સાંજની ચા હોય કે પછી અચાનક ઘરે કોઈ મહેમાન આવી જાય, ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ થાય કે ખાવામાં ઝટપટ શું બનાવવું? મોટાભાગના લોકો બજારમાંથી તૈયાર નમકીન કે ચિપ્સ મંગાવી લેતા હોય છે, પરંતુ ઘરમાં રાખેલી સામાન્ય સામગ્રીમાંથી જ જો ગરમાગરમ અને ફ્રેશ નાસ્તો બની જાય તો ખાવાની મજા જ અલગ પડી જાય છે. શિયાળાની ગુલાબી ઠંડી કે સાંજની ચાની ચૂસ્કી સાથે જો સીંગદાણાની આ 5 મજેદાર રેસિપીઝ મળી જાય, તો તમારો દિવસ બની જશે.
- ચટપટી મસાલા મગફળી
જો તમને ચા સાથે કંઈક ક્રિસ્પી ખાવાની ટેવ છે, તો બહારની નમકીન લાવવા કરતાં ઘરે જ મસાલા સીંગ બનાવી લો. બનાવવા માટે એક કપ કાચા સીંગદાણા લો, તેમાં બે ચમચી બેસન, અડધી ચમચી લાલ મરચા પાવડર, થોડી હળદર, ચાટ મસાલો અને સ્વાદ મુજબ મીઠુ ઉમેરી બરાબર મિક્સ કરો. હવે તેમાં થોડું-થોડું પાણી છાંટીને સીંગ પર મસાલાનું કોટિંગ કરો (ધ્યાન રાખવું કે પાણી વધુ ન પડે). હવે એક કઢાઈમાં તેલ ગરમ કરી, આ સીંગદાણાને ધીમી-મધ્યમ આંચ પર ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો. ઠંડી થયા પછી આ મસાલા સીંગ ચા સાથે એન્જોય કરો.
-
ચટપટી મગફળી ચાટ
જો વધારે મહેનત કર્યા વગર કંઈક હેલ્ધી અને ચટપટું ખાવું હોય, તો આ ચાટ બેસ્ટ છે. આ ચાટ બનાવવા માટે અડધો કપ સીંગદાણાને પાણીમાં સારી રીતે બાફી લો. જ્યારે તે નરમ થઈ જાય ત્યારે પાણી નીકાળીને એક વાસણમાં લો. તેમાં ઝીણી સમારેલી ડુંગળી, ટામેટું, લીલું મરચુ અને કોથમીર ઉમેરો. ઉપરથી મીઠુ, લાલ મારચા, ચાટ મસાલો અને અડધા લીંબુનો રસ નીચોવીને બધું બરાબર મિક્સ કરો.
- બાળકો માટે ખાસ ‘ક્રિસ્પી મંગફળી કટલેટ’
બટાકાના કટલેટ તો તમે ઘણીવાર ખાધા હશે, પણ આ વખતે તેમાં સીંગદાણા ઉમેરીને નવો સ્વાદ આપો. કટલેટ બનાવવા માટે અડધો કપ શેકેલા સીંગદાણાને મિક્સરમાં પીસી લો. હવે એક વાસણમાં બે ઉકાળેલા બટાકા મેશ કરી તેમાં પીસેલા સીંગદાણા, લીલું મરચુ, કોથમીર, લાલ મરચા પાવડર, ગરમ મસાલો અને મીઠુ મિક્સ કરો. બાઈન્ડિંગ માટે તેમાં બે ચમચી બ્રેડ ક્રમ્બસ ઉમેરીને નાના-નાના કટલેટ બનાવી લો. એક પેનમાં થોડું તેલ ગરમ કરી કટલેટને ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લો. ગ્રીન ચટણી સાથે તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
-
હેલ્ધી અને ટેસ્ટી ‘ગોળવાળી મગફળી ચિક્કી’
જ્યારે પણ કંઈક મીઠું ખાવાનું મન થાય, ત્યારે બજારની મીઠાઈઓ લાવવા કરતાં ઘરે જ હેલ્ધી ચિક્કી બનાવો. આ ચિક્કી બનાવવા માટે એક કપ સીંગદાણાને ધીમી આંચ પર શેકીને તેના છાલા કાઢી લો. હવે એક કઢાઈમાં અડધો કપ ગોળ અને એક ચમચી પાણી નાખીને ઓગાળો. જ્યારે ગોળની ઘાટી ચાસણી બની જાય, ત્યારે તેમાં શેકેલા સીંગદાણા ઉમેરી ઝડપથી મિક્સ કરી લો. હવે એક થાળીમાં ઘી લગાવીને આ મિશ્રણ ફેલાવી દો અને વેલણથી હળવું વણી લો. થોડું ઠંડુ થયા પછી તેને મનપસંદ આકારમાં કાપી લો.
- ચા સાથે મજા પડી જાય તેવું મગફળી નમકીન પોહા
આ વાનગી બનાવવા માટે એક કઢાઈમાં બે કપ જાડો પોહા નાખીને ધીમી આંચ પર ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લો અને એક પ્લેટમાં કાઢી લો. હવે તે જ કઢાઈમાં તેલ ગરમ કરી અડધો કપ સીંગદાણા તળી લો. તેમાં કઢી પત્તા, લીલા મરચાં, હળદર પાવડર અને નમક ઉમેરો. અંતે શેકેલો પોહા ઉમેરી બધું બરાબર મિક્સ કરી લો. ઉપરથી ચાટ મસાલો નાખીને ઠંડુ થયા પછી એરટાઈટ ડબ્બામાં ભરી દો.








