અમદાવાદ, 06 નવેમ્બર, 2026 : Pressured by calling an officer in the name of an MLA શહેરના એલિસબ્રિજના ભાજપના ધારાસભ્ય અમિત શાહના નામે ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશનના અધિકારીને ફોન કરીને પલ્સ હેલ્થ કેર નામની એજન્સીનું લાયસન્સ મંજુર કરવામાં કેમ નથી આવતું તેની પૂછતાછ કરી હતી. ત્યારબાદ અધિકારીએ ફોન કરીને ધારાસભ્ય અમિત શાહને વાત કરતા શાહ ચોંકી ઊઠ્યા હતા. અને કહ્યુ હતું કે, મેં કોઈ અધિકારીને ફોન કર્યો નથી અને આ એજન્સીના લાઇસન્સ અંગે મને કોઈ જાણકારી પણ નથી. આ અંગે ધારાસભ્ય શાહે વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગત એવી છે કે, શહેરના એલિસબ્રિજના ભાજપના ધારાસભ્ય અમિત શાહના નામનો ઉપયોગ કરીને સરકારી અધિકારીઓ પર દબાણ લાવવાનો પ્રયાસ કરાયો હતો. અજાણ્યા શખ્સે પોતે ધારાસભ્ય અમિત શાહ બોલતા હોવાનું જણાવીને ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશનના અધિકારીને ફોન કર્યો હતો અને ‘પલ્સ હેલ્થ કેર’ નામની એજન્સીનું લાઇસન્સ મંજૂર કેમ કરવામાં આવતું નથી તે અંગે પૂછપરછ કરી હતી. જોકે, આ ફોન અંગે જ્યારે ધારાસભ્યને અધિકારી તરફથી જાણ કરવામાં આવી, ત્યારે તેમણે આવો કોઈ ફોન કર્યો ન હોવાનું સ્પષ્ટ કર્યું હતું. ત્યારબાદ પોતાની ઓળખનો ખોટો ઉપયોગ કરીને અધિકારીઓ સાથે વાત કરનાર અજાણ્યા શખ્સ સામે તેમણે વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
વાસણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, 29 ઓક્ટોબર, 2026ના રોજ બપોરે આશરે 12:09 વાગ્યે ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશનના આસિસ્ટન્ટ કમિશનર એસ.એન. ગઢવીને ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતાની ઓળખ એલિસબ્રિજના ધારાસભ્ય અમિતભાઈ શાહ તરીકે આપી હતી. તેણે ‘પલ્સ હેલ્થ કેર’નું લાઇસન્સ હજુ સુધી મંજૂર કેમ કરવામાં આવ્યું નથી તે અંગે અધિકારીને પૂછ્યું હતું. દરમિયાન આસિસ્ટન્ટ કમિશનર એસ.એન. ગઢવીએ ધારાસભ્ય અમિત શાહનો સંપર્ક કર્યો હતો. તેમણે ધારાસભ્યને પૂછ્યું હતું કે, શું તેમણે ‘પલ્સ હેલ્થ કેર’ના લાઇસન્સને મંજૂરી આપવા બાબતે અધિકારીઓ સાથે વાત કરી હતી? આ અંગે અમિત શાહે સ્પષ્ટ જવાબ આપ્યો હતો કે, તેમણે કોઈ અધિકારીને ફોન કર્યો નથી અને આ એજન્સીના લાઇસન્સ અંગે તેમને કોઈ જાણકારી પણ નથી. આ રીતે કોઈ અજાણ્યો વ્યક્તિ ધારાસભ્યના નામે અધિકારીઓ સાથે વાત કરી હતી. પોલીસે ગુનોં નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.








