આખા દિવસના તમામ કામકાજ આટોપ્યા પછી સાંજના સમયે શાંતિથી ચા પીવી એ દરેક માટે દિવસનો સૌથી રિલેક્સિંગ સમય હોય છે. દિવસભરના થાક બાદ જ્યારે ગરમાગરમ ચાની પહેલી ચુસ્કી લેવામાં આવે ત્યારે મગજ અને શરીર બંને એકદમ ફ્રેશ અનુભવે છે. ચા પીવી તો આપણને સૌને પસંદ હોય છે, પરંતુ તેની સાથે નાસ્તામાં શું લેવું તેને લઈને અવારનવાર મૂંઝવણ રહેતી હોય છે. મોટાભાગના લોકો આળસમાં આવીને કાં તો બિસ્કિટ, ચિપ્સ કે પછી તળેલા સમોસા જેવી વસ્તુઓ ખાતા હોય છે.
આ બધી વસ્તુઓ ખાવામાં ગમે તેટલી સ્વાદિષ્ટ લાગતી હોય, પરંતુ જ્યારે તેને દરરોજ આહારમાં લેવામાં આવે ત્યારે તે થોડા જ દિવસોમાં બોરિંગ લાગવા માંડે છે. સાથોસાથ તેમાં રહેલો મેંદો અને ખાંડ આપણા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. જો તમે પણ દરરોજ એકનો એક નાસ્તો ખાઈને કંટાળી ગયા હોવ અને હેલ્થ સાથે સમાધાન કર્યા વગર સાંજની ચાની મજા માણવા માંગતા હોવ, તો આ 5 ઇન્સ્ટન્ટ અને હેલ્ધી સ્નેક્સ તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે.
સમયનો અભાવ હોય તો શ્રેષ્ઠ વિકલ્પ: રોસ્ટેડ મખાના અને સીંગદાણા
જો તમારી પાસે સમય ઓછો હોય અને કંઈક હલકો પણ પૌષ્ટિક નાસ્તો ખાવાની ઈચ્છા હોય, તો રોસ્ટેડ મખાના અને સીંગદાણા પરફેક્ટ ચોઈસ છે. તેને બનાવવા માટે એક કડાઈમાં એક નાની ચમચી દેશી ઘી ગરમ કરો. તેમાં અડધો કપ સીંગદાણા ઉમેરી મીડિયમ આંચ પર 2 થી 3 મિનિટ શેકી લો. ત્યારબાદ તેમાં 2 કપ મખાના ઉમેરી ધીમા તાપે સતત હલાવતા રહી 5 થી 7 મિનિટ શેકો. મખાના હાથથી દબાવતા જ ક્રંચી અવાજ સાથે તૂટે એટલે ગેસ બંધ કરી તેમાં અડધી ચમચી મીઠું, અડધી ચમચી મરી પાવડર અને એક ચમચી ચાટ મસાલો ઉમેરી બરાબર મિક્સ કરી લો. આ સ્નેક સ્વાદિષ્ટ હોવાની સાથે શરીરને ઈન્સ્ટન્ટ એનર્જી આપે છે.
સાંજે વધુ ભૂખ લાગે તો બનાવો: બ્રેડ સોજી ટોસ્ટ
સાંજના સમયે જો કડકડાટ ભૂખ લાગી હોય અને કંઈક ક્રિસ્પી ખાવાનું મન થાય તો બ્રેડ સોજી ટોસ્ટ બનાવવું ખૂબ જ સરળ છે. એક વાસણમાં અડધો કપ સૂજી, 3 થી 4 ચમચી તાજું દહીં, ઝીણી સમારેલી ડુંગળી, ટામેટાં, લીલા મરચાં, લીલા ધાણા અને સ્વાદાનુસાર મીઠું ઉમેરી ઘટ્ટ ખીરું (પેસ્ટ) તૈયાર કરી લો. આ પેસ્ટને 5 મિનિટ માટે રહેવા દો જેથી સૂજી ફૂલી જાય. ત્યારબાદ બ્રેડની સ્લાઈસ પર આ મિશ્રણ એકતરફ લગાવી તવા પર થોડું બટર કે તેલ મૂકી સોજી વાળા ભાગ તરફથી શેકી લો. બંને તરફ ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકીને ચટણી કે સોસ સાથે ગરમાગરમ સર્વ કરો.
