Homeગુજરાતીગુજરાતકચ્છના દરિયા કાંઠા વિસ્તારમાં ડ્રગ્સની હેરાફેરી સામે મરીન કમાન્ડોનું સઘન પેટ્રોલિંગ

કચ્છના દરિયા કાંઠા વિસ્તારમાં ડ્રગ્સની હેરાફેરી સામે મરીન કમાન્ડોનું સઘન પેટ્રોલિંગ

ભૂજ, 25 સપ્ટેમ્બર, 2026 :  Intensive patrolling by Marine Commandos કચ્છના દરિયાકાંઠા વિસ્તારમાં ડ્રગ્સની ઘૂંસણખોરી અને અસામાજિક પ્રવૃતિ સામે પોલીસની બાજ નજર હોય છે. ત્યારે પોલીસ અને મરીન કમાન્ડો દ્વારા દરિયાઈ વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે.

કચ્છનો દરિયાકાંઠો સંવેદનશીલ ગણાય છે. દુશ્મન દેશ પાકિસ્તાન નજીકમાં હોવાથી ભારતીય સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક રહેતી હોય છે. કચ્છના દરિયાકાંઠા વિસ્તારમાં અવાર-નવાર ડ્રગ્સના બિનવારસી પેકેટો મળતા હોય છે. દરિયાઈ માર્ગે થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, દાણચોરી અને નશીલા પદાર્થોની હેરાફેરી પર નજર રાખવા માટે કોટેશ્વર મરીન સેક્ટરની ટીમોએ  સંયુક્ત પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે.

રાજ્યમાં દરિયાઈ સુરક્ષાને લઈને ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને મરીન સેક્ટરના વરિષ્ઠ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કચ્છના દરિયાઈ વિસ્તારમાં 24 સપ્ટેમ્બર, 2026ના રોજ  વિશેષ પેટ્રોલિંગ યોજાયું હતું. કચ્છના દરિયાકાંઠાના બેબી કા કુવા વિસ્તારથી હિરણા તરફના આશરે પાંચ કિલોમીટરથી વધુ વિસ્તારમાં પોલીસ ટીમો અને મરીન કમાન્ડોએ પગપાળા પેટ્રોલિંગ કર્યું હતું. આ કામગીરી દરમિયાન દરિયાકાંઠાના એવા વિસ્તારો પર ખાસ ધ્યાન અપાયું હતું, જ્યાંથી શંકાસ્પદ વ્યક્તિઓ કે વસ્તુઓની અવરજવર થવાની શક્યતા હોય છે.

મરીન કમાન્ડોની અલગ અલગ ટીમો દ્વારા કાંઠા વિસ્તારના શંકાસ્પદ સ્થળો, અવાવરૂ વિસ્તારો અને આસપાસના માર્ગોની ઝીણવટપૂર્વક ચકાસણી કરવામાં આવી હતી. પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ વ્યક્તિઓ અને વાહનો ઉપરાંત દરિયામાં કે કાંઠા નજીક જોવા મળતી બોટોની પણ તપાસ કરવામાં આવી હતી.

કોટેશ્વર મરીન સેક્ટરના નાયબ પોલીસ અધિક્ષક બી.કે. ઝાલા, હેડ પોલીસ ઇન્સ્પેક્ટર આર.ડી. ઝાલા, પી.એસ.આઈ. અને મરીન કમાન્ડોની ટીમોએ સંયુક્ત રીતે આ કામગીરીમાં ભાગ લીધો હતો.

કચ્છના સંવેદનશીલ દરિયાકાંઠા વિસ્તારમાં આવી સઘન પેટ્રોલિંગ કામગીરીને કારણે સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બની છે. દરિયાઈ સીમા અને કાંઠા વિસ્તારમાં કોઈપણ શંકાસ્પદ હિલચાલ સામે તંત્ર દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular