વેરાવળ, 10 નવેમ્બર,2026 : Fire breaks out in two scrap and plastic godowns શહેરના જૂનાગઢ રોડ પર ગોકૂળનગર વિસ્તારમાં આવેલા ભંગાર અને પ્લાસ્ટિકના બે ગોદામમાં આગ લાગતા અફરા-તફરી મચી ગઈ હતી. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ગોડાઉનમાં રહેલા ભંગાર અને પ્લાસ્ટિકના જથ્થામાંથી ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા. આગ લાગ્યની જાણ થતાં આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અને ફાયર વિભાગને જાણ કરાતા વેરાવળ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવા પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો.
આ બનાવની વિગત એવી છે કે, શહેરના જુનાગઢ રોડ પર ગોકુલનગર વિસ્તારમાં આવેલા ભંગારના બે ગોડાઉનમાં બપોર બાદ અંદાજે સાડા ત્રણથી ચાર વાગ્યાના અરસામાં આગ લાગી હતી. આગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વેરાવળ ફાયર વિભાગની ચાર ફાયર ફાઇટર ગાડીઓ ઉપરાંત રેયોનની ફાયર ટીમને પણ બોલાવવામાં આવી હતી. કુલ સાત ફાયર ફાઇટર દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. ફાયર વિભાગ દ્વારા ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો.
આ અંગે વેરાવળ ફાયર વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, ભંગારના બંને ગોડાઉનમાં મોટા પ્રમાણમાં ભંગાર, પ્લાસ્ટિક અને અન્ય બિનજરૂરી સામાનનો જથ્થો ભરેલો હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ગોડાઉનની અંદર ચાલવાની પણ પૂરતી જગ્યા ન હોવાથી ફાયર ફાઇટિંગની કામગીરીમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. ખાસ કરીને પ્લાસ્ટિકના સામાનને કારણે ધુમાડાનું પ્રમાણ વધુ હોવાથી આગ બુઝાવવાની કામગીરી પડકારજનક બની હતી. ફાયર વિભાગની સતત જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી. જોકે, ગોડાઉનમાં રહેલા ભંગારના ઢગલામાં અંદરખાને આગના ભાગો સળગતા રહેવાની શક્યતાને ધ્યાનમાં રાખીને કુલિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.








