ગાંધીનગર, 17 નવેમ્બર, 2026 : Uproar as 30,000 candidates fail Tata (HS) exam રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં શિક્ષકો માટેની ટાટ (HS)ની મુખ્ય પરીક્ષા તાજેતરમાં લેવામાં આવી હતી. આ પરીક્ષાનું પરિણામ જાહેર થતાં જ મોટા ભાગના ઉમેદવારો નારાજ થયા છે. કારણ કે ટાટની આ પરીક્ષામાં 30,000 ઉમેદવારો નાપાસ થયા છે. પરિણામ જાહેર થતા રાજ્યભરમાંથી પરીક્ષાર્થીઓ ગાંધીનગર પહોંચ્યા હતા. જ્યાં સેક્ટર-21 ખાતે ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ સામે ઉગ્ર વિરોધ નોંધાવી સત્તાધીશોને આવેદનપત્ર પાઠવ્યું હતું અને બંને પેપરના માર્ક જાહેર કરવાની સાથે પનઃ મૂલ્યાંકનની માગણી કરવામાં આવી છે.
ગુજરાતમાં તાજેતરમાં જ ટાટ (HS)ની પરીક્ષા અમદાવાદ સહિત તમામ જિલ્લાના કેન્દ્રો પર લેવામાં આવી હતી. આ પરીક્ષા રાજ્યભરમાંથી અંદાજે 47 હજાર જેટલા લાયક ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પરીક્ષાના જાહેર કરવામાં આવેલા પરિણામમાં આશ્ચર્યજનક સ્થિતિ સર્જાઈ છે, જેમાં આશરે 30 હજાર જેટલા પરીક્ષાર્થીઓ નાપાસ જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે માત્ર 16 હજાર પરીક્ષાર્થીઓ જ સફળ થયા છે. આટલી મોટી સંખ્યામાં પરીક્ષાર્થીઓ નાપાસ થતાં અને ગુણવત્તાસભર વિદ્યાર્થીઓ તેમજ ગોલ્ડ મેડાલિસ્ટ અને પીએચ.ડી ધારકોના પરિણામો પણ અપેક્ષિત ન આવતા પરીક્ષાર્થીઓમાં ભારે આશ્ચર્ય સાથે રોષ ફેલાયો છે. આ અંગે પરીક્ષાર્થીઓએ જણાવ્યું હતું કે, પરીક્ષામાં બેઠેલા તેજસ્વી અને અનુભવી શૈક્ષણિક સ્ટાફનું પરિણામ ખૂબ જ નીચું અને અપેક્ષાઓ વિપરીત આવ્યું છે.
રાજ્ય પરીક્ષા બોર્ડને ઉમેદવારોએ આવેદનપત્ર પાઠવી માંગ કરી છે કે, TAT-HS મુખ્ય પરીક્ષાના બંને પેપરોના માર્ક અલગ-અલગ જાહેર કરવા જોઈએ. દરેક ઉમેદવારની ઉત્તરવહી અને આન્સર કી જાહેર થાય. તેમજ મૂલ્યાંકન પદ્ધતિ અને તેના ચોક્કસ નિયમો સ્પષ્ટ કરવામાં આવે. આ સાથે જ પેપર-1 આપનાર અને નાપાસ થયેલા પરીક્ષાર્થીઓને તેની વિગતવાર માહિતી આપવાની માંગ કરાઈ છે.
આ સમગ્ર વિરોધ પ્રદર્શન અંગે પ્રતિક્રિયા આપતા ઉમેદવારોએ કહ્યું હતું કે, અમે ખૂબ જ મહેનતથી પરીક્ષા આપી હતી, પરંતુ પરિણામમાં આવેલા આંકડાકીય વિસંગતતાઓ અને અણધાર્યા માર્કને કારણે અમારા ભવિષ્ય પર પ્રશ્નાર્થ સર્જાયો છે. રાજ્ય પરીક્ષા બોર્ડે આ મામલે ત્વરીત અને નિષ્પક્ષ તપાસ કરી ઉમેદવારોના હિતમાં સાચો નિર્ણય કરવો જોઇએ.








