અમદાવાદ, 17 નવેમ્બર, 2026 : Congress starts preparations for assembly elections ગુજરાત વિધાનસભાની ચૂંટણી વહેલી યોજાય એવી શક્યતાને લીધે કોંગ્રસ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કોંગ્રેસના પ્રદેશ પ્રભારી રણદીપસિંહ સુરજેવાલા કાલે તા. 18મી નવેમ્બરથી ગુજરાતના બે દિવસના પ્રવાસે આવી રહ્યા છે. બે દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા વિપક્ષ નેતા તુષાર ચૌધરી સહિત પક્ષના વરિષ્ઠ નેતાઓથી લઈને શહેર અને જિલ્લા સ્તરના હોદ્દેદારો સાથે બેઠકો કરીને સંગઠનની સ્થિતિ અને આગામી રાજકીય રણનીતિ અંગે ચર્ચા કરશે. તેમજ રણદિપસિંહ સુરજેવાલાના પ્રવાસ બાદ પ્રદેશ સંગઠનમાં ફેરફાર થાય તેવી ચર્ચા છે.
પ્રદેશ કોંગ્રેસના સૂત્રોના કહેવા મુજબ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રભારી રણદીપસિંહ સુરજેવાલા આવતી કાલે તા. 18 નવેમ્બરના રોજ બપોરે અમદાવાદ એરપોર્ટ પહોંચશે. ત્યારબાદ પાલડીમાં આવેલા રાજીવ ગાંધી ભવન ખાતે કોંગ્રેસની પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠક યોજશે. જેમાં કાર્યકારી અધ્યક્ષની સાથે સાથે પ્રદેશના નેતાઓ સાથે સંગઠનની સ્થિતિ અને જમીન સ્તર પરની વાસ્તવિકતા સહિતના મુદ્દાઓ અંગે ચર્ચા થવાની છે.
પ્રદેશ કોંગ્રેસના પ્રભારી સુરજેવાલા 19 નવેમ્બરના રોજ શહેર અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખો સાથે બેઠક પણ કરશે. તેમજ ત્યારબાદ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો સાથે પણ અલગ બેઠક યોજશે. ચૂંટણી પહેલાં સંગઠનને મજબૂત બનાવવા, સ્થાનિક સ્તરે પક્ષની સ્થિતિનું મૂલ્યાંકન કરવા અને આગામી સમયની રાજકીય રણનીતિ નક્કી કરવા બેઠકમાં ચર્ચા થવાની છે.








