સુરત, 17 નવેમ્બર, 2026 : Increase in demand for lab-grown diamonds શહેરના હીરા ઉદ્યોગમાં મોટી સંખ્યામાં રત્નકલાકારો રોજગારી મેળવી રહ્યા છે. હીરા ઉદ્યોગમાં છેલ્લા ઘણા સમયથી મંદીનો દૌર ચાલી રહ્યો છે. ત્યારે લેબગ્રોન હીરાની માગમાં વધારો થતાં હીરા ઉદ્યોગમાં તેજીના સંકેતો જોવા મળી રહ્યા છે. રત્નકલાકારો માટે દિવાળી વેકેશન પણ 25 દિવસથી ટુંકાવીને માત્ર 7 દિવસ જાહેર કરવામાં આવ્યું છે. શહેરમાં નવા વર્ષના કામકાજની શુભ શરૂઆત કરવા માટે કારખાનાઓમાં 251 કેરેટના કુલ 2,111 ગ્રીન (લેબગ્રોન) ડાયમંડ ગોઠવીને ‘શુભ-લાભ’ અંકિત કરવામાં આવ્યું હતું. અને હીરાના કારખાનેદારોએ નવા વર્ષના શ્રીગણેશ કર્યા હતા.
હીરા ઉદ્યોગમાં છેલ્લા 4 વર્ષની સરખામણીમાં આ વર્ષે લેબગ્રોન ડાયમંડની માંગમાં નોંધપાત્ર વધારો જોવા થયો છે. આગામી ક્રિસમસ અને લગ્નસરાની સિઝનને ધ્યાનમાં રાખીને આંતરરાષ્ટ્રીય બજારોમાંથી મોટા પાયે ઓર્ડર મળી રહ્યા છે. વિદેશી બજારોની સાથે-સાથે ભારતમાં પણ CVD અને લેબગ્રોન ડાયમંડનું ચલણ ઝડપથી વધ્યું છે, જેના કારણે હીરાના કારખાનાઓ વહેલા શરૂ કરવાની ફરજ પડી છે.
હીરાના વેપારીઓના કહેવા મુજબ નેચરલ માઈન્ડ ડાયમંડની સરખામણીમાં લેબગ્રોન ડાયમંડની કિંમત ઘણી ઓછી હોવાથી ગ્રાહકોનો ઝુકાવ લેબગ્રોન ડામન્ડ તરફ વધ્યો છે. લેબગ્રોન હીરા સસ્ટેનેબલ અને અત્યંત કિફાયતી હોવાથી હવે સામાન્ય મધ્યમવર્ગીય વ્યક્તિ પણ સરળતાથી હીરાના દાગીના ખરીદી અને પહેરી શકે છે. હાલ સોનાના ભાવ આસમાને છે ત્યારે નેચરલ હીરાની તુલનામાં માત્ર 5થી 10 ટકા કિંમતે મળતા ગ્રીન ડાયમંડ જ્વેલરી માર્કેટમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. બજારમાં સતત વધી રહેલી ડિમાન્ડ અને પ્રોડક્શનમાં થઈ રહેલા વધારાને કારણે આ નવું વર્ષ રત્નકલાકારો માટે પણ અત્યંત શુભ અને ફળદાયી સાબિત થવાની પૂરી શક્યતા છે. લાંબા સમયની મંદી બાદ હવે લેબગ્રોન ડાયમંડના કારખાનાઓ પૂરજોશમાં શરૂ થતા કારીગરોને પૂરતું કામ અને સારી રોજગારી મળી રહેશે, જેનાથી સમગ્ર હીરા ઉદ્યોગમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
હીરાના કારખાનેદારના કહેવા મુજબ સામાન્ય રીતે હીરા ઉદ્યોગમાં 21થી 25 દિવસનું વેકેશન હોય છે, પરંતુ વૈશ્વિક ડિમાન્ડ ખૂબ સારી હોવાથી આ વર્ષે અમે માત્ર 7 દિવસનું જ વેકેશન રાખ્યું છે.








