વડોદરા, 17 નવેમ્બર, 2026 : Young architect commits cyber fraud to become a millionaire શહેરમાં બ્રિજેશ રામચંદ્ર પટેલ નામનો આર્કિટેક થયેલો યુવાન કન્ટ્રક્શનના વ્યવસાય સાથે જોડાયેલો હતો. અને રાતોરાત કરોડપતિ બનવા માટે લોકોને છેતરવા સાયબર ફ્રોડ કરવા લાગ્યો હતો. પોલીસ ઈન્સ્પેક્ટર તરીકેની ખોટી ઓળખ આપીને લોકોને વીડિયો કોલ કરી મની લોન્ડરિંગ, સીબીઆઈ અને ડ્રગ્સ કેસમાં ફસાવવાની ધમકી આપી રૂપિયા 2.04 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરીને ચાર જેટલા ગંભીર ગુનાઓમાં આરોપી બ્રિજેશ નાસતો-ફરતો હતો. દરમિયાન શહેર ક્રાઈમ બ્રાન્ચને બાતમીને આધારે વાસદ ટોલનાકા પાસેથી આરોપી બ્રિજેશ પટેલને ઝડપી પાડ્યો હતો. અકોટા પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કર્યો હતો. જ્યાં કોર્ટે તેના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમને ટેક્નિકલ અને હ્યુમન સોર્સના આધારે બાતમી મળી હતી કે, અકોટા અને પાણીગેટ પોલીસ સ્ટેશનના ગુનાઓમાં વોન્ટેડ આરોપી બ્રિજેશ રામચંદ્ર પટેલ વાસદ ટોલ નાકા પાસેથી પસાર થવાનો છે, જેના આધારે પોલીસે તેને દબોચી લીધો હતો. ઝડપાયેલા આરોપી બ્રિજેશ રામચંદ્ર પટેલ (રહે. નીલકંઠ રેસીડેન્સી, મકરપુરા, વડોદરા)ની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારી વિગતો જાણવા મળી છે. આરોપીએ વડોદરા ઉપરાંત કચ્છ જિલ્લાના આદીપુર અને ગાંધીધામ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પણ સક્રિય હતો. પોલીસ ઈન્સ્પેક્ટરની ખોટી ઓળખ આપીને લોકોને જુદા-જુદા કેસોમાં ફસાવી દેવાની ધમકી આપી ભય ઊભો કરતો હતો અને સાયબર ફ્રોડ આચરી નાણાં પડાવતો હોવાનું સામે આવ્યું છે. હાલ આ તમામ કેસો અંગે વધુ તપાસ માટે આરોપીને અકોટા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
શહેર ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોના કહેવા મુજબ આરોપી બ્રિજેશ પટેલ વિરુદ્ધ આચરવામાં આવેલા ગુનાઓની વિગત જોઈએ તો, અકોટા અને પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા છે. આરોપીએ ઇન્ટરનેટના માધ્યમથી ઓનલાઈન ઠગાઈ કરવા માટે પોતાના જ પરિચિતો અને કંપનીના નામે અલગ-અલગ બેંક ખાતા ખોલાવવામાં આવ્યા હતા. આ બેંક ખાતાઓનો ઉપયોગ ગેરકાયદેસર આર્થિક લાભ મેળવવા તથા અનઓથોરાઈઝ્ડ ટ્રાન્ઝેક્શન કરી લાખો રૂપિયાની છેતરપિંડી આચરવા માટે કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત, કચ્છ જિલ્લાના આદીપુર અને ગાંધીધામ ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આરોપીઓ દ્વારા નાગરિકોને ફોન કરી તેઓનું પાર્સલ મુંબઈ એલ.ટી. માર્ગ પોલીસ સ્ટેશન દ્વારા સીઝ થયું હોવાનું કહેવામાં આવતું. ત્યારબાદ પોતાની ઓળખ પોલીસ ઈન્સ્પેક્ટર તરીકે આપી વીડિયો કોલ દ્વારા મની લોન્ડરિંગ, સીબીઆઈ અને ડ્રગ્સ કેસમાં ફસાવવાની ધમકીઓ આપી ઓનલાઈન બળજબરીથી લાખો રૂપિયા પડાવી લેવામાં આવતા અને ફરિયાદીઓને વારંવાર માનસિક ટોર્ચર કરવામાં આવતા હતા.








