જુનાગઢ, 06 નવેમ્બર, 2026 : Huge crowd of tourists at tourist spots ઐતિહાસિક ગણાતા જુનાગઢ શહેર અને તેની આસપાસનો વિસ્તાર પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. હાલ દિવાળીના વેકેશનને લીધે શહેરમાં આવેલા ઐતિહાસિક સ્મારકો, પ્રાકૃતિક સૌંદર્ય અને આધ્યાત્મિક સ્થળોની મુલાકાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. સાસણ ગીરમાં પણ પ્રવાસીઓ વનરાજોનો નજારો માણી રહ્યા છે. પ્રવાસીઓના ધસારાને કારણે શહેર અને આજુબાજુની હોટલો-રિસોર્ટમાં બુકિંગ ફુલ થઈ ગયા છે.
દિવાળીને વેકેશનને લીધે ઐતિહાસિક ગણાતા જુનાગઢની મુલાકાતે પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. શહેરના ઉપરકોટ કિલ્લાનો ઇતિહાસ અંદાજે 2300 વર્ષ જૂનો છે, જેનું નિર્માણ મૌર્ય રાજા ચંદ્રગુપ્ત દ્વારા ઈ.ਸ.પૂર્વે 319માં કરાવવામાં આવ્યું હતું. આ ભવ્ય કિલ્લામાં અડી કડી વાવ, નવઘણ કુવો, બૌદ્ધ ગુફાઓ, અનાજના ભંડાર અને તોપો જેવી અનેક ઐતિહાસિક ધરોહરો આવેલી છે. તાજેતરમાં સરકાર દ્વારા કરવામાં આવેલા ભવ્ય રિનોવેશન અને બ્યુટીફિકેશન બાદ ઉપરકોટનું સ્વરૂપ સંપૂર્ણપણે બદલાઈ ગયું છે.
જુનાગઢના પ્રવાસે આવતા પ્રવાસીઓ રોવ-વેમાં ગિરનાર પર્વતનો નજારો માણી રહ્યા છે. રોપ-વે નો સમય સવારે 7:00 થી સાંજના 5:00 વાગ્યા સુધીનો છે અને ભવનાથ તળેટીથી અંબાજી મંદિર સુધી પહોંચતા 7 થી 10 મિનિટ લાગે છે. રોપવેનું સત્તાવાર વેબસાઇટ દ્વારા ઓનલાઈન બુકિંગ પણ થઈ શકે છે. ઘણા પ્રવાસીઓ પગથિયા ચડીને ગિરનારની દતાત્રેય ટુક સુધી જઈ રહ્યા છે. જોકે ગિરનાર રોપ-વે શરૂ થવાથી યાત્રાળુઓ ખૂબ જ ઓછા સમયમાં ઉપર પહોંચી શકે છે. આ પવિત્ર ભૂમિ પર નવનાથ, સિદ્ધ ચોર્યાસી, ચોસઠ જોગણી અને બાવન વીરના બેસણા હોવાથી તેને શ્રદ્ધાનું મોટું કેન્દ્ર માનવામાં આવે છે.
ગીરનું જંગલ એશિયાટિક સિંહોનું એકમાત્ર નિવાસસ્થાન છે. અહીંનું પ્રાકૃતિક સૌંદર્ય, ગાઢ જંગલો અને વિવિધ વન્યજીવો પ્રવાસીઓનું મુખ્ય આકર્ષણ છે. જુનાગઢ આવતા પ્રવાસીઓ સાસણના સફારી પાર્કની અવશ્ય મુલાકાત લેતા હોય છે. સફારી પાર્કમાં વનરાજોને વિહરતા નિહાળવા એ મોટો લહાવો છે.