પેક્ડ નમકીન કરતાં ઘણો ઉત્તમ: પૌંવાનો હોમમેઇડ ચેવડો
બાહ્ય પેક્ડ નમકીન ખાવા કરતાં ઘરે બનાવેલો પૌંવાનો ચેવડો સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક છે. તેને તમે વધુ પ્રમાણમાં બનાવીને એર ટાઈટ ડબ્બામાં સ્ટોર પણ કરી શકો છો. કડાઈમાં 2 કપ પાતળા પૌંવા લઈ ધીમા તાપે સૂકા શેકી પ્લેટમાં કાઢી લો. હવે તે જ કડાઈમાં 2 ચમચી તેલ ગરમ કરી રાઈ, કઢી પત્તાં, લીલા મરચાં અને અડધો કપ સીંગદાણા સાંતળો. ત્યારબાદ ચપટી હળદર અને મીઠું ઉમેરી તુરંત જ શેકેલા પૌંવા ઉમેરી હળવા હાથે મિક્સ કરો. 2 મિનિટ શેક્યા બાદ ગેસ બંધ કરો. ઠંડો થયા પછી આ ચેવડો એકદમ ક્રંચી અને ટેસ્ટી બની જાય છે.
ચટપટો સ્વાદ માળવો હોય તો: ક્રિસ્પી કોર્ન ચાટ
ચા સાથે જો કંઈક ખાટો-મીઠો અને ચટપટો નાસ્તો ખાવાની ઈચ્છા હોય તો કોર્ન ચાટ ઉત્તમ વિકલ્પ છે. તેને બનાવવા માટે દોઢ કપ સ્વીટ કોર્નને મીઠાવાળા પાણીમાં 5 મિનિટ માટે બાફી લો. ત્યારબાદ પાણી નિતારીને કોર્નને એક બાઉલમાં કાઢી તેમાં ઝીણી સમારેલી ડુંગળી, ટામેટાં, લીલા મરચાં અને ધાણા ઉમેરો. ઉપરથી શેકેલું જીરું પાવડર, ચાટ મસાલો, સંચળ (કાળું મીઠું) અને 2 ચમચી લીંબુનો રસ ઉમેરી મિક્સ કરી લો. આ ચાટ દેખાવમાં જેટલી કલરફુલ છે, ખાવામાં એટલી જ લાઇટ અને સ્વાદિષ્ટ લાગે છે.
અચાનક મહેમાન આવી જાય ત્યારે: અડદ-મગ પાપડ ચાટ
સાંજના સમયે અચાનક મિત્રો કે મહેમાનો આવી જાય ત્યારે મિનિટોમાં ઇમ્પ્રેસિવ નાસ્તો બનાવવા માટે અડદ-મગ પાપડ ચાટ બેસ્ટ છે. આ રેસિપી માત્ર 2 થી 3 મિનિટમાં બની જાય છે. તેના માટે અડદ કે મગ દાળના 2 પાપડ શેકી લો. શેકેલા પાપડ પર ઝીણી સમારેલી ડુંગળી, ટામેટાં અને બાફેલા બટાકાના નાના ટુકડા પાથરી દો. ઉપરથી લીલા મરચાં, ચાટ મસાલો, લીંબુનો રસ, બારીક સેવ અને લીલા ધાણા ભભરાવીને તુરંત સર્વ કરો. (નોંધ: આ ચાટ બનાવતાની સાથે જ ખાઈ લેવી જેથી પાપડનો ક્રંચ જળવાઈ રહે.)


