1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. એનાલોગ પનીર પર પ્રતિબંધ મુકાયા બાદ અમદાવાદમાં મ્યુનિએ પાડ્યા દરોડા
એનાલોગ પનીર પર પ્રતિબંધ મુકાયા બાદ અમદાવાદમાં મ્યુનિએ પાડ્યા દરોડા

એનાલોગ પનીર પર પ્રતિબંધ મુકાયા બાદ અમદાવાદમાં મ્યુનિએ પાડ્યા દરોડા

0
Social Share

અમદાવાદ, 07 ઓગસ્ટ 2026 : AMC conducts raids following the ban on analogue paneer ગુજરાત સરકારે લોકોના આરોગ્યને નુકસાન કરતા એનાલોગ પનીરના ઉત્પાદન અને વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મુક્યો છે. રાજ્યમાં ઘણીબધી હોટલો અને રેસ્ટોરન્ટ્સ પર ખાદ્ય ચિજોમાં એનાલોગ પનીરનો ઉપયોગ કરવામાં આવતો હતો. અને કેટલીક ડેરીઓ પર એનાલોગ પનીરનું વેચાણ થયું હતું. પણ એનાલોગ પનીર પર પ્રતિબંધ મુકાયા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. અને સતત ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. શહેરના અંકુર ચાર રસ્તા પાસે આવેલી પનીર મેન્યુફેક્ચરિંગની દુકાન પરથી શંકાસ્પદ પનીરનો જથ્થો જપ્ત કરીને તેના નમુના લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસર રાજેશ પવારે જણાવ્યું હતું કે ગુજરાત સરકારે એનાલોગ પનીર પર પ્રતિબંધ લગાવ્યા પછી એએમસી તરફથી અલગ-અલગ ટીમો બનાવીને પનીરનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જે જગ્યાએ પનીર બને છે અને વેચાણ થાય છે એવી જગ્યાએ ફુડ વિભાગના અધિકારીઓ ચેકિંગ કરી રહ્યા છીએ. શહેરમાં મ્યુનિની ચાર ટીમ કામ કરી રહી છે. સવારથી બપોર સુધીમાં દસ યુનિટ ચેક કરી લીધા છે.

 પનીર અસલી છે કે નકલી છે તે અંગે કેવી રીતે ખબર પડે? આ અંગે જવાબ આપતા તેમણે જણાવ્યું હતું કે લેબોરેટરીના કેમિકલ પરીક્ષણથી સાચું રિઝલ્ટ આવી શકે છે. દૂધમાંથી બનેલું પનીર અને ઓઇલમાંથી બનેલું પનીર બજારમાં મળે છે. તેલમાંથી બનેલું પનીરને આપણે એનાલોગ પનીર કહીએ છીએ. એનાલોગ પનીરમાં ટેસ્ટમાં ફેર હોય છે. પરંતુ લેબોરેટરી ટેસ્ટ પછી અસલી અને નકલીનો ફરક સમજી શકાય છે. કારણ કે દેખાવમાં બંને સરખા હોય છે.

શહેરના અંકુર ચાર રસ્તા પાસે પનીરના મેન્યુફેક્ચરર અને દુકાન પર એએમસીની ટીમે તપાસ હાથ ધરી હતી. શંકાના આધારે પનીરના સેમ્પલ લઈને લેબોરેટરી ચેકિંગ માટે મોકલ્યા છે. ફૂડ સેફ્ટીના કાયદા મુજબ 14 દિવસની અંદર રિપોર્ટ આવી જશે અને ત્યાર પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે.

આ ઉપરાંત શહેરના વેજલપુર વિસ્તારમાં આવેલી ‘વિજય ડેરી’માં પણ ફૂડ વિભાગની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન વિજય ડેરીમાંથી પનીરનું શંકાસ્પદ સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલવા માટે લેવામાં આવ્યું છે. તપાસ દરમિયાન ડેરીમાં પૂરતી ચોખ્ખાઈ કે સ્વચ્છતા જોવા ન મળતાં ફૂડ વિભાગ દ્વારા વિજય ડેરીને નોટીસ ફટકારવામાં આવી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code