વડોદરા, 18 નવેમ્બર,2026 : A 12-foot crocodile that entered Gokul Duplex in Jambuva શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં મગરોની વસતીમાં વધારો થયો છે. મગરો અવાર-નવાર નદીકાંઠા વિસ્તારની સાસાયટીઓમાં આવી જતા હોય છે. ત્યારે રાતના સમયે શહેરના જાંબુવા વિસ્તારમાં આવેલી ગોકુલ ડુપ્લેક્સ સોસાયટી નજીક 12 ફૂટ જેટલો વિશાળ મગર આવી ચઢતાં સ્થાનિકોમાં અફરા-તફરી મચી ગઈ હતી. સોસાયટીના પાછળના ગેટ પાસે આવેલા રસ્તા પર મગર જોવા મળતાં સ્થાનિકોએ સેવ વાઇલ્ડલાઇફ ટ્રસ્ટને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ ટ્રસ્ટની રેસ્ક્યૂ ટીમે સ્થળ પર પહોંચી મગરનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કર્યું હતું.
આ બનાવની વિગત એવી છે કે, શહેરના જાંબુવા વિસ્તારમાં આવેલી ગોકુલ ડુપ્લેક્સ સોસાયટી નજીક રાતના સમયે લોકોએ 12 ફૂટ જેટલો વિશાળ મગરને જોતા જ સેવ વાઇલ્ડલાઇફ ટ્રસ્ટના હેલ્પલાઇન નંબર પર જાણ કરી હતી. આથી સેવ વાઇલ્ડલાઇફ ટ્રસ્ટના સ્વયંસેવકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. સ્થળ પર તપાસ દરમિયાન આશરે 12 ફૂટ લાંબો મહાકાય મગર જોવા મળ્યો હતો. મગરનું કદ જોતાં સાવચેતીપૂર્વક રેસ્ક્યૂ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ ટ્રસ્ટની ટીમ દ્વારા વન વિભાગના અધિકારી જિગ્નેશભાઈને જાણ કરવામાં આવી હતી. વન વિભાગના સહયોગથી અને અધિકારીની હાજરીમાં મગરને કોઈ નુકસાન ન પહોંચે તેમજ આસપાસના લોકોની સુરક્ષા જળવાઈ રહે તે રીતે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સફળતાપૂર્વક રેસ્ક્યૂ પૂર્ણ થયા બાદ મગરને વન વિભાગના માર્ગદર્શન હેઠળ નજીકના યોગ્ય કુદરતી રહેઠાણ વિસ્તારમાં સુરક્ષિત રીતે મુક્ત કરવામાં આવ્યો હતો.








