સામાન્ય રીતે ભૂખ લાગવી એ શરીર માટે એક કુદરતી અને સારો સંકેત ગણાય છે. પરંતુ જો તમને સવારનો નાસ્તો, બપોરનું ભોજન કે રાત્રિનું ડિનર કર્યાના થોડા જ સમયમાં ફરીથી કડકડાટ ભૂખ લાગવા માંડે, તો તેને માત્ર ખાવાની આદત ગણીને નજરઅંદાજ કરવાની ભૂલ ભારે પડી શકે છે. આરોગ્ય નિષ્ણાતોના મતે, ભોજન લીધા પછી પણ સતત કંઈક ખાવાની ઈચ્છા થવી એ શરીરમાં થતા આંતરિક હોર્મોનલ બદલાવ અથવા કોઈ છુપાયેલી ગંભીર બીમારીનો સંકેત હોઈ શકે છે.
દહેરાદૂનની કૈલાશ હોસ્પિટલના સીનિયર ડાયેટિશિયન ડો. પાયલ દત્ત જણાવે છે કે, બાળકો અને સક્રિય જીવનશૈલી ધરાવતા લોકોમાં શારીરિક પ્રવૃત્તિઓને કારણે ખોરાક ઝડપથી પચી જાય તે સ્વાભાવિક છે, પરંતુ ઉંમર વધવાની સાથે અથવા સામાન્ય દિનચર્યામાં અચાનક વારંવાર ભૂખ લાગવી એ ચિંતાનો વિષય બને છે. વારંવાર ભૂખ લાગવા પાછળના 9 મુખ્ય આરોગ્ય વિષયક કારણો…
-
ડાયાબિટીસ
મેડિકલ ભાષામાં જરૂરિયાત કરતાં વધારે ભૂખ લાગવાની સ્થિતિને ‘પોલિફેજિયા’ કહેવામાં આવે છે. જ્યારે શરીર બ્લડ શુગર (ગ્લુકોઝ)નો યોગ્ય રીતે ઉર્જા તરીકે ઉપયોગ કરી શકતું નથી, ત્યારે કોષો સુધી પોષણ પહોંચતું નથી અને મગજ સતત ખોરાક લેવાનો સંકેત આપે છે.
- લો બ્લડ શુગર
શરીરમાં બ્લડ શુગરનું પ્રમાણ અચાનક ઘટી જવાથી (હાઇપોગ્લાયકેમિયા) ખૂબ તેજ ભૂખ લાગે છે. આ સ્થિતિમાં ભૂખ લાગવાની સાથે હાથ ધ્રૂજવા, અચાનક પરસેવો થવો અને ચક્કર આવવા જેવા લક્ષણો પણ જોવા મળે છે.
-
થાઇરોઇડની સમસ્યા
જો થાઇરોઇડ ગ્રંથિ જરૂર કરતાં વધુ સક્રિય (ઓવરએક્ટિવ) હોય, તો શરીરનો મેટાબોલિઝમ રેટ (ચયાપચયનો દર) ખૂબ ઝડપી થઈ જાય છે. પરિણામે શરીર ઝડપથી કેલરી બર્ન કરે છે અને વ્યક્તિને વારંવાર ભૂખ લાગે છે.
- માનસિક તણાવ અને સ્ટ્રેસ
લાંબા સમય સુધી માનસિક તણાવ કે સ્ટ્રેસમાં રહેવાથી શરીરમાં ‘કોર્ટીસોલ’ નામના હોર્મોનનું સ્તર વધી જાય છે. આ હોર્મોન વધવાને કારણે વ્યક્તિને ખાસ કરીને ગળ્યા કે વધુ કેલરીવાળા પદાર્થો ખાવાની તીવ્ર ઈચ્છા થાય છે.
- અપૂરતી ઊંઘ
જો તમારી ઊંઘ પૂરી થતી ન હોય, તો ભૂખ અને પેટ ભરેલું હોવાનો અહેસાસ કરાવતા હોર્મોન્સ – ‘ગ્રેલિન’ અને ‘લેપ્ટિન’નું સંતુલન બગડી જાય છે. આ અસંતુલનને કારણે પેટ ભરેલું હોવા છતાં ભૂખ લાગ્યા કરે છે.
- પીરિયડ્સ પહેલાં હોર્મોનલ ફેરફાર
મહિલાઓમાં માસિક ધર્મ શરૂ થાય તે પહેલાં શરીરમાં થતા હોર્મોનલ ફેરફારોને કારણે ભૂખનું પ્રમાણ અચાનક વધી જવું ખૂબ સામાન્ય બાબત છે.
-
ડિપ્રેશન
કેટલાક કિસ્સાઓમાં માનસિક હતાશા કે ડિપ્રેશનથી પીડાતી વ્યક્તિઓમાં ‘ઈમોશનલ ઈટિંગ’ની સમસ્યા જોવા મળે છે, જેમાં તેઓ મન શાંત કરવા માટે વારંવાર ખોરાક લેતા હોય છે.
- આહારમાં પોષણનો અભાવ
જો તમારા દૈનિક આહારમાં પ્રોટીન, ફાઇબર અને હેલ્ધી ફેટ્સ જેવા આવશ્યક પોષક તત્વોનો અભાવ હોય અને માત્ર રિફાઇન્ડ કાર્બોહાઇડ્રેટ્સનું પ્રમાણ વધુ હોય, તો પેટ ભર્યા પછી પણ શરીર પોષણની માંગ કરે છે અને વારંવાર ભૂખ લાગે છે.
- ગર્ભાવસ્થા
ગર્ભાવસ્થા દરમિયાન મહિલાના શરીરમાં બાળકના વિકાસ માટે પોષણની જરૂરિયાત નોંધપાત્ર રીતે વધી જાય છે, જેના કારણે આ સમયગાળા દરમિયાન વધારે ભૂખ લાગવી એ એક સ્વાભાવિક પ્રક્રિયા છે.
-
ક્યારે ડોક્ટરની સલાહ લેવી અત્યંત જરૂરી?
ડાયેટિશિયનના મેતે જો તમને સતત ભૂખ લાગવાની સાથે સાથે આ ક્ષેત્રોમાં પણ ફેરફાર દેખાય તો તેને બિલકુલ હળવાશથી ન લેવો જોઈએ:
કોઈ પણ કારણ વગર અચાનક વજન ઘટવું.
સામાન્ય કરતાં ખૂબ વધારે તરસ લાગવી.
દિવસ અને રાત્રિ દરમિયાન વારંવાર પેશાબ કરવા જવું પડે.
જો આવા લક્ષણો જણાતા હોય તો વિલંબ કર્યા વિના તાત્કાલિક યોગ્ય ફિઝિશિયન કે ડાયાબિટીસ નિષ્ણાતનો સંપર્ક કરી બ્લડ શુગર અને થાઇરોઇડ પ્રોફાઇલ સહિતના જરૂરી બ્લડ ટેસ્ટ કરાવવા જોઈએ.


