નવી દિલ્હી, 08 નવેમ્બર 2026: ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાકૃષ્ણને વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને તેમના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી છે. સોશિયલ મીડિયા પરના એક સંદેશમાં, ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે અડવાણીની દાયકાઓ લાંબી જનસેવા અને રાષ્ટ્ર પ્રત્યેનું તેમનું સમર્પણ ભારતની લોકશાહી યાત્રાનો અભિન્ન અંગ રહ્યા છે.
તેમણે લાલ કૃષ્ણ અડવાણી માટે સારા સ્વાસ્થ્ય, સુખ અને કલ્યાણની પણ કામના કરી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વરિષ્ઠ ભાજપ નેતા અને પૂર્વ નાયબ પ્રધાનમંત્રી લાલ કૃષ્ણ અડવાણીને તેમના 99મા જન્મદિવસે શુભકામનાઓ પાઠવી છે. એક અખબાર માટેના લેખમાં, પ્રધાનમંત્રીએ અડવાણીના યોગદાનને યાદ કર્યું. પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો કે અડવાણીની દ્રઢ વૈચારિક પ્રતિબદ્ધતા અને ગહન સમજને કારણે તેમણે એક વિશિષ્ટ ઓળખ બનાવી છે.
તેમણે પક્ષના અધ્યક્ષ તરીકે અડવાણીના કાર્યકાળ અને પક્ષમાં તેમના યોગદાન વિશે પણ વાત કરી. 1991ની લોકસભા ચૂંટણીને યાદ કરતા, પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો કે તેમણે અડવાણીના ઉમેદવારી પત્રો તૈયાર કરવામાં મદદ કરી હતી અને તેમના ચૂંટણી પ્રચારમાં પણ સહયોગ આપ્યો હતો.
તેમણે ગૃહમંત્રી તરીકે અડવાણીના કાર્યકાળ અને દેશની સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવામાં તેમના યોગદાનને પણ યાદ કર્યું. આ ઉપરાંત, તેમણે સોમનાથથી અયોધ્યા સુધી અડવાણી દ્વારા કાઢવામાં આવેલી ‘રથયાત્રા’નો પણ ઉલ્લેખ કર્યો. પ્રધાનમંત્રીએ અડવાણીના સારા સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે કામના કરી.
વધુ વાંચો: દિવાળીના પાવન પર્વે PM મોદી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશવાસીઓને પાઠવી હાર્દિક શુભકામનાઓ


