મહેસાણા, 10 નવેમ્બર,2026 : Bahucharaji Mataji was given royal food on a golden platter સુપ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજીના મંદિરમાં આજે નૂતન વર્ષના પ્રથમ દિવસે માતાજીના દર્શન માટે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. નૂતન વર્ષના પાવન પર્વે માઁ બાળા બહુચરને પરંપરાગત સુવર્ણ થાળમાં રાજભોગ અર્પણ કરાયો હતો. ગાયકવાડ શાસનકાળથી ચાલી આવતી આ વર્ષ જૂની પરંપરા મુજબ વર્ષમાં માત્ર બે જ વાર સોનાના વાસણોમાં માતાજીને થાળ ધરાવવામાં આવે છે. આ દુર્લભ અને દિવ્ય પ્રસંગના દર્શન કરી ધન્યતા અનુભવવા માટે દૂર-દૂરથી માઇભક્તો મોટી સંખ્યામાં બહુચરાજી ધામ ઉમટી પડ્યા હતા.

સુપ્રસિદ્ધ બહુચરાજી માતાજીના મંદિરમાં નૂતન વર્ષના પ્રથમ દિવસે માઈભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા. માતાજીને સોનાના થાળમાં રાજભોગ ધરાવાયો હતો. રાજભોગના દિવ્ય દર્શન માટે શ્રદ્ધાળુઓની લાઈનો લાગી હતી. વડોદરાના રાજવી માનાજીરાવ ગાયકવાડ દ્વારા ભેટ અર્પણ કરાયેલા સોનાની થાળી, વાટકા અને ચમચી સહિત કુલ 9 જેટલી સોનાની વસ્તુઓમાં માતાજીને થાળ પીરસવામાં આવ્યો હતો. માતાજીને દિવ્ય આભૂષણોથી સુસજ્જ કરી પુરી, પાપડ, ભજીયા, ટોપરપાક, લાડુ, વાલનું શાક, બટાકાનું શાક, મિક્સ સબ્જી, દાળ-ભાત અને ખીર જેવા પકવાનોનો રાજભોગ ધરાવાયો હતો.
મંદિરના પૂજારીના કહેવા મુજબ વર્ષો પહેલાં વડોદરા સ્ટેટના કડી પ્રાંતના ગાયકવાડ શાસક માનાજીરાવ ગાયકવાડ ગંભીર અસાધ્ય રોગથી પીડાતા હતા. માતા બહુચરની બાધા-આખડી અને અસીમ કૃપાથી તેમનો આ રોગ મટી ગયો હતો. આ ચમત્કારથી પ્રભાવિત થઈને તેમણે માતાજી પ્રત્યે કૃતજ્ઞતા ભાવ પ્રગટ કરવા માટે સોનાના વાસણો ભેટ આપ્યા હતાં. આ સમયથી સોનાની થાળીમાં ભોગ ધરાવવાની પ્રથા શરૂ કરી હતી.








