ગાંધીનગર, 06 નવેમ્બર, 2026 : Birsa Munda’s 151st birth anniversary to be celebrated in 14 tribal districts મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં બિરસા મુંડાની 151મી જન્મ જ્યંતિની ઊજવણી માટે બહુવિધ કાર્યક્રમોને ઓપ આપવામાં આવ્યો હતો. આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ તેમજ પૂર્વ મંત્રી ગણપતભાઈ વસાવા તેમજ મુખ્ય સચિવ એમ કે. દાસ આ બેઠકમાં જોડાયા હતા.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની આઝાદી માટે મહત્વનું યોગદાન આપનારા અને જનજાતિઓના આરાધ્ય દેવ ભગવાન બિરસા મુંડાને સન્માન આપીને ભવ્ય ઇતિહાસ પુનર્જીવિત કરવાનો ધ્યેય રાખ્યો છે. તેમની પ્રેરણા અને માર્ગદર્શનથી દેશભરમાં 2021થી ભગવાન બિરસા મુંડાની જન્મજયંતી 15 નવેમ્બરે જનજાતિય ગૌરવ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
વડાપ્રધાનએ શરૂ કરાવેલી એ જ પરંપરાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુ ગતિ આપતાં ભગવાન બિરસા મુંડાની 151મી જન્મ જયંતીના ઉપલક્ષમાં સમગ્ર રાજ્યમાં 12 થી 18 નવેમ્બરના એક અઠવાડિયા સુધી વિવિધ કાર્યક્રમોની ઉજવણીનું વ્યાપક આયોજન કર્યું છે.
રાજ્ય સરકારનો આદિજાતિ વિકાસ વિભાગ આ ઉજવણીના મુખ્ય આયોજક તરીકે તેમજ અન્ય વિભાગો સહઆયોજક તરીકે આ ઉજવણીમાં જોડાવાના છે.
જનજાતિય ગૌરવ દિવસની આ ઉજવણી અંતર્ગત રાજ્ય કક્ષાનો મુખ્ય કાર્યક્રમ છોટાઉદેપુરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં 15મી નવેમ્બરે યોજાશે. નાયબ મુખ્યમંત્રી વલસાડ જિલ્લામાં તથા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા દાહોદમાં આ ઉજવણીનું નેતૃત્વ કરશે.
રાજ્યના 14 આદિવાસી જિલ્લાઓના પંચાવન વિધાનસભા ક્ષેત્રોમાં તેમજ 20 બિન આદિજાતિ જિલ્લાઓ અને 17 મહાનગરપાલિકાઓમાં પણ 15 નવેમ્બરે જનજાતિય ગૌરવ દિવસ ઉજવાશે.
જનજાતિય ગૌરવ દિવસ ઉજવણી અંતર્ગત 12થી 18 નવેમ્બર દરમિયાન જે વિવિધ કાર્યક્રમો જનભાગીદારીથી ઉજવાશે તેનું પ્રેઝન્ટેશન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ બેઠકમાં કરવામાં આવ્યું હતું.
તદ્દઅનુસાર, તા.13 નવેમ્બરે 14 આદિજાતી જિલ્લાઓના પંચાવન વિધાનસભા મતવિસ્તારોમાં યુવા સંવાદ સંમેલનો, 14મી નવેમ્બરે સવારે આ જિલ્લાઓમાં ભગવાન બિરસા મુંડા તેમજ અન્ય આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓની પ્રતિમા સ્વચ્છતા અભિયાન અને પૂજા વિધિ તેમજ સાધુ-સંતોના સન્માન કાર્યક્રમો યોજાશે.
તે જ દિવસે સાંજે તમામ આદિજાતિ તાલુકાઓની ગ્રામ પંચાયતમાં ઘરે ઘરે દીપોત્સવ, જાહેર સ્થળોએ ભગવાન બિરસા મુંડાની આરતી, આદિવાસી પ્રાર્થના, ભજનો અને પરંપરાગત નૃત્યનું જનભાગીદારીથી આયોજન કરાશે.
એટલું જ નહીં, ભગવાન બિરસા મુંડાના જીવન ઇતિહાસનું ગુજરાતી, ભીલી અથવા સ્થાનિક આદિવાસી બોલીઓમાં વાંચન કરવામાં આવશે. આ કાર્યક્રમનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાઈવ પ્રસારણ પણ થશે.
ભગવાન બિરસામુંડાની 151મી જન્મ જયંતિ એટલે કે તા. 15 નવેમ્બરે જનજાતિય ગૌરવદિવસની રાજ્ય કક્ષાની મુખ્ય ઉજવણી મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને છોટાઉદેપુરમાં થશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વલસાડ જિલ્લાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. રાજ્યકક્ષાના કાર્યક્રમમાં અંદાજે 1500 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ લાભો 32,400થી વધુ આદિજાતિ લાભાર્થીઓને અપાશે. તે સાથે જ 17 હજારથી અધિક આદિજાતિ ખેડૂતોને વન અધિકાર અધિનિયમ-2006 અન્વયે લાભ આપવામાં આવશે.


