, રિષભ પંતના નેતૃત્વ હેઠળની ‘રેસ્ટ ઓફ ઈન્ડિયા’ ટીમે રણજી ટ્રોફી ચેમ્પિયન જમ્મુ-કાશ્મીરને 167 રનથી હરાવ્યું. જોકે કેપ્ટન રિષભ પંત બંને દાવમાં ખાસ રન બનાવી શક્યા નહોતા, પરંતુ તેમની કેપ્ટન્સી શાનદાર રહી હતી. વાઈસ-કેપ્ટન સરફરાઝ ખાને પ્રથમ દાવમાં 45 રન બનાવ્યા હતા, પરંતુ બીજા દાવમાં તેઓ ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થઈ ગયા હતા. મુકેશ કુમાર અને સ્મરણ રવિચંદ્રન ‘રેસ્ટ ઓફ ઈન્ડિયા’ની જીતના મુખ્ય નાયક રહ્યા હતા.
‘રેસ્ટ ઓફ ઈન્ડિયા’ની ટીમે તેમની પ્રથમ ઇનિંગ્સમાં માત્ર 237 રન બનાવ્યા હતા. ત્યારબાદ, જમ્મુ-કાશ્મીરની ટીમે તેમની પ્રથમ ઇનિંગ્સમાં 278 રન બનાવીને 41 રનની સરસાઈ મેળવી હતી. ત્યારબાદ ‘રેસ્ટ ઓફ ઈન્ડિયા’એ તેમની બીજી ઇનિંગ્સમાં 319 રન બનાવ્યા અને જમ્મુ-કાશ્મીર સામે જીતવા માટે 278 રનનો લક્ષ્યાંક મૂક્યો. ‘રેસ્ટ ઓફ ઈન્ડિયા’ના બોલરોએ ઘાતક પ્રદર્શન કરતા જમ્મુ-કાશ્મીરની ટીમને બીજી ઇનિંગ્સમાં માત્ર 111 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. મુકેશ કુમારે બીજી ઇનિંગ્સમાં 6 વિકેટ ઝડપી હતી, જ્યારે આકાશ દીપે ત્રણ વિકેટ લીધી હતી.


