Homeગુજરાતીગુજરાતશક્તિપીઠ અંબાજી મંદિર દિવાળી રોશનીથી ઝળહળ્યુ, દર્શનાર્થીઓ ઉમટી પડ્યાં

શક્તિપીઠ અંબાજી મંદિર દિવાળી રોશનીથી ઝળહળ્યુ, દર્શનાર્થીઓ ઉમટી પડ્યાં

અંબાજી, તા 9 નવેમ્બર, 2026 : Shaktipeeth Ambaji Temple lit up with Diwali lights શક્તિપીઠ અંબાજી મંદિર દિવાળીની રંગબેરંગી રોશનીથી ઝગમગી ઊઠ્યું છે. દિવાળીના દિને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન માટે આવ્યા હતા. અંબાજીમાં દીપોત્સવનો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે. મંદિર પરિસરમાં રંગબેરંગી લાઇટિંગ અને દીવડાઓની રોશની કરવામાં આવી છે. મંદિરની ભવ્ય સજાવટ અને આકર્ષક રોશની શ્રદ્ધાળુઓ તેમજ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. દિવાળી એટલે પ્રકાશ, આનંદ અને આસ્થાનો પર્વ. આ પર્વને આવકારવા જાણે સમગ્ર યાત્રાધામ અંબાજી રોશનીના ઉત્સવમાં રંગાઈ ગયું હોય તેવાં દૃશ્યો જોવા મળી રહ્યાં છે.

અંબાજી મંદિર જ નહીં, પરંતુ શહેરનાં બજારો, વિવિધ બિલ્ડિંગો અને દુકાનોને પણ આકર્ષક લાઇટિંગથી શણગારવામાં આવ્યાં છે. મંદિર પર કરવામાં આવેલી રંગબેરંગી રોશનીથી રાત્રિના સમયે અંબાજીનો નજારો વધુ મનમોહક બની રહ્યો છે. બીજી તરફ, ઘરોમાં પણ ગૃહિણીઓ દ્વારા પરંપરા મુજબ દીવડાઓ પ્રગટાવી આંગણે દીપમાળા કરવામાં આવી રહી છે.  દિવાળીના દિવસે ઘેર ઘેર એકવીસ દીવડાઓ પ્રગટાવવાની પરંપરા પણ જોવા મળે છે. દીવડાઓની ઝગમગાટ વચ્ચે જાણે પ્રભુ શ્રીરામના આગમનનું સ્વાગત થતું હોય તેવો ભક્તિમય માહોલ સર્જાયો છે.

અંબાજીના મંદિરોમાં પણ પૂજારીઓ દ્વારા દીવડાઓથી વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. દિવાળીના તહેવારો અને વેકેશનના માહોલ વચ્ચે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે આવી રહ્યા છે. શ્રદ્ધાળુઓ માટે દિવાળીના પર્વે શક્તિપીઠ અંબાજીનાં દર્શન કરવાનું વિશેષ મહાત્મ્ય છે.

ભક્તો મા અંબાના ચરણે શીશ નમાવી નવા વર્ષમાં સુખ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય જળવાઈ રહે તેવી પ્રાર્થના કરી રહ્યા છે. ખાસ કરીને મા અંબાનું હૃદય ધબકતું હોવાની ધાર્મિક આસ્થા સાથે જોડાયેલા આ શક્તિપીઠમાં દિવાળીના પર્વે દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.  મંદિરની રોશની, દીવડાઓનો શણગાર અને ભક્તોની હાજરીથી સમગ્ર યાત્રાધામમાં ઉત્સવનો માહોલ છવાયો છે. આમ, દિવાળીના પર્વે દીવડાઓની ઝગમગતી રોશની, મંદિરની ભવ્ય સજાવટ અને ભક્તોની અતૂટ આસ્થાથી શક્તિપીઠ અંબાજી પ્રકાશના પર્વમાં તરબોળ બની ગયું છે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img