પટના, 19 નવેમ્બર 2026: બિહારની પ્રતિભાનો ડંકો હવે દેશ અને દુનિયામાં વાગી રહ્યો છે. રાજ્યના સમસ્તીપુર જિલ્લાના તાજપુર ગામમાંથી આગળ આવેલા યુવા ક્રિકેટર વૈભવ સૂર્યવંશીએ ફરી એકવાર બિહાર અને દેશનું નામ રોશન કર્યું છે. મેદાન પર પોતાની આક્રમક બેટિંગથી ભલભલા બોલરોને પરસેવો છોડાવી દેનાર વૈભવને વિશ્વના પ્રતિષ્ઠિત મેગેઝિન ‘ટાઈમ’ ની પ્રથમ ‘ટાઈમ 100 નેક્સ્ટ ઈન્ડિયા’ યાદીમાં સ્થાન મળ્યું છે. માત્ર 15 વર્ષની નાની ઉંમરે આ સિદ્ધિ મેળવીને તેણે દેશની 100 ઉભરતી પ્રભાવશાળી હસ્તીઓની હરોળમાં પોતાની જગ્યા બનાવી છે. આ યાદીમાં વૈભવનું નામ બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ, આર્યન ખાન અને અન્ય જાણીતી હસ્તીઓની સાથે સામેલ કરાયું છે.
વૈભવની આ સિદ્ધિ એટલે પણ ખાસ છે કારણ કે બોલિવૂડ અભિનેતા આયુષ્માન ખુરાનાએ તેની ક્રિકેટ સફર અને પ્રતિભા પર એક વિશેષ લેખ લખીને તેની પ્રશંસા કરી છે. ખુરાનાએ વૈભવને નવી પેઢીના બદલાતા ભારતની ઓળખ ગણાવ્યો છે. સમસ્તીપુરના મેદાનોથી ક્રિકેટની શરૂઆત કરનાર આ યુવા ખેલાડીની ચર્ચા હવે આંતરરાષ્ટ્રીય સ્તરે થઈ રહી છે. વૈભવની આ સફળતા પાછળ મેદાન પરનું તેનું સતત શાનદાર પ્રદર્શન અને રેકોર્ડ્સની હારમાળા જવાબદાર છે. IPL 2025માં રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા તેણે ગુજરાત ટાઈટન્સ સામે માત્ર 35 બોલમાં સદી ફટકારીને ઈતિહાસ રચ્યો હતો. તે સમયે 14 વર્ષની વયે તેણે 38 બોલમાં 11 છગ્ગા અને 7 ચોગ્ગાની મદદથી અણનમ 101 રનની તોફાની ઈનિંગ રમી હતી. આ સાથે જ તે IPL ઈતિહાસમાં સદી ફટકારનાર સૌથી નાની ઉંમરનો બેટ્સમેન બન્યો હતો, જેણે સમગ્ર ક્રિકેટ જગતનું ધ્યાન ખેંચ્યું હતું.
-
પિતા અને પરિવારમાં ગૌરવની લાગણી
‘ટાઈમ’ની પ્રતિષ્ઠિત યાદીમાં દીકરાનું નામ આવતા પિતા સંજીવ સૂર્યવંશીની ખુશીનો પાર નથી. તેમણે જણાવ્યું હતું કે વૈભવની આ સિદ્ધિ પર તેમને ખૂબ જ ગર્વ છે અને આ સન્માન વર્ષોની મહેનત, સંઘર્ષ તથા પરિવારના ત્યાગનું સુખદ પરિણામ છે. જે દીકરાને ક્રિકેટની પ્રાથમિક તાલીમ અપાવવા તેઓ મેદાન સુધી લઈ જતા હતા, આજે તેની પ્રતિભાને વૈશ્વિક મંચ પર ઓળખ મળી રહી છે. વૈભવની માતા આરતી સિંહ, ભાઈ આશીર્વાદ સૂર્યવંશી અને કાકા રાજીવ સૂર્યવંશી સહિત સમગ્ર પરિવારમાં આ સિદ્ધિને લઈને ઉત્સાહનો માહોલ છે.
‘ટાઈમ 100 નેક્સ્ટ ઈન્ડિયા’ના પ્રથમ સંસ્કરણમાં વિવિધ ક્ષેત્રોમાં ભવિષ્યને પ્રભાવિત કરવાની ક્ષમતા ધરાવતા 100 ચહેરાઓને સ્થાન અપાયું છે. જેમાં મનોરંજન જગતમાંથી આલિયા ભટ્ટ, આર્યન ખાન અને દિલજીત દોસાંઝ; રમતગમત ક્ષેત્રે હરમનપ્રીત કૌર, લવલીના બોરગોહેન અને સાનિયા મિર્ઝા; ઉદ્યોગ અને ટેકનોલોજી ક્ષેત્રે પીયૂષ બંસલ, અલબિંદર સિંહ ઢીંડસા, તરુણ મહેતા અને રાધિકા ગુપ્તા તેમજ વિજ્ઞાન-અંતરિક્ષ ક્ષેત્રે શુભાંશુ શુક્લાનો સમાવેશ થાય છે.








