અમદાવાદ, 18 નવેમ્બર,2026 : GCRI’s new initiative ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GCRI) દ્વારા HIV પોઝિટિવ મહિલાઓના આરોગ્યને ધ્યાનમાં રાખીને એક નવીન પહેલ હાથ ધરવામાં આવી છે, જે હેઠળ આ મહિલાઓની નિયમિત HIV સારવારના ભાગરૂપે HPV DNA આધારિત સર્વાઇકલ કેન્સર (ગર્ભાશયના મુખનું કેન્સર)ના સ્ક્રીનિંગનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ પહેલ અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા ART સેન્ટર મારફતે અમલમાં મૂકવામાં આવી રહી છે. આ પહેલને ‘એક્સલન્સ ઇન પેશન્ટ કેર એન્ડ સર્વિસ ડિલિવરી’ કેટેગરીમાં FICCI હેલ્થકેર એક્સલન્સ એવોર્ડ 2026 પણ એનાયત કરવામાં આવ્યો છે.
HIV સાથે જીવતી મહિલાઓમાં હાઈ-રિસ્ક હ્યુમન પેપિલોમા વાયરસ (HPV)નું સંક્રમણ લાંબા સમય સુધી રહેવાનું અને તેના કારણે સર્વાઇકલ કેન્સર થવાનું જોખમ વધુ હોય છે. નિયમિત HIV સારવાર સાથે સર્વાઇકલ કેન્સર સ્ક્રીનિંગને સાંકળવાથી આ સંવેદનશીલ વર્ગની મહિલાઓમાં રોગનું વહેલું નિદાન, સમયસર સારવાર અને આરોગ્યલક્ષી પરિણામોમાં સુધારો લાવવાની તક મળે છે.
રાજ્યનો આરોગ્ય વિભાગ કેન્સર સહિતના ગંભીર રોગોના વહેલાસર નિદાન અને સંવેદનશીલ વર્ગોને ગુણવત્તાયુક્ત આરોગ્યસેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે સતત પ્રયત્નશીલ છે. ગુજરાત સરકાર અને ગુજરાત કેન્સર સોસાયટી દ્વારા સંયુક્ત રીતે સંચાલિત ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GCRI) રાજ્યમાં કેન્સરની સારવાર અને સંભાળમાં મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે ઉભરી છે. આધુનિક તબીબી સુવિધાઓથી સજ્જ આ સંસ્થા કેન્સરના દર્દીઓની સારવાર માટે સમર્પિત છે અને પોતાની આ નવીન પહેલ થકી, HIV પોઝિટિવ મહિલાઓના આરોગ્યલક્ષી પરિણામોમાં સુધારો લાવવાનો પ્રયાસ કરી રહી છે.
GCRIની પહેલને મળ્યો FICCI હેલ્થકેર એક્સલન્સ એવોર્ડ 2026
આ પહેલને ‘એક્સલન્સ ઇન પેશન્ટ કેર એન્ડ સર્વિસ ડિલિવરી’ (દર્દીની સંભાળ અને સેવા પ્રદાન કરવામાં શ્રેષ્ઠતા) કેટેગરીમાં ‘FICCI હેલ્થકેર એક્સેલન્સ એવોર્ડ 2026’ એનાયત કરવામાં આવ્યો છે. આ એવોર્ડ નિયમિત HIV સારવાર સાથે કેન્સર નિવારણ અને વહેલાસર નિદાનને સાંકળી લઇને દર્દી-કેન્દ્રિત આરોગ્યસંભાળને વધુ મજબૂત બનાવવા માટે GCRI દ્વારા કરવામાં આવેલા પ્રયાસોને બિરદાવે છે.
ગુજરાતના અન્ય ART કેન્દ્રોમાં પણ આ પહેલનું વિસ્તરણ
GCRI આ સંકલિત મોડેલને વધુ મજબૂત બનાવવા તેમજ તેની વ્યવહારિક શક્યતાઓ અને ઉપલબ્ધ સંસાધનોને ધ્યાનમાં રાખીને ગુજરાતનાં અન્ય ART કેન્દ્રોમાં પણ તેનો વિસ્તાર કરવાની દિશામાં પ્રયાસો કરશે. આ અભિગમથી સર્વાઇકલ કેન્સર સ્ક્રીનિંગની સુલભતામાં વધારો થશે, તેના નિદાનમાં થતો વિલંબ ઘટશે, તેમજ HIV સાથે જીવતી મહિલાઓને કેન્સરની સમાન સંભાળ સુનિશ્ચિત કરવામાં મદદ મળશે.








