HomerevoinewsPDEU ખાતે અંત્યોદય દિવસની ઉજવણી સાથે અભ્યાસની ત્રણ નવી પહેલનો પ્રારંભ

PDEU ખાતે અંત્યોદય દિવસની ઉજવણી સાથે અભ્યાસની ત્રણ નવી પહેલનો પ્રારંભ

  • કેરળ અને તમિલનાડુના રાજ્યપાલ શ્રી રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે વિદ્યાર્થીઓને ‘નોકરી શોધનારા’ નહીં પરંતુ ‘નોકરી આપનારા’ બનવા આહ્વાન કર્યું

ગાંધીનગર, 25 સપ્ટેમ્બર 2026: Antyodaya Diwas at PDEU ગાંધીનગરના રાણાસણસ્થિત પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (PDEU) દ્વારા અભ્યાસ માટે ત્રણ નવી પહેલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. યુનિવર્સિટીમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતી નિમિત્તે ‘અંત્યોદય દિવસ’ની ભવ્ય ઉજવણી દરમિયાન કેરળ અને તમિળનાડુના રાજ્યપાલના હસ્તે આ શૈક્ષણિક પહેલ શરૂ કરવામાં આવી છે.

આ પ્રસંગે રાજ્યપાલ શ્રી રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે યુવાનોને અપીલ કરી હતી કે તેઓ મહાન વિઝનરી નેતાઓનાં નામે સ્થાપિત સંસ્થાઓ કે જાહેર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનાં નામોને ટૂંકાક્ષરોમાં વાપરવાને બદલે પૂરા નામથી જ બોલે. તેમણે જણાવ્યું હતું કે પૂરા નામનું ઉચ્ચારણ કરવાથી જે વિચાર સાથે સંસ્થા નિર્માણ પામી છે તે વિચાર હંમેશાં જીવંત રહે છે.

રાજ્યપાલે પંડિત દીનદયાળ ઉપાધ્યાયના ચિંતનના બે મુખ્ય વિચારોને સરળ શબ્દોમાં સમજાવ્યા હતા: અંત્યોદય એટલે કે પ્રગતિનું માપદંડ લાઈનમાં ઊભેલા છેવાડાના માનવી સુધી પહોંચતા લાભોથી નક્કી થાય છે, અને એકાત્મ માનવદર્શન જે માત્ર ભૌતિક વિકાસના બદલે શરીર, મન અને આત્માનો સમન્વય સાધીને સર્વાંગી વિકાસની દ્રષ્ટિ આપે છે. વિદ્યાર્થીઓને સંબોધતા તેમણે માત્ર નોકરી શોધવા સુધી પોતાની મહત્વાકાંક્ષા સીમિત ન રાખતા અન્ય લોકો માટે તકો ઊભી કરી શકે તેવા સાહસિકો બનવા હાકલ કરી હતી.

આ સમારંભ દરમિયાન રાજ્યપાલે યુનિવર્સિટીની અભ્યાસક્રમ માટેની ત્રણ નવી પહેલનું ડિજિટલ લોન્ચિંગ કર્યું હતું:

(1) રિલાયન્સ ઑનલાઇન ડિગ્રી પાથવે ફૉર વર્કિંગ પ્રોફેશનલ્સ: નોકરીમાં જોડાયેલા કર્મચારીઓ માટે B.Tech. ની ડિગ્રી મેળવવાનો નવો માર્ગ.

(2) PDEU સેન્ટર ઑફ એક્સેલન્સ ફૉર ક્લાઈમેટ એક્શન એન્ડ ક્લીન એનર્જી.

(3) PDEU–કાયનેસ સેમિકોન B.Tech. પ્રોગ્રામ: VLSI અને સેમિકન્ડક્ટર એન્જિનિયરિંગ ક્ષેત્રે ખાસ અભ્યાસક્રમ.

કાર્યક્રમમાં પૂર્વ કેન્દ્રીય વિદેશ અને સંસ્કૃતિ રાજ્ય મંત્રી શ્રીમતી મીનાક્ષી લેખીએ સમાવેશી વિકાસને આગળ ધપાવવામાં યુનિવર્સિટીની આ નવી પહેલની પ્રશંસા કરી હતી. તેમણે યુવાનોને સમાજસેવા માટે પંડિત દીનદયાળ ઉપાધ્યાયના આદર્શો અનુસરવા આહ્વાન કર્યું હતું. તેમણે જણાવ્યું કે વ્યક્તિગત ખુશી અલગથી મળી શકતી નથી; જ્યાં સુધી સમગ્ર સમાજ ખુશ ન હોય ત્યાં સુધી વ્યક્તિ પણ પૂર્ણ ખુશ રહી શકતી નથી. મહિલાઓની સ્થિતિના સંદર્ભમાં તેમણે ઉમેર્યું કે જો દીકરીઓની યોગ્ય કાળજી લેવામાં આવશે તો જ ભારત ‘વિકસિત ભારત’નું લક્ષ્ય પ્રાપ્ત કરી શકશે.

સમારંભના પ્રારંભે પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટીના ડાયરેક્ટર જનરલ પ્રો. એસ. સુંદર મનોહરને રાજ્યપાલ તથા ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. તેમણે એકેડેમિક્સ, રિસર્ચ અને કમ્યુનિટી એન્ગેજમેન્ટમાં યુનિવર્સિટીની શ્રેષ્ઠ પદ્ધતિઓની રૂપરેખા આપી હતી. કાર્યક્રમ દરમિયાન પંડિત દીનદયાળ ઉપાધ્યાયના જીવન અને દર્શન પર આધારિત એક શોર્ટ ફિલ્મનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે અનેક ઉદ્યોગપતિઓ, વરિષ્ઠ સરકારી અધિકારીઓ, બોર્ડના સભ્યો, યુનિવર્સિટીના અધ્યાપકો, સ્ટાફ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular